સાયરસ મિસ્ત્રીનું જ્યાં મૃત્યુ થયું હતું એ સ્થળે ક્રૅશ બૅરિયર્સ મુકાયું

07 December, 2022 12:53 PM IST  |  Mumbai | Diwakar Sharma

સૂર્યા નદીના પુલ પર રોડની નબળી ડિઝાઇનને કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા છે

મુંબઈ-અમદાવાદ હાઇવે પર સૂર્યા નદીના પુલ પર ડિવાઇડર પાસે ક્રૅશ અટેન્યુએટર લગાડવામાં આવ્યું છે

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ઉદ્યોગપતિ સાયરસ મિસ્ત્રી અને તેમના મિત્રનું અકસ્માતમાં મૃત્યુ થયાને ઘણા દિવસો વીત્યા છે ત્યારે નૅશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા (એનએચએઆઇ)એ સૂર્યા નદીના બ્રિજ પાસે ક્રૅશ અટેન્યુએટર (ક્રૅશ થાય ત્યારે ડૅમેજ ઘટાડવા માટે બેસાડવામાં આવતું સેફ્ટી ડિવાઇસ) બેસાડ્યાં છે. આ પ્રથમ વાર છે જ્યારે એ‌નએચએઆઇએ હાઇવે પર અકસ્માતની તીવ્રતા ઘટાડવા માટે અટેન્યુએટર બેસાડ્યાં છે એમ એક અધિકારીએ જણાવ્યં હતું. આ ક્રૅશ અટેન્યુએટર ત્રણ લેન ભેગી થઈને બે લેન બની વાહનચાલકોને મૂંઝવણમાં મૂકે છે એ રસ્તાના ‘વી’ શેપની શરૂઆતમાં મૂકવામાં આવ્યાં છે.

સાયરસ મિસ્ત્રી જ્યાં રોડ-અકસ્માતમાં માર્યા ગયા એ સ્થળ બ્લૅકસ્પૉટ છે, પરંતુ એમાં કોઈ ચેતવણી આપતાં ચિહનો કે રિફ્લેક્ટર મૂકવામાં આવ્યાં નહોતાં. સૂર્યા નદીના પુલ પર રોડની નબળી ડિઝાઇનને કારણે અનેક જીવલેણ અકસ્માતો થયા છે. ‘મિડ-ડે’એ અહેવાલોમાં આને પ્રકાશિત કર્યા પછી ચેતવણીનાં ચિહ‍નો અને ઝડપ મર્યાદા અને ‘ધીમી ગતિએ જાઓ’ વિશે જણાવતાં બે બોર્ડ લગાડવામાં આવ્યાં હતાં. જોકે જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ખામીયુક્ત રેલિંગનું સમારકામ કરવાનું હજી બાકી છે.

આ પ્રથમ વખત મુંબઈ-અમદાવાદ હાઇવે પર ક્રૅશ અટેન્યુએટર ઉપકરણ સ્થાપિત કરવામાં આવ્યું છે. આ ઉપકરણ અકસ્માતોની અસરને ઘટાડે છે. અમે હાઇવે પર વધુ ત્રણ સ્થળો પણ ઓળખી કાઢ્યાં છે જ્યાં ક્રૅશ અટેન્યુએટર્સ ઇન્સ્ટૉલ કરવાની જરૂર છે, એમ ‘મિડ-ડે’ને જણાવતાં એનએચએઆઇના પ્રોજેક્ટ ડિરેક્ટર મુકુન્દા અટાર્ડેએ વધુમાં ઉમેર્યું હતું કે ‘આગળની જગ્યા જ્યાં અમે ઉપકરણ ઇન્સ્ટૉલ કરવાનું નક્કી કર્યું છે એ હાઇવેનો મુંબઈ તરફ જતો વૈતરણા નદીનો પુલ છે. બીજું તાનસા નદી પાસેના પુલ પર અને વસઈ નજીક કામણ પર હશે.’

૨૦૨૦માં એનએચએઆઇએ હાઇવેનું સલામતી ઑડિટ કરવાનું કાર્ય એક કંપનીને સોંપ્યું હતું. જોકે એના રિપોર્ટમાં એ બ્લૅકસ્પૉટ જ્યાં મિસ્ત્રીનું મૃત્યુ થયું હતું એને હાઇલાઇટ કરવામાં આવ્યું નથી.

ચોથી સપ્ટેમ્બરે સાયરસ મિસ્ત્રી અને ડૉ. અનાહિતા પંડોલે, તેમના પતિ દરિયસ અને જહાંગીર પંડોલે સહિત અન્ય ત્રણ લોકો મર્સિડીઝમાં ગુજરાતથી મુંબઈ જઈ રહ્યાં હતાં ત્યારે ચારોટી ટોલપ્લાઝાથી માત્ર એક કિલોમીટર આગળ અકસ્માત થયો હતો. આ સ્થળે સૂર્યા નદી પર બનેલા ફ્લાયઓવર પર હાઇવે ત્રણ લેનમાંથી બે લેનનો થઈ જાય છે. પાછળની સીટ પર બેઠેલા સાયરસ મિસ્ત્રી અને જહાંગીરનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય બે જણ ગંભીર ઈજા થઈ હતી છે. દરિયસને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે, જ્યારે અનાહિતા હજી પણ હીરાનંદાની હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે.

દરિયસે પાલઘર પોલીસને આપેલા તેમના સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે ‘તેમની કારની જમણી બાજુ એક વાહન હતું. અનાહિતા આ વાહનને ડાબી બાજુએથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ અચાનક જ રસ્તો સાંકડો બની ત્રણમાંથી બે લેનનો થઈ જતાં અમારી કાર બ્રિજની રેલિંગ સાથે ટકરાઈ હતી.’ 

mumbai mumbai news national highway diwakar sharma