આરે કાર શેડનો રિપોર્ટ રાજ્ય સરકાર માટે બંધનકર્તા નથી : આદિત્ય ઠાકરે

30 January, 2020 09:53 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

આરે કાર શેડનો રિપોર્ટ રાજ્ય સરકાર માટે બંધનકર્તા નથી : આદિત્ય ઠાકરે

આરે કૉલોની

આરે મિલ્ક કૉલોનીમાં મેટ્રો રેલવેનો કાર-ડેપો બાંધવા વિશે મુખ્ય પ્રધાને નિયુક્ત કરેલી સમિતિનો અહેવાલ રાજ્ય સરકાર માટે બંધનકર્તા નહીં હોવાનું પર્યટન ખાતાના પ્રધાન આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું. ચાર સભ્યોની સમિતિએ આરે કૉલોનીમાંથી મેટ્રો કારશેડનું શિફ્ટિંગ અશક્ય ગણાવતો અહેવાલ મંગળવારે રાજ્ય સરકારને સુપરત કર્યો હતો. ઉક્ત સમિતિએ ઍડિશનલ ચીફ સેક્રેટરી મનોજ સૌનિકને અહેવાલ સુપરત કર્યો હતો. જોકે સૌનિકે એ અહેવાલ મુખ્ય પ્રધાનને સુપરત કર્યો છે કે નહીં એ જાણવા મળ્યું નથી.

આદિત્ય ઠાકરેએ જણાવ્યું હતું કે ‘સમિતિના અહેવાલનો સ્વીકાર રાજ્ય સરકાર માટે ફરજિયાત, અનિવાર્ય કે બંધનકર્તા નથી. એ વિષયનો ઊંડાણથી અભ્યાસ કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે. આ બાબતે નિર્ણય લેતાં પહેલાં હું પર્યાવરણવાદીઓને પણ મળીશ.’

દરમ્યાન સમિતિના અહેવાલના મુદ્દાના પ્રતિકાર માટે ‘સેવ આરે’ અભિયાનના સ્વયંસેવકો પણ સક્રિય થયા છે. સમિતિએ અહેવાલમાં જણાવ્યું હતું કે ‘મેટ્રો કારશેડનું આરે કૉલોનીમાંથી શિફ્ટિંગ ખર્ચાળ બનવા ઉપરાંત એને કારણે યોજના વિલંબમાં પડવાની આશંકા છે. શિફ્ટિંગની કાર્યવાહી સાધન-સરંજામ અને વ્યવસ્થાની દૃષ્ટિએ પણ મુશ્કેલ બનશે.’

આરે કન્ઝર્વેશન ગ્રુપનાં સભ્ય અમ્રિતા ભટ્ટાચાર્યે જણાવ્યું હતું કે ‘મેટ્રો રેલવેના કારશેડના આરે કૉલોનીમાંથી શિફ્ટિંગ બાબતે સમિતિએ જે વાંધા અને સમસ્યાઓની યાદી બનાવી છે એ યાદીના દરેક મુદ્દાનો જવાબ આપવા અને એ વિષયમાં જનમત જગાવવા માટે અમારા ગ્રુપના સભ્યો સક્રિય છે.’

આ પણ વાંચો : મુંબઈ: સીએએના વિરોધમાં ભારત બંધને શહેરમાં આંશિક પ્રતિસાદ

આરે કૉલોનીના રક્ષણ માટે મેટ્રો કારશેડ હટાવવાની માગણી સાથે આંદોલન કરતા મુંબઈના પર્યાવરણવાદીઓએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર ‘ક્યા હુઆ તેરા વાદા’ હૅશટૅગ સાથે અભિયાન શરૂ કર્યું છે. મંગળવારે આરે કૉલોનીમાં કારશેડ માટે મુંબઈ મેટ્રો કૉર્પોરેશન તરફથી કાર-ડેપોની બાજુમાં રૅમ્પનું બાંધકામ ચાલતું હોવાનું જાણ્યા પછી પર્યાવરણવાદીઓ એ ઠેકાણે ભેગા થયા હતા.

aaditya thackeray save aarey aarey colony mumbai news ranjeet jadhav