મુંબઈ: લોકલ ટ્રેનોમાં ચેઇન-સ્નૅચરોને જલસા

27 April, 2019 12:30 PM IST  |  મુંબઈ | જયેશ શાહ

મુંબઈ: લોકલ ટ્રેનોમાં ચેઇન-સ્નૅચરોને જલસા

પ્રતીકાત્મક તસવીર

મુંબઈની લોકલ ટ્રેનોમાં મુસાફરો સુરક્ષિત રીતે પ્રવાસ કરી શકે એ હેતુથી કરોડો રૂપિયાના ખર્ચે દરેક રેલવે-સ્ટેશન પર સીસીટીવી કૅમેરા બેસાડવામાં આવ્યા છે, પરંતુ રેલવેની આ પહેલ બાદ પ્રવાસીઓની સુરક્ષા પર હજી પણ સવાલ ઊભા જ છે અને એની સાથે ગુનાઓમાં પણ વધારો થયો હોવાની માહિતી પોલીસે આરટીઆઇ કાર્યકરને આપી એ મુજબ રેલવે-પરિસરમાં છેલ્લાં ૬ વર્ષમાં ૮ કરોડ ૨૮ લાખ ૨૪ હજાર ૩૯૯ રૂપિયાના માલસામાનની સ્નૅચિંગની ઘટના બની છે.

શહેર ગવર્નમેન્ટ રેલવે પોલીસના માહિતી અધિકારીએ ૨૦૧૩થી ૨૦૧૮ સુધીમાં રેલવે પરિસરમાં કેટલી ચેઇન-સ્નૅચિંગની ઘટના અને કેટલી જબરદસ્તી સ્નૅચિંગની ઘટનામાં કેટલા ગુના નોંધાયા અને કેટલા ગુના ઉકેલાયા તેમ જ કેટલી સંપત્તિ ચોરાઈ છે તથા કેટલી પાછી મેળવી શકાઈ છે એ સંબંધી જાણકારી ઍક્ટિવિસ્ટ શકીલ અહેમદ શેખે રાઇટ ટુ ઇન્ફર્મે‍શન (આરટીઆઇ) ઍક્ટ હેઠળ માગી હતી. એના જવાબમાં અપાયેલી માહિતી મુજબ મુંબઈ રેલવે પોલીસની હદમાં ૨૦૧૩થી માર્ચ ૨૦૧૮ સુધીમાં ફરિયાદીની જાણ બહાર થયેલી ચેઇન-સ્નૅચિંગની ઘટનાઓમાં અને ફરિયાદીની નજર સામે ચેઇન-સ્નૅચિંગની જબરદસ્તીથી કરાયેલી ચોરીની ઘટનાઓ મળીને કુલ ૮,૨૮,૨૪,૩૯૯ રૂપિયાની ચોરી સામે ફક્ત ૩,૩૨,૩૯,૯૨૧ રૂપિયાનો માલ રિકવર થઈ શક્યો છે જે કુલ સંપત્તિના ૪૦ ટકા જેટલો છે.

આ પણ વાંચો : મહારાષ્ટ્ર દિને સચિન તેંડુલકરનાં ધાતુશિલ્પોનું લોકાર્પણ ટલ્લે ચડ્યું

આરટીઆઇ કાર્યકર શકીલ શેખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રેલવે પ્રશાસને રેલવે પરિસરમાં કરોડો રૂપિયાના ખર્ચે સીસીટીવી કૅમેરા બેસાડ્યા બાદ પણ આરોપીઓને ઝડપવામાં અને ગુનાઓ ઉકેલવામાં પોલીસની કામગીરોનો દર ઘણો નીચો જોવા મળે છે. રેલવે પોલીસ વિભાગે મુસાફરોની સુરક્ષા માટે અનેક ચાંપતાં પગલાં ભરવાની જરૂર છે તેમ જ મૅન્યુઅલી ૨૪ કલાક સીસીટીવી કૅમેરા પર નજર રાખવા માટે એક ખાસ દળ ઊભું કરવું જરૂરી છે જેથી આરોપીને તરત ઝડપી શકાય. જોકે નજરની સામે બનેલા ચેઇન-સ્નૅચિંગના ગુનાઓમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ઘટાડો જોવા મળ્યો છે.

mumbai news mumbai mumbai crime news Crime News