મુંબઈ: બાંદરાના કલાનગર જંક્શન પર બે દિવસમાં ત્રણ અજગરને ઉગારાયા

03 February, 2020 07:46 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

મુંબઈ: બાંદરાના કલાનગર જંક્શન પર બે દિવસમાં ત્રણ અજગરને ઉગારાયા

અજગર

સાપ તથા અન્ય સરકતાં પ્રાણીઓ વિશે લોકજાગૃતિ માટે કાર્યરત ‘સર્પ’ સંસ્થાના કાર્યકરોએ વીક-એન્ડના ૪૮ કલાકમાં બાંદરા (પૂર્વ)ના કલાનગર ટી-જંક્શન પાસે આઠથી અગિયાર ફૂટ લાંબા ત્રણ અજગરો પકડીને જંગલ વિભાગના અધિકારીઓને સોંપ્યા હતા. એ અધિકારીઓ અજગરોના સ્વાસ્થ્યની ઉચિત તબીબી તપાસ કરીને પછી એમને જંગલમાં છોડી દેશે. અજગરો નવા ફ્લાયઓવર બ્રિજના બાંધકામ ક્ષેત્રની નજીકના ભાગમાં નીકળ્યા હતા.

સ્પ્રેડિંગ અવેરનેસ ઑફ રેપ્ટાઇલ્સ એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ(સર્પ) સંસ્થાના પ્રમુખ સંતોષ શિંદેએ જણાવ્યું હતું કે ‘શુક્રવારે રાતે અને શનિવારે રાતે ૧૧.૩૦ વાગ્યે બાંદરા (પૂર્વ)માં જંગી કદના સાપ હોવાનું જણાવતા ફોન આવ્યા ત્યારે અમારા રેસ્ક્યુઅર્સ અદિત ભાગવત અને શેલ્ડન ડી. ત્યાં પહોંચ્યા હતા. કલાનગર પાસે સાયન-બાંદરા લિન્ક રોડના ટી-જંક્શન પાસે પહોંચ્યા ત્યારે મહાનગરના વાહન-વ્યવહાર અને અન્ય પ્રવૃત્તિથી ધમધમતા વિસ્તારમાં જંગી કદના અજગર જોઈને આશ્ચર્ય થયું હતું. બન્ને રેસ્ક્યુઅર્સે બે દિવસમાં ત્રણ અજગરોને બચાવ્યા હતા. એમાં આઠ ફુટની આસપાસ લંબાઈના બે અને ૧૧.૪ ફૂટ લાંબો એક એમ ત્રણ અજગરોનો સમાવેશ છે.’

આ પણ વાંચો : જોગેશ્વરીથી બાંદરા, ઘાટકોપર અને કુર્લામાં: પાણીના ધાંધિયા હજી ચાલુ જ રહેવાના

રેસ્ક્યુઅર્સે જણાવ્યું હતું કે ‘છેલ્લા કેટલાક મહિનાથી સામાન્ય રીતે ધારાવી, સાયન અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાંથી રખડતા સાપ પકડવા માટે રેસ્ક્યુ કૉલ્સ આવે છે. હાલમાં ચાલતા ફ્લાયઓવર બ્રિજ તથા માળખાકીય સુવિધાઓની અન્ય યોજનાઓનાં બાંધકામને કારણે એ કૉલ્સ આવવાની શક્યતા જણાય છે. અજગરો સામાન્ય રીતે મહારાષ્ટ્ર નેચર પાર્કની આસપાસ એટલે કે ધારાવી, સાયન અને બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સમાં જોવા મળે છે. પરંતુ તાજેતરમાં માનવ વસાહતોમાં સાપ અને અન્ય સરકતાં પ્રાણીઓ માટે રેસ્ક્યુ કૉલ્સ વધ્યા છે. એ પ્રાણીઓના કુદરતી આવાસને નુકસાન થવાને કારણે આવું બનવાની શક્યતા છે. વિકાસકાર્યોના ભાગરૂપે માળખાકીય સુવિધાઓની યોજનાઓના વ્યાપક બાંધકામથી સંબંધિત ક્ષેત્રમાં પ્રાણીઓ, જીવજંતુઓ અને વનસ્પતિને નુકસાન થવાને કારણે એવું બનતું હશે.’

mumbai mumbai news ranjeet jadhav bandra