ઘરની બહાર દોડી ગયેલા લોહીલુહાણ પિતાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા

07 March, 2021 09:27 AM IST  |  Mumbai | Mid-day Correspondent

ઘરની બહાર દોડી ગયેલા લોહીલુહાણ પિતાને છરીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યા

હત્યા અને આત્મહત્યાના બનાવની તપાસ કરીને બહાર આવી રહેલા પોલીસ અધિકારીઓ.

મુલુંડમાં ૨૦ વર્ષના યુવાને પિતા અને દાદાની હત્યા કર્યા પછી પોતે રહેતો હતો એ અપાર્ટમેન્ટના છઠ્ઠા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ બનાવ વિશે એક પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે ‘આ યુવાન મેન્ટલી અનસ્ટેબલ હતો અને તેની દવા ચાલી રહી હતી. યુવાન વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં આવી રહી છે.’

પોલીસે જણાવ્યું હતું કે ‘મુલુંડ (વેસ્ટ)માં આવેલી વંસત ઑસ્કર સોસાયટીના બ્લિસ-સી નામના બિલ્ડિંગની ‘સી’ વિન્ગમાં છઠ્ઠા માળે રહેતા મંગલે પરિવારમાં ગઈ કાલે એક ચોંકાવનારી ઘટના બની હતી. ગઈ કાલે સવારે ૮.૪૫ વાગ્યા દરમિયાન ઘરમાં રહેતા શાર્દુલ મંગલેએ તેના પિતા મિલિંદ અને દાદા સુરેશની ચાકુ મારી હત્યા કરી હતી. ત્યાર બાદ ફ્લૅટમાંથી કૂદીને આત્મહત્યા કરી હતી.’

એક પોલીસ-અધિકારીએ આ બનાવ વિશે બધુમાં જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે શાર્દુલ તેના બેડરૂમમાં હતો ત્યારે ત્યાં આવીને તેના પિતા મિલિંદે તેને ભણવા માટે કહ્યું હતું. આ વાતથી રોષે ભરાયેલા શાર્દુલે તેમના પર છરી વડે હુમલો કર્યો હતો. મિલિંદનો અવાજ સાંભળીને શાર્દુલના દાદા અંદરની રૂમમાંથી બહાર આવ્યા હતા. એ જોઈને શાર્દુલે તેમના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. મિલિંદ મંગલે લોહીલુહાણ હાલતમાં ઘરની બહાર દોડી જતાં પાંચમા અને છઠ્ઠા માળની વચ્ચે શાર્દુલે તેમને પકડીને છરીના ઘા મારીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ શાર્દુલે ઘરમાં આવી બાલ્કનીમાંથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી.’

મિલિંદ મંગલેના એક પાડોશીએ કહ્યું હતું કે ‘સવારે હું સૂતો હતો ત્યારે મને મોટો અવાજ સંભળાતાં મેં દરવાજો ખોલ્યો હતો. જોકે સેફ્ટી ગ્રિલ બંધ હતી. ત્યારે મેં શાર્દુલને તેના પિતાની હત્યા કરતાં જોયો હતો. આ ઘટના દરમિયાન તેમના ઘરનો કૅરટેકર બાથરૂમમાં છુપાઈ રહ્યો હતો. મેં સોસાયટીમાં બધાને જાણ કરી હતી. અમે પહોંચ્યા ત્યારે શાર્દુલનો મૃતદેહ જમીન પર પડ્યો હતો. અમે મુંબઈ પોલીસના કન્ટ્રોલ-રૂમને જાણ કરી હતી અને ઍમ્બ્યુલન્સ મગાવી હતી.’

અમને સવારે ૯.૩૦ વાગ્યે જાણ કરવામાં આવી હતી એમ જણાવીને ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ પ્રશાંત કદમ (ઝોન સાત)એ કહ્યું હતું કે ‘અમારી ટીમ ઘટનાસ્થળે ગઈ હતી અને શાર્દુલ અને સુરેશને હૉસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘરના એક કૅરટેકર આનંદ કમ્બલેએ જણાવ્યું કે ઘટના સમયે તે બાથરૂમમાં ભરાઈ ગયો હતો. મિલિંદના આઠ વર્ષ પહેલાં છૂટાછેડા થઈ ગયા હતા. તેમની પત્ની અને પુત્રી ઘાટકોપરમાં રહેતાં હતાં. શાર્દુલે આ પગલું શા માટે ભર્યું એ જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. મુલુંડ પોલીસે શાર્દુલ સામે હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.’

mumbai mumbai news mulund suicide mumbai police Crime News mumbai crime news