મીરા રોડના સ્પામાં પોલીસનો છાપો, ૮ ગુજરાતી ગ્રાહકો અને થાઇલૅન્ડથી દેહવ્યાપાર માટે લવાયેલી ૧૩ મહિલાઓ ઝડપાયાં

05 April, 2026 08:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દરોડા દરમ્યાન ગુજરાતી મૅનેજર, ગુજરાતી માલિક તેમ જ આસપાસના વિસ્તારમાંથી આવેલા ગુજરાતી ગ્રાહકો સહિત કુલ ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી

મીરા રોડનો સ્પા અને પોલીસે દરોડો દરમ્યાન ધરપકડ કરેલા ગ્રાહકો.

મીરા રોડ-ઈસ્ટના બેવર્લી પાર્ક વિસ્તારમાં આવેલા એક સ્પામાં બપોરે મીરા રોડ પોલીસે દરોડો પાડીને દેહવ્યાપારનો પર્દાફાશ કર્યો હતો. આ દરોડા દરમ્યાન ગુજરાતી મૅનેજર, ગુજરાતી માલિક તેમ જ આસપાસના વિસ્તારમાંથી આવેલા ગુજરાતી ગ્રાહકો સહિત કુલ ૧૫ લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દેહવ્યાપાર માટે થાઇલૅન્ડથી લાવવામાં આવેલી ૧૩ યુવતીઓને સુધારગૃહમાં મોકલી દેવામાં આવી છે. લાંબા સમયથી સ્થાનિક લોકોએ સ્પાના નામે ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદ કરતાં ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (DCP) રાહુલ ચવાણે સ્પેશ્યલ ટીમ રચીને તપાસ હાથ ધરી હતી અને આખા રૅકેટનો પર્દાફાશ કર્યો હતો. બોરીવલીમાં રહેતી ગુજરાતી સ્પા-માલિક વિદેશી મહિલાઓને ભારત લાવીને ગેરકાયદે દેહવ્યાપાર માટે દબાણ કરતી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સમગ્ર રૅકેટના તાર આંતરરાષ્ટ્રીય સ્તર સુધી જોડાયેલા હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે.

mumbai news mumbai mira road Crime News mumbai crime news