23 March, 2025 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાંથી આગની ભયાવહ ખબર (MIDC Fire) સામે આવી છે. શિરાવણેમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ (MIDC)માં ભીષણ આગ ફાટી નીકળી છે. અત્યારે આ ઘટના સ્થળે ફાયરબ્રિગેડનો કાફલો દોડી આવ્યો છે. આગ બુઝાવવાની કામગીરી પણ મોટા પાયે ચાલી રહી છે. પર અહેવાલો અનુસાર છેલ્લા આઠ કલાકથી આ આગ ચાલુ છે. રાત્રે 11 વાગ્યાની આસપાસ લાગેલી આગને કાબૂમાં લેવા માટે 10થી વધુ ફાયર ટેન્ડર ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.
આગ લગવાનું કારણ હજી અકબંધ
આ વિષે વધુ માહિતી આપતા એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યારે આગ (MIDC Fire)ને કાબૂમાં લેવા માટે અગ્નિશામક ટીમ દ્વારા કામગીરી ચાલી રહી છે. ફાયર અધિકારી એસ. એલ. પાટિલે એએનઆઈને જણાવ્યું હતું કે આગને કાબૂમાં લેવા માટે ઘણી ટીમો પ્રયાસ કરી રહી છે. "બાર ફાયર એન્જિન ઘટના સ્થળ પર આવી પહોંચ્યા છે, અને શક્ય તેટલી વહેલી તકે આ આગને કાબૂમાં લેવા માટે દરેક પ્રયાસ થઈ રહ્યા છે. સદનસીબે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી"
આઠ કલાકથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ
ગઇકાલે શુક્રવારે મોડી રાત્રે 11 વાગ્યાની આસપાસથી જ આ આગ (MIDC Fire) લાગી હતી. જેના પગલે ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી હતી અને નિયંત્રણના પગલાં શરૂ કર્યા હતા. અહેવાલો જણાવે છે કે ફાયર બ્રિગેડના જવાનોએ સવારે 6.50 વાગ્યા સુધી તેમના પ્રયાસો ચાલુ જ રાખ્યા હતા.
તાજેતરમાં જ બનેલી આગની અન્ય ઘટનાઓ
આ સાથે જ અન્ય એક ઘટનાની વાત કરવામાં આવે તો ગુરુવારે સવારે પવઈ વિસ્તારમાં 23 માળની ઈમારતમાં આગ લાગી હતી, પરંતુ કોઈ જાનહાનિ થઈ ન હતી એમ એક અધિકારીએ જણાવ્યું હતું. આ ઘટનામાં સવારે 9.30 વાગ્યાની આસપાસ સાઈ સેફાયર બિલ્ડિંગમાં આગ લાગવાની માહિતી મળી હતી. મળતા અહેવાલો અનુસાર ઇલેક્ટ્રિક ડક્ટમાં આ આગ ફેલાઈ ગઈ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ઘણા ફ્લોર પર ગાઢ ધુમાડો (MIDC Fire) જોવા મળ્યો હતો. ફાયર બ્રિગેડના કર્મચારીઓએ 50થી વધુ રહેવાસીઓને સીડીમાંથી બહાર કાઢ્યા હતા, એમ તેમણે જણાવ્યું હતું. આગની જ્વાળાઓને દોઢ કલાકમાં કાબૂમાં લઈ લેવામાં આવી હતી અને આગનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, એમ અધિકારીએ ઉમેર્યું હતું.
એ જ પ્રમાણે મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક વેરહાઉસમાં પણ આગ (MIDC Fire) ફાટી નીકળી હતી. આ આગ બાદ મોટા પ્રમાણમાં ભંગાર સંગ્રહિત બે ગોડાઉન બળીને ખાખ થઈ ગયા હતા, એમ એક અધિકારીએ જણાવ્યું હતું. બુધવારે સાંજે બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, એમ તેમણે જણાવ્યું હતું. ભિવંડી નિઝામપુર મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએનએમસી) ના અધિકારીએ જણાવ્યું હતું કે ભિવંડી વિસ્તારમાં વડાવલી નાકા ખાતે આવેલા એક ગોડાઉનમાં બુધવારે સાંજે 7 વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી અને તે નજીકના વેરહાઉસમાં ફેલાઈ ગઈ હતી.