29 June, 2026 08:08 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બાંદરા રેક્લેમેશનમાં આવેલા ૮૪૫૦ ચોરસ મીટરના ફુટબૉલ ગ્રાઉન્ડને કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટરમાં ફેરવવા અંગેના વિરોધ વચ્ચે BMCએ જમીન-અનામતમાં વધુ એક ફેરફારને મંજૂરી આપી છે.
ગયા અઠવાડિયે સુધારણા સમિતિએ ઓશિવરાના અંધેરી-વેસ્ટમાં ૧૪૦૦ ચોરસ મીટરથી વધુ વિસ્તારને આવરી લેતા બાજુબાજુમાં આવેલા બે પ્લૉટ અનામતમાં ફેરફારને મંજૂરી આપીને ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે ઓપન કરવામાં આવ્યા હતા.
BMCનો રેકૉર્ડ દર્શાવે છે કે જાહેર સુવિધાઓ માટે અનામત રાખેલા ૧૧૪૦ ચોરસ મીટરના પ્લૉટને હાઉસિંગ માટે ફાળવવામાં આવ્યો છે, જ્યારે ૨૯૭ ચોરસ મીટરના મનોરંજન ગ્રાઉન્ડને પોસ્ટ-ઑફિસ રિઝર્વેશનમાં તબદીલ કરવામાં આવ્યો છે. આ માટેના બન્ને પ્રસ્તાવ મહારાષ્ટ્ર હાઉસિંગ ઍન્ડ એરિયા ડેવલપમેન્ટ ઑથોરિટી (MHADA) તરફથી મૂકવામાં આવ્યા હતા.
MHADAએ એના પ્રસ્તાવમાં દલીલ કરી હતી કે ઓશિવરાના રીડેવલપમેન્ટ લેઆઉટ મુજબ પહેલેથી જ રમતનું મેદાન મ્યુનિસિપલ સ્કૂલ સહિત આવશ્યક જાહેર સુવિધાઓ માટે છે એટલે તેમણે હાઉસિંગ પ્રોજેક્ટને સરળ બનાવવા માટે પ્લૉટના રિઝર્વેશનમાં ફેરફાર કરવાની માગણી કરી છે.
મુંબઈમાં પ્રતિ વ્યક્તિ માત્ર ૦.૮૭ ચોરસ મીટર ખુલ્લી જગ્યા
ડેલવપમેન્ટ પ્લાનના સ્ટાન્ડર્ડ મુજબ દરેક હાઉસિંગ પ્રોજેક્ટમાં ઓછામાં ઓછી પાંચ ટકા જમીન ખુલ્લી જગ્યાઓ અથવા જાહેર સુવિધાઓ માટે અનામત રાખવી આવશ્યક છે. જોકે BMCના રેકૉર્ડ મુજબ મુંબઈમાં પ્રતિ વ્યક્તિ માત્ર ૦.૮૭ ચોરસ મીટર ખુલ્લી જગ્યા છે જે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝશન (WHO) દ્વારા ભલામણ કરાયેલા ૯ ચોરસ મીટર પ્રતિ વ્યક્તિ કરતાં ઘણી ઓછી છે.