21 August, 2026 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિદેશી ટૂરિસ્ટ પાસેથી વધુ પૈસા પડાવવાનો પ્રયત્ન કરનારો કૅબ-ડ્રાઇવર.
વિદેશી ટૂરિસ્ટને જોઈને તેમની સાથે છેતરપિંડી કરીને વધુ ભાવે વસ્તુ વેચવાના અને વધુ ભાડું વસૂલ કરવાના બનતા કિસ્સામાં મુંબઈમાં હાલમાં જ બનેલી ઘટનાનો ઉમેરો થયો છે. એક વિદેશી ટૂરિસ્ટ પાસેથી કૅબ-ડ્રાઇવરે ફક્ત બે કિલોમીટરની રાઇડ માટે ૫૦૦ રૂપિયા માગ્યા હતા. જોકે ક્યાંનું કેટલું ભાડું થાય છે એ બરાબર જાણતા ટૂરિસ્ટે કૅબ-ડ્રાઇવરને બરાબરનો ઝાટક્યો હતો. આ આખી ઘટનાનો વિડિયો ટૂરિસ્ટે લીધો હતો જેમાં તે ડ્રાઇવરને પ્રેમથી ખિજાઈને ‘બેચ ખાઓગે તુમ દેશ કો’ એમ કહીને ટોણો મારે છે.
આ ઘટના એક મેક્સિકન ટૂરિસ્ટ સાથે બની હતી. તેણે ફક્ત બે કિલોમીટરની કૅબ-રાઇડ કરી હતી. એ દરમ્યાન તે વારંવાર ડ્રાઇવરને પૂછતો હતો કે આપણે કેટલા કિલોમીટર રાઇડ કરી છે? એના જવાબમાં ડ્રાઇવર ૨૦ કિલોમીટર થયા હોવાનું કહીને ૫૦૦ રૂપિયા ભાડું માગે છે. ડ્રાઇવરને ચકાસવા માટે ટૂરિસ્ટ પાંચસોને બદલે ૫૦૦૦ રૂપિયાની અમાઉન્ટ ટાઇપ કરીને ઑનલાઇન પેમેન્ટ કરવાની તૈયારી બતાવે છે અને ડ્રાઇવરને શું અમાઉન્ટ બરાબર છે કે નહીં એમ પૂછે છે. એના જવાબમાં ડ્રાઇવર અમાઉન્ટ બરાબર હોવાનું કહે છે. જોકે છેલ્લે ડ્રાઇવરને ચોંકાવતાં ટૂરિસ્ટ પહેલાં ઇંગ્લિશમાં અને પછી હિન્દીમાં પ્રેમથી કહે છે કે ‘યુ વુડ સેલ યૉર ઓન કન્ટ્રી. બેચ ખાઓગે તુમ દેશ કો.’
છેલ્લે જતાં-જતાં તે ડ્રાઇવરને ભવિષ્યમાં આવી હરકત ન કરવાની સલાહ આપે છે અને આમ કરવાથી તેના દેશની બદનામી થાય છે એમ કહી ફક્ત ૧૦૦ રૂપિયા પકડાવીને અતિથિ દેવો ભવ: બોલીને ચાલ્યો જાય છે.