ચારકોપથી ગુમ થઈ ગયેલી માનસિક રીતે અક્ષમ કચ્છી મહિલાને શોધવા માટે પરિવાર સાથે કચ્છી યુવાનોની રઝળપાટ

16 June, 2022 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુલુંડ, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી એમ અનેક જગ્યાએ તેમની શોધ ચલાવાઈ રહી છે

રંજન ભેદા

કાંદિવલીના ચારકોપ સેક્ટર-૧માં રહેતાં કચ્છી વીસા ઓસવાળ સમાજનાં ૪૩ વર્ષનાં માનસિક રીતે અક્ષમ રંજન ભેદા સોમવારે સવારે ૯.૩૦ વાગ્યે રોજની જેમ ઘરની નજીકના ગાર્ડનમાં ગયાં હતાં. જોકે ત્યાર બાદ તેઓ ઘરે પાછાં ફર્યાં નહોતાં. એથી તેમના પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. એટલી જાણ થઈ છે કે મંગળવારે મોડી રાતે તેઓ સેન્ટ્રલ રેલવેમાં સફર કરતાં દેખાયાં હતાં. એથી પરિવારની સાથે હવે કચ્છી વીસા ઓસવાળ સમાજના યુવાનોની ટીમ તેમને શોધવા આકાશ-પાતાળ એક કરી રહી છે. મુલુંડ, થાણે, કલ્યાણ, ડોમ્બિવલી એમ અનેક જગ્યાએ તેમની શોધ ચલાવાઈ રહી છે. પોલીસમાં પણ ફરિયાદ કરાઈ છે અને રેલવે પોલીસને જાણ કરીને તેમની મદદ પણ લેવામાં આવી રહી છે.

રંજન ભેદા વિશે માહિતી આપતાં તેમનાં ભાભી નીતા સત્રાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રંજન માનસિક રીતે અક્ષમ છે. તે મમ્મી અને ભાઈ-ભાભી સાથે ચારકોપમાં રહે છે. વળી તે જે બોલે એ ઘરના લોકો જ સમજી શકે એમ છે. તે રોજની જેમ સોમવારે સવારે નજીકના ગાર્ડનમાં રાઉન્ડ મારવા નીકળી ગઈ હતી. એથી ઘરના બધાને એમ કે રોજની જેમ આવી પણ જશે. એ વખતે તેણે યલો કલરનું ટી-શર્ટ અને બ્લૅક ટ્રૅક પૅન્ટ પહેર્યાં હતાં. જોકે તે પાછી ન ફરતાં ચિંતા થઈ હતી અને ગાર્ડનમાં અને આજુબાજુ તેને શોધવાનું અમે શરૂ કર્યું હતું. જોકે તે મળી આવી નહોતી. સાંજે પોલીસમાં ગયા તો કહે કે ૨૪ કલાક રાહ જુઓ, ત્યાર પછી પણ ન આવે તો મિસિંગની ફરિયાદ લઈશું. તેની શોધ ચાલુ જ હતી, પણ તે મળી ન આવતાં આખરે બુધવારે સવારે ચારકોપ પોલીસમાં તેની મિસિંગની ફરિયાદ કરી છે.’

રંજન ભેદા વિશે વધુ માહિતી આપતાં નીતા સત્રાએ કહ્યું હતું કે ‘આ દરમ્યાન અમે તેનો ફોટો અમારા ફોન-નંબર સાથે વૉટસઍપ મેસેજ મૂકીને અમારા કચ્છી વીસા ઓસવાળના ગ્રુપ પર પણ મૂકી દીધો હતો જેથી કોઈને પણ તે મળી આવે કે તેના વિશે માહિતી મળે તો અમને જાણ કરે. મંગળવારે મોડી રાતે એક કચ્છી ભાઈનો ફોન આવ્યો કે તેણે રંજનને સેન્ટ્રલ રેલવેની ટ્રેનમાં સફર કરતી જોઈ હતી. જોકે તેણે એ મેસેજ ટ્રેનમાંથી વિક્રોલી ઊતર્યા પછી જોયો હતો અને અમને ફોન કર્યો હતો. એથી અમે વિક્રોલી અને એની આગળનાં સ્ટેશનો પર તેની તપાસ શરૂ કરી હતી. કચ્છી વીસા ઓસવાળના યુથ વિંગના અનેક યુવાનો રંજનને શોધવામાં લાગી ગયા છે. તેઓ બધા બુધવાર સવારથી મુલુંડ, થાણે અને ડોમ્બિવલીમાં તેને શોધી રહ્યા છે. એવું જાણવા મળ્યું કે તે પરેલથી કલ્યાણની ટ્રેનમાં ચડી હતી અને એ પણ લગેજના ડબામાં. કોઈએ વળી એમ કહ્યું કે ટ્રેનમાં તે કોઈની પાસે પૈસા માગી રહી હતી. શક્ય છે કે બે દિવસથી કંઈ ખાધું-પીધું ન હોય અને તેને ભૂખ લાગી હોય તો તેણે પૈસા માગ્યા પણ હોય. જોકે તેને કોઈએ પૈસા આપ્યા કે નહીં એ નથી ખબર પડી. આ ઉપરાંત સાયન રેલવે સ્ટેશનના એક કૉન્સ્ટેબલે એમ કહ્યું કે મંગળવારે રાતે ત્રણ વાગ્યે તે મહિલાને પ્લૅટફૉર્મ પર જોઈ હતી. જોકે સીસીટીવી કૅમેરાનાં ફુટેજમાં તે દેખાતી નથી. આમ તો તે ટ્રેનમાં એકલી કોઈ દિવસ પ્રવાસ કરતી નહોતી તો કઈ રીતે સેન્ટ્રલ રેલવે સુધી પહોંચી ગઈ એ પણ ખબર પડતી નથી. હાલ તો પરિવાર અને કચ્છી વીસા સમાજ તેને શોધવા સતત પ્રયાસ કરી રહ્યો છે.’

ક્યાં સંપર્ક કરશો?
જો રંજન ભેદા વિશે કોઈને પણ જાણ થાય તો ૯૩૨૪૩ ૮૭૪૮૨, ૯૮૨૦૪ ૯૬૨૫૪, ૯૮૨૦૯ ૪૭૩૦૩ અથવા ૯૮૬૭૯ ૮૦૫૫૫ નંબર પર સંપર્ક કરવા વિનંતી.    

mumbai mumbai news kandivli