16 April, 2025 11:02 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મેહુલ ચોકસી, બાર્બરા જબારિકા
પંજાબ નૅશનલ બૅન્ક સાથે ૧૩,૫૦૦ કરોડ રૂપિયાનો ફ્રૉડ કરનાર હીરાના વેપારી મેહુલ ચોકસીની ગયા શનિવારે બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી છે. તે બીમારીના બહાને સ્વિટ્ઝરલૅન્ડ નાસી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તેની ધરપકડ થઈ હતી. જોકે મેહુલ ચોકસીની ધરપકડ સાથે હંગેરીની બાર્બરા જબારિકાનું નામ આવી રહ્યું છે અને તેનું આ ભાગેડુ સાથે શું કનેક્શન છે એ વિશે ચર્ચા થઈ રહી છે. આ એ મહિલા છે જેના પર મેહુલ ચોકસીએ હની-ટ્રૅપ અને અપહરણના ષડ્યંત્રના આરોપ લગાવ્યા છે.
કોણ છે બાર્બરા જબરિકા?
બાર્બરા જબારિકા હંગેરીની વતની છે અને તેની લિન્ક્ડઇન પ્રોફાઇલ મુજબ તે બલ્ગેરિયાની પ્રૉપર્ટી ઇન્વેસ્ટમેન્ટ એજન્ટ છે. તેણે પોતાને અનુભવી સેલ્સ નિગોશિએટર બતાવી છે અને તેને ડાયરેક્ટ સેલ્સ અને રિયલ એસ્ટેટ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાનો ૧૦ વર્ષનો અનુભવ છે.
કહાની શરૂ થઈ ૨૦૧૮માં
૨૦૧૮માં મેહુલ ચોકસી ભારતમાંથી નાસી છૂટ્યો હતો. ત્યાર બાદ તે ઍન્ટિગા અને બારબુડામાં જોવા મળ્યો હતો. તેણે ઇન્વેસ્ટમેન્ટ દ્વારા આ દેશની નાગરિકતા લીધી હતી. થોડાં વર્ષો સુધી તે ભારતની સરકારી એજન્સીઓના રડાર પરથી ગાયબ હતો. જોકે ૨૦૨૧માં તે ડોમિનિકામાં જોવા મળ્યો હતો અને તેને ગેરકાયદે પ્રવેશ બદલ પકડવામાં આવ્યો હતો. એ સમયે પહેલી વાર બાર્બરા જબારિકાનું નામ બહાર આવ્યું હતું.
શું લગાવ્યો આરોપ?
મેહુલ ચોકસીએ આરોપ લગાવ્યો હતો કે બાર્બરાએ મારું બળજબરીથી અપહરણ કર્યું હતું અને મને હેરાન-પરેશાન કરવામાં આવ્યો હતો અને એક બોટમાં બેસાડીને મને ઍન્ટિગાથી ડોમિનિકા લઈ જવાયો હતો. આ અપહરણના ષડ્યંત્રમાં બાર્બરા સામેલ હતી એવો આરોપ છે. મેહુલ ચોકસીની પત્ની પ્રીતિ ચોકસીએ આ મુદ્દે જણાવ્યું હતું કે ૨૦૨૦માં હંગેરીની બાર્બરાને તેઓ પહેલી વાર મળ્યાં હતાં. પ્રીતિ ચોકસીના દાવા મુજબ બાર્બરાએ ખોટી રીતે તેની સાથે દોસ્તી કરી હતી અને અપહરણ કરતાં પહેલાં તેને જમવા બોલાવ્યો હતો. ત્યાં મેહુલ પર હુમલો કરવામાં આવ્યો હતો.
શું કહ્યું બાર્બરા જબારિકાએ?
પ્રીતિ ચોકસીએ લગાવેલા આરોપોને બાર્બરા જબરિકાએ ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે ‘મારી પાસે પોતાનો બિઝનેસ છે. મને ચોકસીનાં નાણાં કે બીજી કોઈ ચીજની જરૂર નથી. મેહુલ ચોકસીએ મારી સાથે દોસ્તી કરવા માટે પોતાની ઓળખ છુપાવી હતી અને પોતાનું નામ રાજ હોવાનું જણાવ્યું હતું. તેણે જ મારો સંપર્ક કર્યો હતો અને મારો નંબર માગીને મારી સાથે દોસ્તી કરી હતી.’
પ્રીતિ ચોકસીએ એવો નિર્દેશ કર્યો હતો કે બાર્બરા મેહુલ ચોકસીને ઍન્ટિગામાંથી બહાર કાઢવા માટે ભારતીય આૅપરેશનનો ભાગ હોઈ શકે છે.