16 July, 2026 07:13 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કારને આગ લાગી હતી તે.
કોસ્ટલ રોડની ટનલમાંથી પસાર થતી કાર ભડકે બળી, ઊભા થયા સલામતીને લગતા સળગતા સવાલો: આવી કટોકટીભરી પરિસ્થિતિમાં લોકોએ બચવા માટે શું કરવું એની કોઈ જ જાણકારી નહીં : સાઇનેજ અને વ્યવસ્થાના અભાવને કારણે પૅનિક ફેલાયું : લોકો ગાડીઓ મૂકીને જીવ બચાવવા ટનલમાંથી બહાર દોડ્યા
કોસ્ટલ રોડ પરની નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયા પાસેથી વરલી જતી ટનલમાં ગઈ કાલે બપોરે ૧૨.૨૫ વાગ્યે દોડી રહેલી એક કારમાં આગ ફાટી નીકળી હતી. તરત જ કારનો ડ્રાઇવર અને એના પ્રવાસીઓ બહાર નીકળી ગયા હતા અને કારથી દૂર જઈને ઊભા રહી ગયા હતા. કેટલીક જ ક્ષણોમાં આખી કાર ભડ-ભડ સળગી ઊઠી હતી. એને કારણે ધુમાડો પણ ફેલાયો હતો. એથી અન્ય મોટરિસ્ટોને આગળ દેખાઈ ન રહ્યું હોવાથી તેમણે ઊભા રહી જવું પડ્યું હતું. એકની પાછળ એક અનેક કાર આ અકસ્માતને કારણે ટ્રાફિક જૅમ જેવી પરિસ્થિતિમાં સપડાઈ ગઈ હતી. જોકે એ પછી જે થયું એ ચોંકાવનારું હતું. મોટરિસ્ટો આગળ કાર ભડકે બળતી જોઈને ડરી ગયા હતા. અનેક મોટરિસ્ટોએ પોતાની કારને ત્યાં જ લૉક કરીને જીવ બચાવવા પાછળની તરફ જ્યાંથી તેમણે એન્ટ્રી લીધી હતી એ તરફ પગપાળા જ દોડવાનું ચાલુ કરી દીધું હતું. આગળની સંખ્યાબંધ કાર રોકાઈ જતાં પાછળની કારના ડ્રાઇવરોએ પણ તેમની કાર થોભાવી દેવી પડી હતી.
આશરે દોઢ કલાક ચાલેલી બચાવ-કામગીરી બાદ આગ ઓલવીને બધી કારને ટનલમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવી હતી.
આગે આગ લગી હૈ
જે લોકોએ હજી કાર રોકી જ હતી અને આગળથી લોકો કેમ પગપાળા દોડીને પાછા આવી રહ્યા છે એમ તે લોકોને પૂછતા હતા કે શું થયું તો એ લોકો માત્ર એટલું જ કહી રહ્યા હતા કે આગે આગ લગી હૈ. બધા જ મોટરિસ્ટોએ કંઈ આગ લાગેલી જોઈ નહોતી. એને કારણે પૅનિક ફેલાઈ ગયું હતું. વળી ત્યાં ૩ લેનમાં એકની પાછળ એક કાર સતત આવતી જ હોય છે. એથી એકાદ લેન પણ ખાલી ન જ હોવાથી કાર સાથે રિટર્ન થવાનો તો સવાલ જ નહોતો. જે લોકો હજી આવી રહ્યા હતા તેઓ આગળ કાર ઊભેલી જોઈને હૉર્ન વગાડ્યે જતા હતા. જેઓ પોતાની કાર છોડીને આવ્યા હતા તેઓ વહેલી તકે ત્યાંથી બહાર નીકળી જવા માગતા હતા, ભલે પછી કારનું જે થવું હોય એ થાય. આમ ટોટલ અફરાતફરી મચી ગઈ હતી.
સિવિક સેન્સનાં ચીંથરાં ઊડી ગયાં
ગઈ કાલે કોસ્ટલ રોડની ટનલમાં થયેલી ઘટના બાદ ચીફ ફાયર-ઑફિસર રવીન્દ્ર અંબુલગેકરે કહ્યું હતું કે ‘લોકોએ સૌથી મોટી ભૂલ એ કરી કે કારમાં આગ લાગ્યા બાદ તેમનાં વ્હીકલ ટનલમાં ત્યાં જ મૂકીને નાસી ગયા હતા. એને કારણે ટ્રાફિક જૅમ થયો હતો. ડ્રાઇવર જ ગાડીમાં નહોતા એટલે તેમની કાર ત્યાંથી મૂવ કરી શકાય એમ નહોતું. તેમની આ કૉમનસેન્સની અને સિવિક સેન્સની ખામીને કારણે સ્પૉટ પર પહોંચવામાં મોડું થયું હતું.’
કારમાં લાગેલી આગને કારણે ટનલના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી : BMC
કોસ્ટલ રોડ ટનલમાં કારને લાગેલી આગ ૨૦ જ મિનિટમાં ઓલવી નાખવામાં આવી હતી એમ જણાવતાં બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને કહ્યું હતું કે ‘સ્ટ્રક્ચર્સ ડિઝૅસ્ટર્સ મૅનેજમેન્ટ સિસ્ટમે બહુ સારી રીતે કામ કર્યું હતું અને સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર બરોબર ફૉલો કરવામાં આવી હતી. આ ઘટનામાં ટનલના સ્ટ્રક્ચરને કોઈ નુકસાન થયું નથી. ટનલનો રોડ અને અંદરનું બાંધકામ ઇન્ટેક્ટ છે.’
સળગી ઊઠેલી કાર EV નહોતી એટલે ફાયર-બ્રિગેડની ચિંતા ટળી
સળગી ઊઠેલી કારને ઓલવવા નરીમાન પૉઇન્ટ ફાયર-સ્ટેશનથી ફાયર-એન્જિન મોકલવામાં આવ્યાં હતાં. એના ફાયર-ઑફિસર નરેન્દ્ર બચ્છાવ પહેલા ઑફિસર હતા જે ત્યાં પહોંચ્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘સળગી ઊઠેલી કાર ઇલેક્ટ્રિક વેહિકલ (EV) નહોતી એટલે અમને થોડી રાહત થઈ હતી. અમારે એક જ મોરચે લડવાનું હતું. અમારે EVની બૅટરી ગરમીથી ફાટશે એવો ડર રાખવાની જરૂર નહોતી. અમે ગણતરીની ૨૦ મિનિટમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે કાર બળીને ખાખ થઈ ગઈ હતી.’
અમને બાજુની લેનમાંથી પસાર થઈ રહેલા કારવાળાએ અલર્ટ કર્યા : સળગેલી કારમાં બેઠેલા સુધીર નાયર
કોસ્ટલ રોડની ટનલમાં જેની કાર સળગી હતી તે સુધીર નાયરે કહ્યું હતું કે ‘અમારી બાજુની લેનમાંથી પસાર થઈ રહેલા કારવાળાએ અમારું ધ્યાન દોર્યું અને અમને કહ્યું કે અમારી કારમાંથી પાછળની બાજુએથી ધુમાડો નીકળી રહ્યો છે. એથી અમારા ડ્રાઇવરે તરત જ કાર સાઇડ પર લઈને રોકી દીધી હતી અને અમે બધા જ કારમાંથી ઊતરી ગયા હતા. સદ્નસીબે અમે બધા જ બચી ગયા હતા.’
રેસ્ક્યુ ટીમે ટનલમાં એન્ટ્રી લેવી એ જ એક મોટી ચૅલેન્જ હતી
નરીમાન પૉઇન્ટ ફાયર-સ્ટેશનના ફાયર-ઑફિસર નરેન્દ્ર બચ્છાવે કહ્યું હતું કે ‘સૌથી મોટી ચૅલેન્જ ટનલમાં એન્ટ્રી લેવાની હતી. ટનલમાં સખત ધુમાડો ફેલાયેલો હતો. આગળ કશું જ દેખાઈ નહોતું રહ્યું એટલે ફાયર-એન્જિન આગળ સ્પૉટ સુધી જઈ શકે એમ નહોતું. ત્યાર બાદ અમારા જવાનો હાથમાં બૅટરી લઈને ફાયર-એન્જિનમાંથી નીચે ઊતરી ગયા અને ફાયર-એન્જિનની આગળ રસ્તો બતાવતાં-બતાવતાં અમને સળગતી કાર સુધી દોરી ગયા.’
કારમાં આગ લાગી ત્યારે રૂપમ શોરૂમના ઓનર વીરેન શાહ ટનલમાં જ હતા
ટનલની અંદર કેટલાક દરવાજા છે જે જોઈ શકાય છે, પણ એ ક્યાં ખૂલે છે એ જ ખબર નથી
કોસ્ટલ રોડની ટનલમાં કારને આગ લાગવાની ઘટના બની એ વખતે મુંબઈના ક્રૉફર્ડ માર્કેટ પાસે આવેલા જાણીતા રૂપમ શોરૂમના માલિક અને ફેડરેશન ઑફ રીટેલ ટ્રેડર્સ વેલ્ફેર અસોસિએશનના પ્રેસિડન્ટ વીરેન શાહ પણ તેમની કારમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. તેમણે આ ઘટનાની માહિતી આપી હતી અને ત્યાર બાદ પબ્લિક સેફ્ટીને લઈને કેટલાક સવાલ પણ ઊભા કર્યા હતા જે ખરેખર અટેન્શન માગે એવા હતા.
વીરેન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું મારી કારમાં ડ્રાઇવર સાથે નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ, વરલીથી કોસ્ટલ રોડની ટનલમાંથી રૂપમ તરફ જઈ રહ્યો હતો. એ વખતે ટનલ પૂરી થવાને અંદાજે ૫૦૦ મીટરની દૂરી હશે ત્યારે મારી આગળ આઠ-દસ કાર હશે એ બધી ઊભી રહી ગઈ હતી. લોકો તેમની કાર ત્યાં ને ત્યાં છોડીને અમારા તરફ પગપાળા દોડીને આવી રહ્યા હતા. મેં પૂછ્યું તો કહે કે આગે આગ લગી હૈ. પછી મેં પણ નોટિસ કર્યું કે આગળ કોઈ કારમાં આગ લાગી હતી અને એની જ્વાળા અમારા તરફ ફેંકાઈ રહી હતી. મારી સાથે મારો ડ્રાઇવર હતો. તેણે કહ્યું કે હું કાર સાથે રહું છું, તમે નીકળી જાઓ. એટલે મેં પણ પાછળની તરફ દોડવા માંડ્યું હતું. અંદાજે એક કિલોમીટર પાછળની તરફ દોડવું પડ્યું હતું.’ ટનલની અંદર કોઈ ફાયર-સિસ્ટમ નથી? એવો સવાલ તેમને કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે ‘ટનલની અંદર કેટલાક દરવાજા છે જે જોઈ શકાય છે; પણ એ ક્યાં ખૂલે છે, ફાયર-સેફ્ટી માટેના છે કે બીજા કોઈ એવી કોઈ જ સૂચના કે માહિતી એના પર લખેલી નથી.’
વીરેન શાહે ત્યાર બાદ રાજ્ય સરકારને કેટલાક સવાલ કર્યા છે. શું મોટરિસ્ટોને જાણ કરવામાં આવી હતી કે સૌથી નજીકની એક્ઝિટ તેમના માટે કઈ રહેશે? એ એક્ઝિટ લોકોને તરત જ ઓળખી શકાય એવો હતો? એના પર એ વિશેની સૂચના કે સાઇન-બોર્ડ દર્શાવવામાં આવ્યાં હતાં? આવી પરિસ્થિતિમાં ધુમાડાથી અને સફોકેશનથી બચવા શું કરવું જોઈએ? લોકોએ આવી કટોકટીમાંથી સેફલી બહાર આવવા શું કરવું જોઈએ?
રાજ્ય સરકારે ટનલમાંની સેફ્ટી વધારવા પગલાં લેવાની જરૂર છે એમ જણાવીને વીરેન શાહે કહ્યું હતું કે ‘ચોક્કસ માહિતી આપતાં વધારે સાઇન-બોર્ડ લગાવવાં જોઈએ. ક્યાંથી સરળતાથી બહાર નીકળી શકાશે એના સ્પષ્ટ દિશા-નિર્દેશ હોવા જોઈએ. લોકોમાં જાગૃતિ ફેલાવવા ઉપરાંત આ પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવું એનું અવેરનેસ કૅમ્પેન પણ ચલાવવું જોઈએ.’
ટનલમાં આગ ઓલવવા સ્પ્રિન્કલર્સ કેમ નથી
BMCએ જ્યારે આ ટનલ બનાવી ત્યારે એમાંથી ધુમાડો બહાર નીકળી જાય એ માટે એવી વેન્ટિલેશન સિસ્ટમ બેસાડી છે જેને લીધે પાણી છાંટે એવાં સ્પ્રિન્કલર્સની જરૂર નથી. આ ટનલની ઉપર ૭૦ ફુટ ઊંચો કઠણ પથ્થર છે એટલે એમાં શાફ્ટ નાખી શકાય એમ નથી. તેથી સ્કૉટલૅન્ડના કન્સલ્ટન્ટે સૂચવ્યા મુજબ એમાં સકાર્ડો વેન્ટિલેશનની ગોઠવણ કરવામાં આવી છે. એમાં લાંબી ટનલમાં એક નોઝલ અને ફૅન ચેમ્બર દ્વારા વેન્ટિલેશન સિસ્ટમ ઊભી કરવામાં આવે છે.