ન્યુઝ શોર્ટમાં: મસાજ-પાર્લરનો સ્ટાફ હાઈ રિસ્ક કૅટેગરીમાં

12 December, 2025 11:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બાબતે એક HIV ઍક્ટિવિસ્ટે કહ્યું હતું કે આ જે ટેસ્ટ કરીને ચકાસણી કરવામાં આવી એવી ટેસ્ટ મોટા પ્રમાણમાં થવી જોઈએ.

પ્રતીકાત્મક તસવીર

છેલ્લા એક વર્ષમાં મુંબઈ ડિસ્ટ્રિક્ટ એઇડ્સ કન્ટ્રોલ સોસાયટીએ ૫૩ સ્પા અને મસાજ-સેન્ટરની મુલાકાત લઈને ચકાસણી કરતાં એના ૩૩૦ કર્મચારીઓ હાઈ રિસ્ક કૅટેગરીમાં હોવાનું જણાઈ આવ્યું હતું. તેમની હ્યુમન ઇમ્યુનોડેફિશ્યન્સી વાઇરસ (HIV) અને સિફિલિસ (ગુપ્ત રોગ)ની ટેસ્ટ કરવામાં આવી હતી. એમાંના એકને HIV હોવાનું કન્ફર્મ થયું હતું એટલે તેણે હવે આજીવન એની સારવાર લેવી પડશે. સિફિલિસનો એક પણ દરદી મળ્યો નહોતો, પણ એ કર્મચારીઓ હાઈ રિસ્ક કૅટેગરીમાં હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે એક HIV ઍક્ટિવિસ્ટે કહ્યું હતું કે આ જે ટેસ્ટ કરીને ચકાસણી કરવામાં આવી એવી ટેસ્ટ મોટા પ્રમાણમાં થવી જોઈએ.

બાઇક-ટૅક્સી માટે માત્ર ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલરને મંજૂરી આપવા સામે અસોસિએશનનો વિરોધ

બાઇક ટૅક્સી અસોસિએશન (BTA)એ મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં પાસ કરેલા ગવર્નમેન્ટ રેઝોલ્યુશન (GR) સામે વિરોધ જાહેર કર્યો હતો. આ નવા GR દ્વારા રાજ્યમાં ફક્ત ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સને બાઇક-ટૅક્સી તરીકે સર્વિસ આપવાની મંજૂરી અપાઈ છે. BTAના પ્રતિનિધિઓએ એવું કહ્યું હતું કે ‘આવો GR અચાનક જાહેર કરી દેવાને કારણે ઘણા લોકો માટે કટોકટીની સ્થિતિ સર્જાઈ છે. કેટલાય રાઇડર્સની ઇન્કમને ફટકો પડ્યો છે તો સામે મુસાફરોએ હાલાકી ભોગવવી પડી રહી છે. બાઇક-ટૅક્સી સર્વિસને સંપૂર્ણ રીતે ઇલેક્ટ્રિક વાહનમાં ટ્રાન્ઝિશન થવા માટે કમસે કમ એક વર્ષનો સમય આપવો જોઈએ એવી અમારી માગણી છે.’

સુરતમાં મંડપના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ૩ કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા

સુરતના કતાર ગામના ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં અશ્વિની કુમાર રોડ પર આવેલા સ્મશાનગૃહની સામે પતરાના શેડમાં ચાલી રહેલા મંડપના ગોડાઉનમાં ગઈ કાલે ભીષણ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે છેક ૩ કિલોમીટર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ગોડાઉનમાં કાપડ, ગાદલાં અને અન્ય જ્વલનશીલ સામાનને કારણે આગ પળવારમાં વિકરાળ બની ગઈ હતી. શેડમાં ગેરકાયદે ગોડાઉન ભરવામાં આવ્યું હતું અને એમાં મોટી સંખ્યામાં ગૅસનાં સિલિન્ડર હોવાથી ભડાકા થયા હતા. ફાયર-બ્રિગેડની ૧૭ ગાડીઓએ બે કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.

કાનપુરમાં મુખ્ય પ્રધાનની સમૂહવિવાહ સ્કીમમાં ૬૩૫ યુગલોએ સાથે લીધા સાત ફેરા

કાનપુરના ચંદ્રશેખર આઝાદ કૃષિ અને પ્રાદ્યોગિકી વિશ્વવિદ્યાલયના મેદાનમાં ગુરુવારે લગ્નની સામૂહિક શરણાઈઓ ગુંજી ઊઠી હતી. અહીં ચોતરફ જ્યાં જુઓ ત્યાં દુલ્હાઓ અને દુલ્હનો જ નજરે પડતાં હતાં. મુખ્ય પ્રધાન સામૂહિક વિવાહ યોજના અંતર્ગત યોજાયેલા આ સમારંભમાં કુલ ૬૩૫ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. આવાં સામૂહિક આયોજનોમાં નકલી દુલ્હા-દુલ્હનો અને ગોટાળાઓ ન થાય એ માટે સરકારે બાયોમેટ્રિક ફેસ રેકગ્નિશન સિસ્ટમથી યુગલોને વેરિફાય કર્યાં હતાં. 

mumbai news mumbai hiv healthy living aids