22 September, 2023 12:35 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-ઈસ્ટના ગોલ્ડન નેસ્ટ વિસ્તારમાં આવેલી પોલીસચોકીની પાછળ આવેલી આઝાદનગરની નવાઝ નૂરી મસ્જિદમાં વજુ (નમાજ કરતાં પહેલાં હાથ-પગ ધોવાની ક્રિયા) કરવા લગાડાયેલા પિત્તળના ૨૧ નળની રવિવારે ચોરી થઈ હતી. આ ચોરીને નવઘર પોલીસે ગંભીરતાથી લીધી હતી અને આખરે સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસીને બુધવારે ચોરી કરનાર યુવાનને ઝડપી લીધો હતો.
ભાઈંદરમાં ફાટક રોડ પર સહેજ આગળ ગોલ્ડન નેસ્ટ સર્કલ પાસે આઝાદનગરમાં નવાઝ નૂરી મસ્જિદ આવેલી છે. રવિવારે એમાં વજુ કરવા પિત્તળના ૨૧ નળ લગાડ્યા હતા એ કોઈ ચોરી ગયું હતું. એથી ૬૨ વર્ષના મોહમ્મદ ફારુખ જલીલ અહમદ રઈને આ બાબતે નવઘર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં નવઘર પોલીસે ચોરીનો ગુનો નોંધીને ચોરને પકડી લેવા તપાસનાં ચક્રો ગતિમાન કર્યાં હતાં. મસ્જિદ અને એની આજુબાજુના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસતાં એમાં ચોર દેખાઈ આવ્યો હતો. એથી ચોરને ઝડપી લેવા બીજાં ફુટેજ ચેક કરીને તેને ઓળખી કઢાયો હતો અને ત્યાર બાદ ખબરી નેટવર્કમાં તેની માહિતી સર્ક્યુલેટ કરીને આખરે ૨૫ વર્ષના દીપેશ સુરેશ પરમારને બુધવારે ઉત્તન જતા રસ્તામાં આવતા રાઈ ગામેથી ઝડપી લેવાયો હતો.