સૂનતા ક્યૂં નહીં હૈ? કાટ કે ફેંક દૂંગા તો કિસી કો પતા ભી નહીં ચલેગા

18 March, 2023 09:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આવું કહીને લોઅર પરેલ રેલવે સ્ટેશન પર પબ્લિકની વચ્ચે ગઠિયાએ યુવક પાસેથી દાગીના અને કૅશ મળીને કરી સાડાત્રણ લાખની લૂંટ

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : નરીમાન પૉઇન્ટની એક કંપનીમાં  સિનિયર અકાઉન્ટન્ટની પોસ્ટ પર કાર્યરત યુવક ઑફિસથી ઘરે જઈ રહ્યો હતો ત્યારે લોઅર પરેલ રેલવે સ્ટેશન પર એક ગઠિયાએ હજારો માણસો વચ્ચે તે યુવકને ધમકાવી સાઇડમાં લઈ જઈને તેની પાસેથી સાડાત્રણ લાખ રૂપિયાની માલમતા લૂંટી લીધી હતી. આ ઘટનાની ફરિયાદ મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આપી છે. ગુપ્ત સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આરોપીને મલાડ પોલીસ સ્ટેશને પકડી પાડ્યો છે.

લોઅર પરેલ-વેસ્ટમાં સેનાપતિ બાપટ માર્ગની એક સોસાયટીમાં રહેતા અને નરીમાન પૉઇન્ટની ભિલોશા ઇન્ડસ્ટ્રીઝમાં સિનિયર અકાઉન્ટન્ટ તરીકે કામ કરતા પ્રદીપ અગ્રવાલે કરેલી ફરિયાદ અનુસાર બુધવારે રોજિંદા ક્રમની જેમ તે ઑફિસથી ઘરે પાછા ફરતી વખતે ચર્ચગેટ સ્ટેશન પર આવી બોરીવલી સ્લો લોકલ પકડીને મુસાફરી રહ્યો હતો. લોઅર પરેલ સ્ટેશન પર ઊતરી પ્રભાદેવી સ્ટેશનની દિશામાં ચાલતા જતી વખતે એક યુવક તેની બાજુમાં આવ્યો હતો. તેણે પહેલાં કહ્યું કે પેહચાના ક્યા? એટલે પ્રદીપે કોઈ જવાબ આપ્યો નહોતો. ત્યાર બાદ યુવક તેની પાછળ-પાછળ આવ્યો હતો અને ધક્કો મારી કહ્યું કે સુનતા ક્યૂં નહીં હૈ? પછી સાઇડમાં લીધા પછી કાટ કે ફેંક દૂંગા તો કિસી કો પતા ભી નહીં ચલેગા એમ કહીને પ્રદીપે પહેરેલા દાગીના અને ખિસ્સામાં પડેલા આશરે સાડાઆઠ હજાર રૂપિયા એમ કુલ સાડાત્રણ લાખ રૂપિયાની માલમતાની લૂંટીને તે યુવક નાસી ગયો હતો. આ ઘટનાની ફરિયાદ મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી હતી. દરમિયાન આરોપીની સિટી પોલીસ મલાડ પોલીસ સ્ટેશને ધરપકડ કરી છે. આરોપીનું નામ મુનાવર શેખ છે. તેની સામે બીજા પોલીસ સ્ટેશનોમાં પણ કેટલાક ગુનાઓ નોંધાયા હોવાની માહિતી પોલીસ અધિકારીએ આપી હતી.

મુંબઈ સેન્ટ્રલ રેલવે પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર કેદાર પવારે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીએ ફરિયાદીને ધમકાવીને રેલવે સ્ટેશન પર તેને લૂંટી લીધો હતો. આની ફરિયાદ નોંધીને અમે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ શરૂ કરી હતી. આરોપીની સિટી પોલીસે ધરપકડ કરી છે. આવતા દિવસોમાં આરોપીનો તાબો અમે લઈશું અને તેની પાસેથી રિકવરી કરીશું.

mumbai mumbai news lower parel