27 December, 2024 03:44 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
પુણેના રાજગુરુનગરની શૉકિંગ ઘટનામાં પોલીસે ૫૪ વર્ષના અજય દાસ નામના હત્યારાની ગઈ કાલે ધરપકડ કરી હતી. તેણે બે સગીર બહેનોનું અપહરણ કર્યા બાદ તેમના પર બળાત્કાર કરીને હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ બન્ને બહેનોના મૃતદેહ પાણી ભરેલા મોટા ડ્રમમાં ડુબાડી દીધા હતા. બુધવારે આઠ અને નવ વર્ષની બહેનો તેમના ઘરની બહાર રમતી હતી. ત્યાર બાદ અચાનક તેઓ ગાયબ થઈ ગઈ હતી. સાંજ સુધી બહેનોનો પત્તો ન લાગતાં તેમનાં મમ્મી-પપ્પાએ ખેડ પોલીસ-સ્ટેશનમાં તેમની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી. ખેડ પોલીસ-સ્ટેશનના ઇન્ચાર્જ પ્રભાકર મોરેએ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કેટલીક ટીમો બનાવીને બહેનોની શોધખોળ હાથ ધરી હતી. જોકે રાતના ૧૦ વાગ્યા સુધી કોઈ કડી નહોતી મળી.
દરમ્યાન, બહેનોના પરિવારજનો અને પોલીસની ટીમે આરોપી અજય દાસના ઉપરના માળે આવેલા ઘરમાં જઈને તપાસ કરી તો ત્યાંથી રાતના ૧૦.૩૦ વાગ્યે પાણી ભરેલા બે ડ્રમમાંથી બન્ને બહેનોના મૃતદેહ ઊંધા માથે ડુબાડેલી હાલતમાં મળી આવતાં બધા ચોંકી ઊઠ્યા હતા.
સગીર બહેનોના મૃતદેહને તાબામાં લઈને પુણેની સસૂન હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા. ગઈ કાલે આરોપી અજય દાસ એક ગેસ્ટ હાઉસમાં છુપાયેલો હતો અને તે મહારાષ્ટ્રમાંથી નીકળવાની તૈયારીમાં હતો ત્યારે પોલીસે ઝડપી લીધો હતો.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી અજય દાસે બન્ને બહેનો બૂમાબૂમ ન કરે એટલા માટે તેમને મારી નાખી હોવાનું કબૂલ્યું છે. આ ઘટનાથી પુણેમાં જ નહીં, આખા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.