બાબા રામદેવની કંપનીના નામે હીરાના વેપારી સાથે થઈ ૬.૫૧ લાખ રૂપિયાની છેતરપિંડી

02 November, 2022 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યોગગુરુની કંપની પતંજલિમાં હળદર સપ્લાય કરીને મોટો ફાયદો થવાની પેડર રોડના વેપારીને લાલચ અપાઈ હતી

પ્રતીકાત્મક તસવીર

યોગગુરુ બાબા રામદેવના પિતરાઈ ભાઈ તરીકે પોતાની ઓળખ આપી પતંજલિ કંપનીમાં હળદર સપ્લાય કરીને મોટા ફાયદાની લાલચ આપી પેડર રોડમાં રહેતા હીરાના વેપારી સાથે એક ગઠિયાએ ૬.૫૧ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ ઘટના ત્યારે પ્રકાશમાં આવી હતી જ્યારે વેપારીએ પતંજલિની વેબસાઇટ પર હળદર સંબંધી માહિતી માટે ઈ-મેઇલ કરી હતી. ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે પતંજલિ કોઈ પ્રોડક્ટ બહારથી લેતી નથી. એ પછી પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતાં ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

પેડર રોડમાં રહેતાં ૬૭ વર્ષનાં તરુણા નવનીત પરીખે કરેલી ફરિયાદ અનુસાર તેમના પતિનું ગયા વર્ષે અવસાન થયું છે. તેઓ ડાયમન્ડનો વ્યવસાય કરતા હતા. તરુણાબહેન અને નવનીતભાઈ સ્વામીનારાયણ મંદિરમાં યોગ માટે જતાં હતાં ત્યારે તેમની ઓળખાણ આચાર્ય યોગી દેવરાજ સાથે થઈ હતી, જેણે પોતાને યોગગુરુ બાબા રામદેવના પિતરાઈ ભાઈ હોવાનું કહ્યું હતું. જુલાઈ ૨૦૨૧માં આચાર્ય યોગી દેવરાજે તરુણાબહેનને ફોન કરી કહ્યું હતું કે પતંજલિ કંપનીમાં હળદર તમે સપ્લાય કરો અને એમાં મોટો ફાયદો થવાની ઑફર આપી હતી. એ પછી નવનીતભાઈએ તમામ માહિતી જાણી હતી અને પતંજલિ કંપનીમાં હળદર સ્પલાય કરવા માટેની તમામ સામગ્રી આચાર્ય યોગી દેવરાજના કહેવા પર તેમના ઓળખીતાઓ પાસેથી મેળવી હતી. એમાં હળદર પીસવાના મશીનની અને હળદરની ખરીદી કરવામાં આવી હતી, જેની કુલ કિંમત ૧૩ લાખ રૂપિયા થઈ હતી. એ પછી આશરે અડધા પૈસા આપ્યા પછી પતંજલિ વિશેની માહિતી કાઢતાં તેમને જાણ થઈ હતી કે કંપનીમાં કોઈ પ્રોડક્ટ બહારથી લેવામાં આવતી નથી. તમામ પ્રોડક્ટ્સ પતંજલિ પોતે બનાવે છે. આ વાત પર વધુ માહિતી મેળવવા માટે પતંજલિને ઈ-મેઇલ કરીને તમામ માહિતી માગી ત્યારે કંપનીએ પણ બહારથી કોઈ પ્રોડક્ટ્સ ન લેતા હોવાનું કહ્યું હતું. એ પછી આચાર્ય યોગી દેવરાજનો પણ કોઈ સંપર્ક કેટલાક સમય સુધી ન થતાં તેઓ છેતરપિંડીનો શિકાર થયા હોવાનું સમજાતાં ગામદેવી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ગામદેવી પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર દત્તારામ ગિરપેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનામાં બાબા રામદેવના નામનો ઉપયોગ કરીને ફરિયાદી સાથે છેતરપિંડી કરવામાં આવી છે. હાલમાં આરોપીની શોધ ચલાવાઈ રહી છે. એ સાથે વધુ તપાસ હાથ ધરાઈ છે.’

mumbai mumbai news Crime News mumbai crime news baba ramdev