માલેગાવ સુધરાઈના ડેપ્યુટી મેયરે ઑફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવીને મોટી-મોટી વાતો કરી

15 February, 2026 07:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એનું સમર્થન કરનારા કહી રહ્યા હતા કે તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જબરદસ્ત ફાઇટ આપી હતી એટલે તેનું યોગદાન ગણતરીમાં લેવું જોઈએ

માલેગાવ સુધરાઈના ડેપ્યુટી મેયરે ઑફિસમાં ટીપુ સુલતાનની તસવીર.

માલેગાવના ડેપ્યુટી મેયર નિહાલ અહમદે તેમની ઑફિસમાં ટીપુ સુલતાનની તસવીર લગાવડાવી હતી જેના પર લખ્યું હતું શાન-એ-હિન્દ. આ વાતની જાણ શિવસેનાના સ્થાનિક પદાધિકારીઓને થતાં તેઓ વીફર્યા હતા અને તેમણે ટીપુ સુલતાનની તસવીર કાઢી લેવા જણાવ્યું હતું. સામા પક્ષે નિહાલ અહમદે તસવીર હટાવવાની ધરાર ના પાડી દેતાં કહ્યું હતું કે ટીપુ સુલતાનનું સ્વતંત્રતા-સૈનિક તરીકે જે યોગદાન છે એને યાદ કરવું રહ્યું. જાેકે આખરે તસવીર હટાવી લેવામાં આવી હતી.

ટીપુ સુલતાનને લઈને વકરેલા આ વિવાદને કારણે લોકોમાં બે ભાગ પડી ગયા હતા. એનું સમર્થન કરનારા કહી રહ્યા હતા કે તેણે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જબરદસ્ત ફાઇટ આપી હતી એટલે તેનું યોગદાન ગણતરીમાં લેવું જોઈએ, જ્યારે બીજા પક્ષનું કહેવું હતું કે તે ક્રૂર અને અત્યાચારી હતો અને તેણે દક્ષિણ ભારતમાં હિન્દુઓની કત્લેઆમ કરી હતી.

આ સંદર્ભે શિવસેનાના નગરસેવક નીલેશ આહેરે માલેગાવના મ્યુનિસિપલ કમિશનરને સત્તાવાર ફરિયાદ કરીને ડેપ્યુટી મેયરની ઑફિસમાંથી એ તસવીર હટાવી લેવા જણાવ્યું હતું. તેમણે કરેલી રજૂઆત બાદ તેમના અને ડેપ્યુટી મેયર વચ્ચે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ પકડ્યું હતું અને થોડા વખત માટે તંગદિલી વ્યાપી ગઈ હતી. નીલેશ આહેરે વિરોધ-પ્રદર્શન કર્યું હતું અને એવું વલણ અપનાવ્યું હતું કે જ્યાં સુધી એ તસવીર હટાવી નથી લેવાતી ત્યાં સુધી વિરોધ-પ્રદર્શન ચાલુ રહેશે.

આ બાબતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના રાષ્ટ્રીય પ્રવક્તા શેહઝાદ પૂનાવાલાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે ‘ડેપ્યુટી મેયરે ટીપુ સુલતાનની તસવીર ઑફિસમાં મૂકી છે; પણ શિવાજી મહારાજ, મહાત્મા ગાંધી ને ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસવીરો તેમની ઑફિસમાં નથી. આ તો આપણા સાચા ‘હીરો’નું અપમાન છે. બંધારણે તમને ડેપ્યુટી મેયર બનાવ્યા છે, પણ એ જ બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર હતા. જોકે તેમને બંધારણ પ્રત્યે પણ આદર નથી. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ને આખું મહારાષ્ટ્ર ગ્રીન કરી દેવું છે. ઇસ્લામી પાર્ટી આંબેડકરજી કરતાં વધુ મહત્ત્વ ટીપુ સુલતાનને આપી રહી છે. આવું ત્યારે થાય જ્યારે તમે સંવિધાનને ન અનુસરો અને તમારી વોટ-બૅન્કને જ નજર સામે રાખો.’

માલેગાવ મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં નિહાલ અહમદ સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટાઈ આવ્યા છે. સમાજવાદી પાર્ટી અને ઇન્ડિયન સેક્યુલર ઍસેમ્બલી ઑફ મહારાષ્ટ્ર (ISLAM)એ માલેગાવ સેક્યુલર ફ્રન્ટના નેજા હેઠળ યુતિ કરીને કૉર્પોરેશનની કુલ ૮૪ બેઠકોમાંથી ૪૩ બેઠકો પર વિજય મેળવ્યો હતો. 

ડેપ્યુટી મેયર નિહાલ અહમદનું શું કહેવું છે?

તસવીર હટાવી લેવામાં આવી એ પહેલાં ડેપ્યુટી મેયર નિહાલ અહમદે કહ્યું હતું કે ‘એ પોર્ટ્રેટ મને મારા એક નગરસેવકે ગિફ્ટમાં આપ્યું છે. મને એનાથી કશો વાંધો નથી. ટીપુ સુલતાન સ્વતંત્રતાસેનાની હતા જે બ્રિટિશરો સામે લડ્યા હતા. કેટલાક લોકોએ ટીપુ સુલતાનની જન્મજયંતી મનાવવા પર બંધી મૂકવાની માગણી કરી હતી. ત્યારે એ બાબત (તે બ્રિટિશરો સામે લડ્યા હતા) સરકારે ઍફિડેવિટમાં મેન્શન કરી છે. 

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળનું વિવાદાસ્પદ નિવેદન

શિવાજી મહારાજની સમકક્ષ ગણવા જોઈએ ટીપુ સુલતાનને

કૉન્ગ્રેસના પ્રદેશાધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે ટીપુ સુલતાનની સરખામણી છત્રપતિ શિવાજી મહારાજ સાથે કરીને વિવાદ વહોરી લીધો છે. તેમણે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજનું જે પ્રકારનું શૌર્ય હતું, તેમણે જે સ્વરાજ્યનો વિચાર આપ્યો એ જ રીતે તેમના પછી ઘણાં વર્ષો બાદ ટીપુ સુલતાન અંગ્રજો સામે લડ્યા હતા. એ અર્થમાં ટીપુ સુલતાન શૌર્ય ગજવનારા યોદ્ધા થઈ ગયા, ભારતના ભૂમિપુત્ર થઈ ગયા. તેમણે ક્યારેય કોઈ પણ વિરોધી ઝેરી વિચારોને ગણકાર્યા નહીં. એથી શૌર્યનું લક્ષણ જોતાં આપણે ટીપુ સુલતાનને શિવાજી મહારાજની સમકક્ષ જોવા જોઈએ.’  

mumbai news mumbai malegaon Crime News mumbai crime news bharatiya janata party bhartiya janta party bjp hinduism tipu sultan political news