06 February, 2023 08:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ ઃ મલાડમાં લિબર્ટી ગાર્ડન નજીક આવેલી સોમવારી બજાર માર્કેટમાં બે ગઠિયાઓ વેપારીઓ પાસેથી માલ ખરીદી એના બદલામાં ગૂગલ-પેના માધ્યમથી પેમેન્ટ કર્યું હોવાનું કહીને છેતરપિંડી કરતા હતા. આ ગઠિયાઓએ આશરે છ મહિના પહેલાં એક વેપારી સાથે ૭,૫૦૦ રૂપિયાની છેતરપિંડી કરી હતી. એ પછી બીજા કેટલાક વેપારીઓ પણ આ ગઠિયાઓનો શિકાર થયા હતા. અંતે આ બન્નેને પકડવા માટે વેપારીઓએ અલર્ટ થઈને તેમના ફોટો વૉટ્સઍપ ગ્રુપમાં ફેરવ્યા હતા. એનાથી અલર્ટ થઈને એક વેપારી પાસે આ બન્ને ગઠિયાઓ ફરી વાર માલ લેવા આવતાં તેમને પકડીને વેપારીઓએ મલાડ પોલીસના હવાલે કર્યા હતા.
મલાડ-વેસ્ટમાં મામલતદારવાડી વિસ્તારમાં રહેતા અને લિબર્ટી ગાર્ડન નજીક સોમવારી બજારમાં જેન્ટ્સ કપડાંનો વ્યવસાય કરતા ૩૨ વર્ષના જિજ્ઞેશ જૈને કરેલી ફરિયાદ અનુસાર ૨૦૨૨ની પાંચમી જુલાઈએ તેની અપૅરલ્સ હબ નામની દુકાનમાં બે ગઠિયાઓ ખરીદી કરવા આવ્યા હતા. તેમણે ૭,૫૦૦ રૂપિયાનો માલ લીધા બાદ એનું પેમેન્ટ ઑનલાઇન કર્યું હોવાનું કહીને પેમેન્ટ સક્સેસફુલનો મેસેજ દુકાનમાં હાજર ગણેશ ભાવદેને દેખાડ્યો હતો. જોકે સાંજ સુધીમાં પેમેન્ટ બૅન્કમાં રિસીવ થવાનો મેસેજ આવ્યો નહોતો. એ પછી બન્ને ગઠિયાઓની કોઈ માહિતી મળી નહોતી અને અમાઉન્ટ નાની હોવાથી જિજ્ઞેશે કોઈ પોલીસ-ફરિયાદ કરી નહોતી. જોકે બન્ને જણ સીસીટીવી કૅમેરામાં કેદ થઈ જતાં વેપારીએ તેમનો વિડિયો પોતાના ઓળખીતા દુકાનદારોને વાઇરલ કર્યો હતો. ૨૮ જાન્યુઆરીએ સાંજે ધ વેઅરહાઉસ દુકાનમાં બન્ને ગઠિયાઓ ફરી છેતરપિંડીના ઇરાદે આવ્યા હતા. તેમણે ૧૦,૫૦૦ રૂપિયાનો માલ પસંદ કરીને એના બદલામાં જૂની કાર્યપદ્ધતિથી પેમેન્ટ કર્યું હોવાનો મેસેજ દેખાડ્યો હતો. જોકે દુકાનના વેપારીએ તરત જ જિજ્ઞેશભાઈને જાણ કરતાં તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને બન્નેને મલાડ પોલીસના હવાલે કર્યા હતા. પોલીસ પાસેથી તેમનાં નામ સુલભસિંહ પરિહાર અને અનિલકુમાર ગોતમ હોવાની જાણ થઈ હતી.
જિજ્ઞેશ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ બન્ને લોકોએ અમારી માર્કેટના કેટલાક વેપારીઓ સાથે છેતરપિંડી કરી છે. મારી સાથે બનેલી ઘટના પછી મેં તેમની જાણ બીજા વેપારીઓને કરી હતી, જેથી બીજી દુકાનમાં કામ કરનારા સેલ્સમેનોએ તેમની ઓળખ કરીને મને જાણ કરી હતી. ત્યાર બાદ અમે તેમને પોલીસના હવાલે કર્યા હતા.’
મલાડ પોલીસ સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ ઘટનાની ફરિયાદ નોંધીને અમે બન્ને આરોપીની ધરપકડ કરી છે. તેમણે હજી કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે એની તપાસ અમે કરી રહ્યા છીએ.’