મલાડનું મ્યુનિસિપલ માર્કેટ ટિપ-ટૉપ બની રહ્યું છે

14 October, 2011 08:38 PM IST  | 

મલાડનું મ્યુનિસિપલ માર્કેટ ટિપ-ટૉપ બની રહ્યું છે



મુંબઈમાં કુલ ૧૦૩ મ્યુનિસિપલ માર્કેટ છે, જેમાંથી મોટા ભાગનાં માર્કેટની ખરાબ પરિસ્થિતિ હોવાથી એનું જલદી રિપેરિંગ કરવું જરૂરી થઈ ગયું હતું; જેમાં માર્કેટ ડિઝાઇન કરવામાં આવશે, આકર્ષક લોગો અને ડાયરેક્શન માટે સાઇનેજ લગાવવામાં આવશે અને ટિપ-ટૉપ માર્કેટ બનાવવામાં આવશે. માર્કેટને સાફસૂથરું રાખવું, ટૉઇલેટ્સની સુવિધા, ગટરની લાઇન કનેક્ટ કરવી, ટાઇલ્સ લગાવી ફ્લોરિંગ કરવું, દીવાલો અને છાપરાં બદલી કાઢવાં જેવા ચેન્જિસ કરવામાં આવશે. આના કારણે રોજ શાકભાજી લેવા માટે આવતા સેંકડો લોકોને ખરાબ રસ્તાઓ અને તૂટેલી લાદીને કારણે માર્કેટમાં ચાલવાની તકલીફોનો જે સામનો કરવો પડતો હતો એ કરવો પડશે નહીં. સૌથી ખરાબ હાલત મહિલાઓ અને સિનિયર સિટિઝનોની ચોમાસામાં થતી હતી.

માર્કેટમાં વષોર્થી શાકભાજી વેચતા રાજેશ ગુપ્તાએ મિડ-ડે Localને જણાવ્યું હતું કે ‘છેલ્લા દોઢેક મહિનાથી માર્કેટનું રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવ્યું છે, પરંતુ શાકભાજીવિક્રેતાઓએ પોતાનો ધંધો તો ચાલુ જ રાખ્યો છે. આની વચ્ચે કામકાજ ચાલુ કરવામાં આવ્યું છે, જેથી વિક્રેતાઓને પોતાનું ગુજરાન ચલાવવા માટે કોઈ ફટકો ન પડે. મંગળવારે તો શિવસેનાના કાર્યાધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે પોતે માર્કેટના કામકાજ પર નજર નાખવા માટે આવ્યા હતા. જોકે હજી બધું કામ પત્યું નથી. ક્યારે પૂરું થશે એ ખબર નથી.’