25 August, 2025 12:58 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મલાડ-ઈસ્ટના હાઇરાઇઝ બિલ્ડિંગમાં ૧૧-૧૨મા માળે લાગી આગ
મલાડ-ઈસ્ટના રાણી સતી માર્ગ પર આવેલા ૨૧ માળના વૈષ્ણો હાઇટ્સ બિલ્ડિંગના ૧૧૦૧ નંબરના ફ્લૅટમાં ગઈ કાલે બપોરે ૩.૩૩ વાગ્યે આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ એ આગ એની ઉપર આવેલા ૧૨૦૧ નંબરના ફ્લૅટમાં પણ ફેલાઈ ગઈ હતી.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર હાઇરાઇઝમાં આગ લાગી હોવાથી ફાયર-બ્રિગેડનાં ૭ ફાયર-એન્જિન ઘટનાસ્થળે ધસી ગયાં હતાં. આગનો વ્યાપ વધતો જતો જોઈને ફાયર-બ્રિગેડના જવાનોએ એને વધતી રોકવાના પ્રયાસ કર્યા હતા. બપોરે સાડાત્રણ વાગ્યે લાગેલી આગ પર પોણાબે કલાક બાદ ૫.૧૫ વાગ્યે કાબૂ મેળવી શકાયો હતો. આગમાં ઇલેક્ટ્રિક વાયરિંગ, AC, લાકડાનું ફર્નિચર, ઘરવખરી, ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ, કપડાં, વાસણો બધું બળીને ખાખ થઈ ગયું હતું. આગ ચોક્કસ કયાં કારણોસર લાગી એ જાણી શકાયું નહોતું. સાવચેતીના પગલે કેટલાક ફ્લૅટ્સ ખાલી કરાવવામાં આવ્યા હતા.