10 April, 2023 09:21 AM IST | Mumbai | Priti Khuman Thakur
મલાડના કુરાર વિલેજના આપ્પા પાડામાં લાગેલી ભીષણ આગને મહિનો થવા આવ્યો છતાં રહેવાસીઓ સાડી, ઓઢણી બાંધીને પોતાના ઘરમાં કફોડી હાલતમાં રહે છે.
મલાડ-ઈસ્ટમાં કુરાર વિલેજના આનંદનગરના આપ્પા પાડામાં ૧૩ માર્ચે સાંજે લાગેલી આગમાં લગભગ ૧૭૦૦થી વધુ ઝૂંપડાં બળીને ખાખ થઈ ગયાં હતાં. આ ભીષણ આગને મહિનો થવા આવ્યો છતાં રહેવાસીઓ દિવસભર તડકા, ગંદકી અને મચ્છર-માખી વચ્ચે રહેવા મજબૂર બન્યા છે. પ્રશાસન દ્વારા વળતર મળવાનું હતું, પણ હજી તેઓ એની રાહ જોતા બેઠા છે. અત્યારે વિવિધ સામાજિક સંસ્થાઓ મદદ માટે આવી રહી છે, પણ પ્રશાસન તેમનું ઘર ફરી વસાવવા માટે કશી મદદ કરશે કે નહીં એ ચિંતા લોકોમાં જોવા મળી રહી છે. ‘મિડ-ડે’એ ફરી આપ્પા પાડાની મુલાકાત લીધી અને રહેવાસીઓ કઈ હાલતમાં રહે છે એ જાણવાની કોશિશ કરી.
અનેકનાં કામ છૂટી ગયાં
ઘર ગુમાવવાની સાથે અનેક લોકોએ કામ પણ ગુમાવ્યાં છે એમ કહેતાં આપ્પા પાડાના ઉપરના ભાગમાં રહેતી મીના સોનાવણેએ આંખમાં આંસુ સાથે ‘મિડ-ડે’ને જણાવ્યું કે ‘આ આગે અમારું બધું જ બાળી નાખ્યું છે. આગને મહિનો થશે, પણ અમે જે હાલતમાં આગ લાગી ત્યારે હતા એવી જ હાલતમાં અત્યારે પણ છીએ. ખાવાની અને ઘરમાં વાપરવાની નાની-મોટી વસ્તુઓ મળી રહે છે. આ બનાવ બાદ અમે આઘાતમાંથી બહાર આવતા નથી. એની ચિંતામાં અનેક લોકોનાં કામ છૂટી ગયાં છે અને બેકાર થઈને ઘરે બેઠાં છીએ. હવે અનેક લોકો કામ શોધવા જ્યાં-ત્યાં ભટકી રહ્યા છે.’
અતિશય મચ્છર-માખી ને ગંદકીનો ત્રાસ
૬૫ વર્ષના રૂપચંદ્ર મોરેએ કહ્યું કે ‘આગ લાગ્યા બાદ ઘરનો બધો સામાન બળી જતાં અમને ભારે નુકસાન થયું છે. એ પછી અહીંના રહેવાસીઓએ પોતાના ઘરનો બળી ગયેલો સામાન બહાર કાઢીને સફાઈ કરી છે, એને લીધે હવે જ્યાં-ત્યાં ગંદકી પ્રસરી છે. એને કારણે મચ્છર-માખી અને ગંદકીનું પ્રમાણ વધ્યું છે. અમે તો ખુલ્લા ઘરમાં જમીએ છીએ એટલે માખી-મચ્છરને દૂર કરવા હાથ વડે પેપરથી પંખો મારતાં-મારતાં જમવું પડે છે. દિવસભર તો ચાલી જાય છે, પરંતુ રાતે સૂતી વખતે ભારે મુશ્કેલી પડે છે.’
બેસી-બેસીને કંટાળ્યા, ક્યારે બનશે ઘર?
૭૦ વર્ષનાં સકુબાઈ સોનાવણેએ જણાવ્યું કે ‘સાડી, ઓઢણી, પ્લાસ્ટિકની સીટ વડે ઘરને પૅક કર્યું છે. આખો દિવસ ગરમીમાં ખુલ્લામાં માખી-મચ્છર વચ્ચે બેસી રહેવું પડે છે. ભારે ગરમી અને તડકામાં બેસી-બેસીને કંટાળી ગયાં છીએ. ઘર છોડીને ક્યાંય જઈ શકતાં નથી. હવે અમારું ઘર ક્યારે બનશે અને ક્યારે એમાં શાંતિથી સૂઈ શકીશું એવા સવાલ મનમાં ઊઠ્યા કરે છે. અમુક સંસ્થાઓ મદદ માટે આવે છે, પણ ઉપર રહેતા લોકોને એવી મદદ મળતી નથી.’
અનેક સંસ્થાઓ મદદે આવી, પ્રશાસન ક્યારે આવશે?
અહીં રહેતાં વંદના દેઠેએ ભાવુક થઈને જણાવ્યું કે ‘અનેક ગુજરાતી, જૈન, મારવાડીઓની સંસ્થા ઘર-વખરીની વસ્તુઓ, ફૂડ-પૅકેટ, રૅશન આપી જાય છે. તેમને કારણે અમને થોડી ઘણી મદદ મળી રહે છે. તેમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે. અમને કહેવાયું હતું કે વળતર તરીકે ૫૦,૦૦૦ રૂપિયા મળશે, પરંતુ એનાં કોઈ ઠેકાણાં નથી. બધા વળતરની રાહ જોઈને બેઠા છે. એ રૂપિયા મળે તો અમે ઘર બનાવીએ. પ્રશાસન મદદે આવશે કે નહીં એની ચિંતા અમને સતાવી રહી છે.’
બીએમસીનું શું કહેવું છે?
આ વિશે માહિતી આપતાં આ વિસ્તારના વૉર્ડ-ઑફિસર કિરણ દિઘાવકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બીએમસી વિવિધ સામાજિક સંસ્થાની મદદથી અહીંના રહેવાસીઓને ૩ વખત નાસ્તો-જમવાનું આપી રહી છે. ત્યાં લાઇટ, પાણી તો આપવામાં આવ્યાં છે. જોકે રહેવાસીઓના વળતરની વાત જ્યાં સુધી છે એ અમારા કાર્યક્ષેત્રમાં આવતું ન હોવાથી એની અમને જાણ નથી.’