મરોલની પ્લાસ્ટિક ફૅક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

25 June, 2020 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મરોલની પ્લાસ્ટિક ફૅક્ટરીમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

પ્લાસ્ટિક ફૅક્ટરીમાં લાગેલી આગ (તસવીર: અતુલ કાંબળે)

મરોલ સ્થિત નંદધામ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક પ્લાસ્ટિકની ફૅક્ટરીમાં બુધવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ફૅક્ટરીના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા માટે અગ્નિશમન દળના પાંચ ફાયર એન્જીન ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા. સદનસીબે કોઈ જાનહાની નથી થઈ.

અગ્નિશમન દળના અધિકારીએ આપેલી માહિતી મુજબ, નંદધામ ઈન્ડસ્ટ્રિયલ એસ્ટેટમાં એક પ્લાસ્ટિકની ફૅક્ટરીમાં આગ લાગી છે તેવો ફોન 12.49એ અગ્નિશમનદળને આવ્યો હતો. રાત્રે 1.04 વાગ્યા સુધી આગ લેવલ-ટુ સુધી પ્રસરી ગઈ હતી. આગ પર કાબુ મેળવવા લગભગ ત્રણ કલાકનો સમય લાગ્યો હતો અને સવારે 4.10 વાગ્યાની આસપાસ આગ બુજાઈ હતી.

અગ્નિશમન દળના અધિકારીઓના જણાવ્યા મુજબ, આગ ઈલેક્ટ્રિક વાયરિંગ અને ઈલેક્ટ્રિક ઈનસ્ટૉલેશનમાં લાગી હતી. તેમજ આગને લીધે ગ્રાઉન્ડ ફ્લોર પરનું લાકડાનું ફર્નિચર, ઓફિસના વિન્ડો એસી, ઓફિસની ફાઈલો, હાઈડ્રોલિક કોમ્પ્રેસર મશીન, હાઈડ્રોલિક સિલિન્ડર, હાઈડ્રોલિક ઓઈલ, પ્લાસ્ટિકનો ફિનિંશિંગ અને કાચોમાલ આગમાં બળીને ખાખ થઈ ગયો હતો. તે સિવાય બન્ને ગાળાઓની એસી શીટની છત આંશિક રીતે ધરાશાયી થઈ હતી.

દરમ્યાન, આગ પર કાબુ મેળવવાના ઓપરેશન વખતે અગ્નિશમન દળનો એક અધિકારી બેહોશ થઈ ગયો હતો. તેને તત્કાલિક નાણાવટી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો.

mumbai mumbai news marol