05 March, 2022 02:51 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ડ્રીમ મૉલમાં ગઈ કાલે રાત્રે ૭.૪૫ વાગ્યે ફરી આગ લાગી હતી
ભાંડુપમાં આવેલા ડ્રીમ મૉલમાં ગઈ કાલે રાત્રે ૭.૪૫ વાગ્યે ફરી આગ લાગી હતી. આગની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરાયા હતા. ગયા વર્ષે માર્ચ મહિનામાં આ મૉલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં આગ લાગી હતી. ત્યારે કોરોનાના ૧૧ દરદી ભડથું થઈ ગયા હતા. જોકે ગઈ કાલે મૉલ બંધ હતો એટલે કોઈને ઈજા કે જાનહાનિ નહોતી થઈ, પરંતુ મોટા પાયે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું હતું.
ફાયર બ્રિગેડના પ્રવક્તાના જણાવ્યા મુજબ ભાંડુપમાં આવેલા ડ્રીમ મૉલમાં ગઈ કાલે રાત્રે ૭.૪૫ વાગ્યે આગ ફાટી નીકળી હોવાની જાણ થયા બાદ ફાયર બ્રિગેડની ૧૪ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. જવાનો દ્વારા આગ પર પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવવાના પ્રયાસ કરાયા હતા. મૉલ બંધ હતો એટલે આગને લીધે કોઈને ઈજા કે જાનહાનિ નહોતી થઈ.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ૨૫ માર્ચે ડ્રીમ મૉલના ત્રીજા માળે આવેલી સનરાઇઝ હૉસ્પિટલમાં કોવિડના દરદીઓ સારવાર હેઠળ હતા ત્યારે રાત્રે અચાનક આગ ફાટી નીકળી હતી, જેમાં ૧૧ દરદીનાં મૃત્યુ થયાં હતાં. આ મામલાની તપાસ ચાલી રહી છે ત્યાં આ જ મૉલમાં બીજી વખત આગ લાગી હતી.