વિધાનપરિષદની ચૂંટણીના મતદાન પહેલાં જ પાંચ બેઠકો પર મહાયુતિનો વિજય

05 June, 2026 11:22 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહાયુતિ સામે ઊભેલા મહા વિકાસ આઘાડીના ઉમેદવારો મેદાનમાંથી હટી ગયા

ફાઇલ તસવીર

૧૭ બેઠકો માટે ૧૮ જૂને વિધાનપરિષદની ચૂંટણી હાથ ધરાય એ પહેલાં જ પાંચ બેઠકો પર મહાયુતિના ઉમેદવારોની જીત નોંધાઈ ગઈ છે. પાંચેપાંચ બેઠકો પર મહાયુતિના ઉમેદવારો વિરુદ્ધ ચૂંટણીમાં ઊભેલા મહા વિકાસ આઘાડી (MVA)ના ઉમેદવારોએ ગુરુવારે ઉમેદવારી પાછી ખેંચવાના છેલ્લા દિવસે ઉમેદવારી પાછી ખેંચતાં મહાયુતિના પાંચ ઉમેદવારો જીત્યા હતા જેમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના એક, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના બે અને શિવસેનાના બે ઉમેદવારોનો સમાવેશ છે.

વર્ધા-ચંદ્રપુર-ગડચિરોલી, પુણે, થાણે, રાયગડ-રત્નાગિરિ-સિંધુદુર્ગ​ અને યવતમાળની બેઠકો પર ઊભેલા ઉમેદવારોની જીત પર મહોર લાગી ગઈ છે ત્યારે છત્રપતિ સંભાજીનગરથી પણ મહાયુતિ માટે સારા સમાચાર છે. અહીં બળવો કરીને BJPના ઉમેદવાર સામે પુત્ર સમીર સત્તારને ઊભા રાખનારા શિવસેનાના નેતા અબ્દુલ સત્તારે નમતું જોખ્યું છે. ગુરુવારે સમીર સત્તારે ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. 

પૈસાની લહાણી થઈ, ૧૫૦ કરોડ ખર્ચાયા : વિપક્ષનો આક્ષેપ

MVAના ઉમેદવારોને ઉમેદવારી પાછી ખેંચવા માટે કરોડો રૂપિયા અપાયા હોવાનો આરોપ કરતાં શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે કહ્યું હતું કે ‘મુંબઈની ફાઇવસ્ટાર હોટેલમાં બોલાવીને મુખ્ય ઉમેદવારોને ૨૫ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ રીતે કુલ ૧૫૦ કરોડ રૂપિયાની લેણ-દેણ થઈ છે. નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી-શરદચંદ્ર પવાર (NCP-SP)ના નેતા રોહિત પવારે પણ આરોપ કર્યો છે કે નગરસેવકોના મત મેળવવા માટે તેમને મોટી રકમ આપવામાં આવી છે.

નીતેશ રાણે સાથે જઈને ઉમેદવારી પાછી ખેંચનારા શિવસેનાના નગરસેવકને પાણીચું

રાયગડ-રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠક પર શિવસેના (UBT)ના નેતા સુરેન્દ્ર ઉર્ફે બા‍ળ માનેને ઉમેદવારી અપાઈ હતી, પણ ગુરુવારે તેમણે રીતસર BJPના નેતા નીતેશ રાણે સાથે જઈને ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી જેને પગલે તેમની પક્ષમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે. 

મહાયુતિમાં બળવો તો ખરો જ

છત્રપતિ સંભાજીનગરમાં અબ્દુલ સત્તાર દ્વારા થયેલો બળવો ડામવામાં સફળતા મળ્યા છતાં નાશિકમાં મહાયુતિમાં બળવાની સ્થિતિ યથાવત્ હતી. શિવસેનાના ફાળે ગયેલી બેઠક પર BJPના નેતાએ ઉમેદવારી નોંધાવી છે, જ્યારે જળગાવમાં BJPને બેઠક મળી છે ત્યાં શિવસેનાના નેતા ઉમેદવાર તરીકે ઊભા રહ્યા છે. અહિલ્યાનગરમાં પણ મહાયુતિ તરફથી BJPના સત્તાવાર ઉમેદવાર પ્રાજક્ત તાનપુરેને મિત્રપક્ષના નેતાઓ તરફથી બળવાનો સામનો કરવો પડ્યો હતો. આવી જ પરિસ્થિતિ MVAમાં પણ જોવા મળી છે અને બંડ પોકારીને મિત્ર-પક્ષને ફાળવાયેલી બેઠક પર અપક્ષ ઉમેદવારી નોંધાવવામાં આવી છે.

આ બેઠકો પર મહાયુતિનો વિજય

બેઠક     વિજયી ઉમેદવાર
વર્ધા-ચંદ્રપુર-ગડચિરોલી અરુણ લાખાણી (BJP)
પુણે     વિક્રમ કાકડે (NCP)
થાણે     રવીન્દ્ર ફાટક (શિવસેના)
રાયગડ-રત્નાગિરિ–સિંધુદુર્ગ     અનિકેત તટકરે (NCP)
યવતમાળ     દુષ્યંત ચતુર્વેદી (શિવસેના)

maha yuti maha vikas aghadi bharatiya janata party nationalist congress party political news mumbai mumbai news