25 September, 2026 09:13 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ગણેશવિસર્જનની ફાઇલ તસવીર
આજે અનંત ચતુર્દશી હોઇ ગણેશમૂર્તિના વિસર્જનની મુંબઇ સહિત રાજ્યભરમાં જોરદાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વરસાદને લઈને મહત્ત્વના અપડેટ સામે આવ્યા છે. વિસર્જનમાં વરુણદેવ વિઘ્ન પાડે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ફરી એકવાર દેશભરમાં મોન્સૂનની વાપસી થઈ છે ત્યારે આજે ગણેશ વિસર્જનના દિવસે કોંકણ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા ઝાપટાં (Maharashtra Weather Update) થઈ શકે છે. બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને લીધે વિદર્ભ અને મરાઠવાડાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવનો સાથે વરસાદી માહોલ જામી શકે છે.
બંગાળની ખાડીમાં સક્રિય થયેલી સિસ્ટમને (Maharashtra Weather Update) લીધે વિદર્ભમાં વરસાદનું જોર સારુંએવું રહેવાનો અંદાજ છે. વેધર ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર આજે ભંડારા, ચંદ્રપુર, ગઢચિરોલી અને ગોંદિયા જિલ્લાઓ માટે ઓરેન્જ અલર્ટ આપવામાં આવી છે. તે ઉપરાંત અકોલા, અમરાવતી, બુલઢાણા, નાગપુર, વર્ધા અને વાશિમ જિલ્લાઓમાં વરસાદ માટે યલો એલર્ટ જારી કરવામાં આવી છે.
લાલબાગચા રાજા સહિતના અનેક ગણપતિમૂર્તિઓની આજે જ્યારે વિસર્જનયાત્રા નીકળવાની છે ત્યારે મુંબઈ, ઠાણે, પાલઘર, રત્નાગિરી, રાયગઢ અને સિંધુદુર્ગ જેવા કોંકણના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને મુંબઈની વાત કરવામાં આવે તો આજે કેટલાક વિસ્તારમાં હળવાં ઝાપટા થાય તેવી શક્યતા છે તો ક્યાંક તેજ પવનો પણ ફૂંકાય તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે.
મરાઠાવાડાની વાત કરીએ તો છત્રપતિ સંભાજીનગર, જાલના, પરભણી, બીડ, હિંગોલી, નાંદેડ, લાતુર અને ધારાશિવમાં ૪૦થી ૫૦ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા (Maharashtra Weather Update) સાથે `યલો એલર્ટ`આપવામાં આવી છે. તે સિવાય જળગાંવ અને સોલાપુરમાં ઝડપી પવન ફૂંકાઇ શકે છે. નાસિક, ધુળે, નંદુરબાર, અહમદનગર, પુણે અને સાતારામાં પણ હળવાથી મધ્યમ વરસાદન ઇ શક્યતા છે.
વેધર ડિપાર્ટમેન્ટ જણાવે છે કે મહારાષ્ટ્રમાં ફરી એકવાર પાંચમી ઓક્ટોબરથી મોન્સૂન સક્રિય થાય તેવી સંભાવના છે. અને લગભગ ૧૦મી તારીખ સુધીમાં તો વરસાદ આટોપાઈ જશે એવી શક્યતા છે. જોકે, આવનાર બે-ત્રણ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં એકાએક હવામાન (Maharashtra Weather Update) બદલાય અને વીજળીના કડાકા સાથે વરુણ દેવ પધરામણી કરે તેવો અંદાજ છે.
આ વર્ષે ચતુર્દશી તિથિ ૨૪મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૧.૧૮ વાગ્યે જ શરૂ થઈ ગઈ છે અને તે ૨૫મી સપ્ટેમ્બરના રોજ રાત્રે ૧૧.૬ વાગ્યે પૂર્ણ થાય છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે તો અનંત ચતુર્દશી આજે હોવાથી ગણેશમૂર્તિઓનું આજે વિસર્જન કરવામાં આવશે. મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાની વિસર્જનયાત્રા આજે સવારે લગભગ 9 વાગ્યે શરૂ થશે. આ પછી સવારે દસ વાગ્યે લાલબાગના રાજાની વિધિવત પૂજા કરવામાં આવશે. ઉત્તર પૂજા પછી બપોરે ૧૨ વાગ્યે લાલબાગચા રાજાની વિસર્જનયાત્રા શરૂ થશે. બપોરે ૧ વાગ્યે પર લાલબાગચા રાજા મુખ્ય પ્રવેશદ્વાર પર પહોંચશે.