17 December, 2021 10:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન અમિત દેશમુખ
બૃહદ મુંબઈ ગુજરાતી સમાજના પ્રમુખ હેમરાજ શાહે મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમી અને એની સવલતો ફરી શરૂ કરવા રાજ્યના સાંસ્કૃતિકપ્રધાન અમિત દેશમુખને રજૂઆત કરી હતી. એ રજૂઆતને ગંભીરતાથી લઈને અમિત દેશમુખે આવતા વર્ષથી એટલે કે ૨૦૨૨માં એ અકાદમીની નવી કમિટી રચીને એને ફરી કાર્યાન્વિત કરવાનો આદેશ તેમના સેક્રેટરીને આપ્યો હતો.
આ બાબતે હેમરાજ શાહે કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર ગુજરાતી સાહિત્ય અકાદમીની પ્રવૃત્તિઓ પહેલાં થતી જ હતી. પહેલાં એ માટે રાજ્ય સરકાર દ્વારા પાંચ લાખ રૂપિયા ફાળવવામાં આવતા હતા એ વધારીને ૩૫ લાખ રૂપિયા કરાયા છે. એ અંતર્ગત સાહિત્યનું જતન થાય એ માટે નવા ઊભરતા લેખકોને અને કવિઓને તેમનાં પુસ્તકો છપાવવા પ્રિન્ટિંગખર્ચે પેટે ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે. લાઇબ્રેરીમાં ગુજરાતી પુસ્તકો વસાવવા ૨૦,૦૦૦ રૂપિયા આપવામાં આવે છે.’