30 May, 2023 12:10 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર
છેલ્લા કેટલાય સમયથી જંતર મંતર પર રેસલર્સ ન્યાય માટે લડાઈ લડી રહ્યા છે. પણ સરકારના પેટમાં પાણીય નથી હલતું. મુંબઈમાં પણ આવી જ એક ઘટના મામલે કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. મુંબઈ(Mumbai)ની વિશેષ પોક્સો કોર્ટે સોમવારે મ્યુનિસિપલ સ્કૂલના રમતગમતના કોચને તાલીમ સત્રો દરમિયાન અને જ્યારે તેઓ ટ્રિપ પર ગયા હતા ત્યારે સગીર છોકરીઓ સાથે જાતીય શોષણ કરવા બદલ પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી.
વિશેષ ન્યાયાધીશ એસ સી જાધવે `લગોરી` કોચને પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (પોક્સો) એક્ટની કલમ 10 (ઉગ્ર જાતીય હુમલો) અને છેડતી માટે ભારતીય દંડ સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ દોષિત ઠેરવ્યો હતો. તેને પાંચ વર્ષની સખત કેદની સજા કરવા ઉપરાંત કોર્ટે દોષિત પર ₹10,000નો દંડ પણ ફટકાર્યો હતો.
લગોરી એ એક ટ્રેડિશનલ રમત છે, જે મુખ્યત્વે બે ટીમો અને સપાટ પથ્થરો અથવા લાકડાના બ્લોકના ટાવર સાથે રમાય છે.
કાર્યવાહી મુજબ, બાતમી આપનાર (લક્ષિત છોકરીઓમાંની એક) બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) શાળાની ધોરણ IX ની વિદ્યાર્થીની હતી ,જ્યાં ધોરણ VII અને ધોરણ IX વચ્ચેના વિદ્યાર્થીઓ માટે લગોરી કોચ તરીકે વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી. કોચે લગોરી રમવા માટે BMC સ્કૂલમાંથી 15 છોકરીઓની પસંદગી કરી હતી. તે મુંબઈના લાલબાગ વિસ્તારમાં રવિવારે સવારે 9 થી 12.30 વાગ્યા સુધી છોકરીઓને પ્રેક્ટિસ માટે બોલાવતો હતો.
આ પણ વાંચો: વિવાદ વકર્યો:દિલ્હી પોલીસે કુસ્તીબાજોની કરી અટક, જંતરમંતર પરથી ઉખેડી નાખ્યા તંબુ
માહિતી આપનાર છોકરી રવિવારે પ્રેક્ટિસમાં ક્યારેય હાજરી આપતી નહોતી, કારણ કે તેના માતાપિતા આના માટે તેને પરવાનગી નહોતા આપતાં. કોચ છોકરીઓને એમ પણ કહેતો હતો કે તે તેમને કુસ્તી અને કબડ્ડી જેવી રમતો શીખવશે. જુલાઈ 2016 માં, કુસ્તી શીખવતી વખતે, કોચે એક છોકરીને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો એવો કોર્ટમાં ખુલાસો થયો હતો.
શાળાના 14 વિદ્યાર્થીઓ અને તેની ક્લબની બે છોકરીઓ સાથે કોચ લગોરી ટુર્નામેન્ટ માટે મુંબઈ નજીક અલીબાગ ગયા. ત્યાંના રિસોર્ટમાં તેમના રોકાણ દરમિયાન, તેણે ઘણી વખત છોકરીઓને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો હતો, એમ ફરિયાદ પક્ષે જણાવ્યું હતું.
એક ઘટનામાં, જ્યારે છોકરીઓ પાણીના પૂલમાં રમી રહી હતી, ત્યારે કોચે તેમને બહાર આવવા કહ્યું. છોકરીઓ તેમના ભીના કપડામાં હોવા છતાં, તેણે તેમને ઉભા રહેવા કહ્યું. તે છોકરીઓ સાથે વાત કરતો હતો ત્યારે તેમને ખરાબ નજરે જોતો હતો. તેમજ આ દરમિયાન એક છોકરીને અયોગ્ય સ્પર્શ કર્યો હતો તેવું ફરિયાદ પક્ષે જણાવ્યું હતું.