રાજ્ય સરકારને સર્જાઈ પૈસાની ખેંચ, મફત સાડીની સ્કીમ બંધ

18 July, 2026 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ યોજના હેઠળ ૨૪,૫૮,૭૪૭ પરિવારની મહિલાઓને વર્ષમાં એક વાર તહેવારની સીઝનમાં સરકાર તરફથી એક સાડી આપવાનો નિર્ણય લેવાયો હતો

ગરીબીરેખાની નીચે જીવતી મહિલાઓને મફતમાં સાડી આપવાની યોજના ૨૦૨૩થી ચાલુ કરી હતી

રાજ્ય સરકારે પૈસાની ખેંચને લીધે વર્ષમાં એક વખત રાજ્ય સરકાર દ્વારા ગરીબીરેખાની નીચે જીવતી મહિલાઓને મફતમાં સાડી આપવાની જે યોજના ૨૦૨૩થી ચાલુ કરી હતી એ હવે બંધ કરી છે. ૨૦૨૩માં એકનાથ શિંદે મુખ્ય પ્રધાન હતા ત્યારે આ યોજના ચાલુ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ૨૪,૫૮,૭૪૭ પરિવારની મહિલાઓને વર્ષમાં એક વાર તહેવારની સીઝનમાં સરકાર તરફથી એક સાડી આપવાનો નિર્ણય લેવાયો હતો અને ૨૦૨૮ સુધી આ સ્કીમ ચાલુ રાખવાનું નક્કી થયું હતું. વળી એ માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી.

ગરીબીરેખાની નીચેના પરિવારો જેઓ એ માટેનું અંત્યોદય કાર્ડ ધરાવતા હતા એમની મહિલાઓને દિવાળી પહેલાં ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટ તરફથી પાવરલૂમની સાડી ૨૦૨૩-’૨૪ અને ૨૦૨૫માં આપવામાં આવી હતી. જોકે હવે સરકારી તિજોરી પર તાણ આવવાથી લોકકલ્યાણની સ્કીમો બંધ કરાઈ રહી છે અને એ સ્કીમ બંધ કરાતાં ગરીબ મહિલાઓમાં નારાજગી ફેલાઈ ગઈ છે હોવાનો આરોપ વિરોધ પક્ષે કર્યો છે. 

maharashtra government maharashtra mumbai mumbai news