BMCની FD હાલમાં ૮૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ, પેન્શન ફન્ડને ટચ નહીં કરાય

14 March, 2026 02:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે વિધાનસભા પરિષદને જણાવ્યું હતું

ફાઇલ તસવીર

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હાલમાં ૮૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ છે અને ખાતરી આપવામાં આવી છે કે પેન્શન ફન્ડ તરીકે રાખવામાં આવેલી બચતને સ્પર્શ કરવામાં આવશે નહીં એમ મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન ઉદય સામંતે ગઈ કાલે વિધાનસભા પરિષદને જણાવ્યું હતું .

ઉદય સામંતે કહ્યું હતું કે ‘૨૦૧૮માં BMCની FD વધીને ૭૨,૦૦૦ કરોડ, ૨૦૧૯માં ૭૬,૫૭૯ કરોડ, ૨૦૨૦માં ૭૯,૧૧૫ કરોડ અને ૨૦૨૧માં ૭૮,૭૪૫ કરોડ થઈ હતી. ૨૦૨૨માં આ સંખ્યા નોંધપાત્ર રીતે વધીને ૯૧,૯૯૦ કરોડ થઈ ગઈ હતી.’

ઉદય સામંતે વધુમાં કહ્યું હતું કે જે લોકો એક સમયે BMC પર નિયંત્રણ રાખતા હતા તેઓ સત્તામાં હતા ત્યારે કોઈ પણ માળખાકીય કાર્ય કરવામાં રસ ધરાવતા નહોતા અને ખીચડીનું વિતરણ કરવામાં અને કામચલાઉ હૉસ્પિટલો બનાવવામાં વ્યસ્ત હતા.

૧૯૯૭થી ૨૦૨૨ સુધી ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ અવિભાજિત શિવસેનાએ ‍BMC પર નિયંત્રણ રાખ્યું હતું. ભૂતકાળમાં શિવસેના (UBT)એ દાવો કર્યો છે કે BMC જ્યારે એક વહીવટકર્તા હેઠળ હતી ત્યારે એણે એની FDનો ઉપયોગ માળખાકીય પ્રોજેક્ટ્સને ભંડોળ પૂરું પાડવા માટે કર્યો હતો અને પ્રક્રિયામાં અનિયમિતતાઓનો આરોપ લગાવ્યો હતો.

ઉદય સામંતે જણાવ્યું હતું કે ‘૨૦૨૩માં BMCની બચત ઘટીને ૮૬,૪૦૧ કરોડ, ૨૦૨૪માં ૮૨,૭૩૭ કરોડ અને ૨૦૨૫માં ૭૯,૪૯૮ કરોડ રૂપિયા થઈ ગઈ હતી. BMCની FD હવે ૮૧,૧૩૪ કરોડ રૂપિયા છે.’

brihanmumbai municipal corporation maharashtra government maharashtra mumbai mumbai news