27 February, 2025 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઉજ્જવલ નિકમ
બીડ જિલ્લાના મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું અપહરણ કરીને હત્યા કરવાના મામલામાં રાજ્ય સરકારે સિનિયર ઍડ્વોકેટ ઉજ્જ્વલ નિકમની નિયુક્તિ કરી હોવાનું જાણવા મળ્યું હતું. સંતોષ દેશમુખના પરિવારે ઉજ્જ્વલ નિકમની નિયુક્તિની માગણી કરી હતી જેને પગલે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગઈ કાલે તેમના સોશ્યલ મીડિયાના અકાઉન્ટમાં કરેલી પોસ્ટમાં લખ્યું હતું કે ‘મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખની હત્યાના મામલામાં સરકારે સિનિયર ઍડ્વોકેટ ઉજ્જ્વલ નિકમની સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યુટર અને ઍડ્વોકેટ બાળાસાહેબ કોલ્હેની તેમના અસિસ્ટન્ટ તરીકે નિયુક્તિ કરી છે.’
વિશેષ સરકારી વકીલ તરીકે ઉજ્જ્વલ નિકમે ૧૯૯૩ના મુંબઈના સિરિયલ બૉમ્બબ્લાસ્ટ અને ૨૬/૧૧ના આતંકવાદી હુમલા સહિતના હાઈ પ્રોફાઇલ કેસમાં કામ કર્યું છે.
ઉલ્લેખનીય છે કે મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું ગયા વર્ષે ૯ ડિસેમ્બરે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાદમાં હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલામાં મહારાષ્ટ્રના પ્રધાન અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસના નેતા ધનંજય મુંડેના નજીકના મનાતા વાલ્મીક કરાડ સહિતના અનેક આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જોકે હત્યાના આ કેસમાં ત્રણ આરોપી હજી ફરાર છે.