04 August, 2026 07:48 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તુકારામ મુંઢે
મહારાષ્ટ્ર ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને ફેરતપાસ દરમ્યાન નવી મુંબઈની એક રેસ્ટોરાંમાં નિયમોનું ૧૦૦ ટકા પાલન થતું હોવાનું જણાયા છતાં એનું લાઇસન્સ રદ કરવાનો આદેશ પાછો ન ખેંચવા બદલ બૉમ્બે હાઈ કોર્ટે સોમવારે ભારે ફિટકાર વરસાવ્યો હતો.
ઍક્ટિંગ ચીફ જસ્ટિસ રવીન્દ્ર ઘુગે અને જજ ગૌતમ અણખડની ખંડપીઠે જણાવ્યું હતું કે રેસ્ટોરાંના માલિકને થયેલા આર્થિક નુકસાન બદલ ડિપાર્ટમેન્ટ પર દંડ લાદવાનો કોર્ટનો ઇરાદો છે. આ સાથે જ હાઈ કોર્ટે બેલાપુરમાં આવેલી પવન બાર ઍન્ડ રેસ્ટોરાંનું લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ પણ રદ કરી દીધો હતો. ખંડપીઠે લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ રદ કર્યો હતો અને FDA પર કેટલો દંડ લાદવો એ વિશે વિચારણા કરવા માટે આ મામલાની વધુ સુનાવણી બુધવાર પર મુલતવી રાખી હતી. આ સાથે જ હાઈ કોર્ટે અરજદારને ૧૪ જુલાઈથી હોટેલ બંધ રહેવાને કારણે થયેલા આર્થિક નુકસાનની વિગતો દર્શાવતું સોગંદનામું રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.
શું હતો કેસ?
આ મામલો નવી મુંબઈના બેલાપુરમાં આવેલી હોટેલ પવન બાર ઍન્ડ રેસ્ટોરાં દ્વારા FDAની કાર્યવાહીને પડકારતી અરજી સાથે જોડાયેલો છે. ૨૯ જૂને FDA દ્વારા રેસ્ટોરાંમાં તપાસ કરવામાં આવી હતી જેમાં ૬૩ ટકા નિયમોનું પાલન થતું હોવાનું જણાયું હતું એટલે ૩૦ જૂને લાઇસન્સ સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૪ જુલાઈએ ફેરતપાસ દરમ્યાન ૧૦૦ ટકા નિયમપાલનનું સર્ટિફિકેટ આપવામાં આવ્યું હોવા છતાં લાઇસન્સ-સસ્પેન્શનનો આદેશ પાછો ખેંચવામાં આવ્યો નહોતો.
મુંબઈગરાઓના મનપસંદ પર્યટનસ્થળ લોનાવલામાં પીત્ઝામાંથી ઇયળો મળી હોવાનો બનાવ સામે આવ્યો છે. લોનાવલાના પ્રખ્યાત મૅપ્રો ગાર્ડનમાં સર્વ કરવામાં આવેલા પીત્ઝામાં ઇયળો નીકળી હોવાનો વિડિયો એક પર્યટકે સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં જ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આ બાબતે મૅપ્રો ગાર્ડનના કર્મચારીઓને જાણ કરવામાં આવી હતી. જોકે તેમણે આપેલી સ્પષ્ટતાથી સંતોષ ન થતાં પર્યટકોએ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન (FDA)ને ફરિયાદ કરવાની તૈયારી બતાવી હતી. હજી ગયા અઠવાડિયે જ લોઅર પરેલના એક પ્લે-ઝોનમાં પાસ્તામાં મરેલો કૉક્રૉચ મળી આવ્યો હોવાની ઘટના સામે આવી ત્યારે પ્રસિદ્ધ સ્થળો પર પણ આ પ્રકારના બનાવ બનતા હોવાથી બહારનું ખાવામાં કેટલું જોખમ છે એવી ચર્ચા સોશ્યલ મીડિયા પર ચાલી રહી છે.