જૂની પેન્શન યોજનાની માગ કરતાં કર્મચારીઓએ હડતાળ પાછી ખેંચી, CM શિંદેએ આપી ખાતરી

20 March, 2023 08:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

જૂની પેન્શન સ્કીમ (OPS)ને ફરી અમલમાં મૂકવા માટે રાજ્યના લગભગ 17 લાખ કર્મચારીઓ 14 માર્ચે હડતાળ પર ઉતર્યા હતા, જેમાં સરકારી હૉસ્પિટલના શિક્ષકો, નર્સિંગ સ્ટાફનો પણ સામેલ હતો

ફાઇલ તસવીર

જૂની પેન્શન યોજના (Old Pension Scheme) લાગુ કરવાની માગને પગલે હડતાળ પર ઉતરેલા મહારાષ્ટ્ર (Maharashtra)ના સરકારી કર્મચારીઓએ તેમની હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. સીએમ એકનાથ શિંદે સાથેની બેઠક બાદ કર્મચારીઓએ આ નિર્ણય લીધો છે. સરકારી કર્મચારી સંગઠનના સચિવ અવિનાશ દૌને કહ્યું કે “સીએમ શિંદેએ કહ્યું કે ભલે જૂની પેન્શન યોજના લાગુ નહીં થાય, પરંતુ તેમણે કર્મચારીઓને ખાતરી આપી છે કે કોઈ નુકસાન નહીં થાય.”

OPSને લઈને રાજ્યના કર્મચારીઓ હડતાળ પર હતા

જૂની પેન્શન સ્કીમ (OPS)ને ફરી અમલમાં મૂકવા માટે રાજ્યના લગભગ 17 લાખ કર્મચારીઓ 14 માર્ચે હડતાળ પર ઉતર્યા હતા, જેમાં સરકારી હૉસ્પિટલના શિક્ષકો, નર્સિંગ સ્ટાફનો પણ સામેલ હતો. સોમવારે (20 ફેબ્રુઆરી) હડતાળનો સાતમો દિવસ હતો.

OPS શું છે?

જૂની પેન્શન સ્કીમ એટલે કે OPSમાં સરકાર નિવૃત્ત કર્મચારીને પેન્શનની સંપૂર્ણ રકમ આપતી હતી. OPS હેઠળ, સરકારી કર્મચારીની નિવૃત્તિ પછી, છેલ્લો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થાની અડધી રકમ સરકાર દ્વારા જીવનભર પેન્શન તરીકે આપવામાં આવે છે. આ સિવાય તેમને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થું પણ મળે છે. OPSમાં પેન્શનરના મૃત્યુ પર તેના આશ્રિતોને પેન્શન આપવાની જોગવાઈ હતી.

આ ઉપરાંત જ્યારે પેન્શન કમિશન લાગુ થાય છે, ત્યારે નિવૃત્ત કર્મચારીને પણ પેન્શન રિવિઝનનો લાભ મળે છે. 80 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર તેમના પેન્શનમાં પણ 20 ટકાનો વધારો થાય છે. તે જ સમયે, 100 વર્ષની ઉંમર પૂર્ણ થવા પર, બમણું પેન્શન મળે છે.

2004માં એનડીએ સરકાર દ્વારા OPS યોજનાને નાબૂદ કરવામાં આવી

જોકે, 1 એપ્રિલ, 2004ના રોજ NDAએ OPS યોજનાને બંધ કરી દીધી અને તેને નવી પેન્શન યોજના (NPS) સાથે બદલવામાં આવી હતી. નવી યોજના હેઠળ સરકારી કર્મચારીએ મૂળ પગારના 10 ટકા યોગદાન આપવું પડશે અને રાજ્ય સરકાર માત્ર 14 ટકા યોગદાન આપે છે.

આ પણ વાંચો: Photos: રાજ્યના કર્મચારીઓ સામે નમી સરકાર: જૂની પેન્શન યોજના અમલમાં મૂકવા સકારાત્મક

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ, પંજાબ અને હિમાચલ પ્રદેશની રાજ્ય સરકારોએ તેમના રાજ્ય કર્મચારીઓ માટે OPSને અમલમાં મૂકવાના તેમના નિર્ણય વિશે કેન્દ્ર સરકારને જાણ કરી છે.

mumbai mumbai news maharashtra eknath shinde