‘અમે આદિત્ય ઠાકરેનાં લગ્નની જવાબદારી લેવા તૈયાર’

22 March, 2023 11:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક વિષય પર જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આવું કહેતાં વિધાનસભામાં હાસ્યનું મોજું ફરી વળ્યું

આદિત્ય ઠાકરે (ફાઇલ તસવીર)

રાજ્યની વિધાનસભામાં ચાલી રહેલા બજેટસત્રમાં આદિત્ય ઠાકરેનાં લગ્ન બાબતે ગઈ કાલે ‘અમે તેમનાં લગ્નની જવાબદારી લેવા તૈયાર છીએ’ એવું નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું ત્યારે હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. આ સાંભળીને આદિત્ય ઠાકરે પણ ખડખડાટ હસી પડ્યા હતા. બજેટસત્રમાં મોટા પાયે આરોપ-પ્રત્યારોપ થઈ રહ્યા છે ત્યારે લગ્ન બાબતના આ વિષયથી થોડા સમય માટે વિધાનસભામાં હળવું વાતાવરણ નિર્માણ થયું હતું.

વિધાનસભામાં ગઈ કાલે પ્રહાર પક્ષના વિધાનસભ્ય બચ્ચુ કડુએ કામગારોનો પ્રશ્ન રજૂ કરીને કહ્યું હતું કે ‘રાજ્યમાં ૨૫થી ૩૦ ટકા યોજનાઓ બંધ છે એને લીધે લોકોનો રોજગાર છીનવાઈ રહ્યો છે. આમ ન થાય એ માટે સરકાર કંઈ વિચારી રહી છે? કોઈ પ્રોજેક્ટ શરૂ થાય છે ત્યારે લોકો ગામ છોડીને આવે છે. પ્રોજેક્ટ બંધ કે પૂરો થાય ત્યારે આ લોકો રોજગાર ન હોવાથી રસ્તા પર આવી જાય છે. આ ટાળવા માટે ઉપાય યોજના કરવી જરૂરી છે. રોજગાર હોવાનું કહીને તેઓ લગ્ન કરે છે અને કામ બંધ થઈ જાય છે ત્યારે લગ્ન તૂટી જાય છે. આના માટે કોણ જવાબદાર? સરકારે આવા મામલામાં જવાબદારી લેવી જોઈએ.’

નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જવાબ આપ્યો હતો કે ‘લગ્ન કરી આપવાની જવાબદારી સરકારની છે અને લગ્ન તૂટે તો એ સંભાળવાની જવાબદારી પણ સરકારની છે. તમે જે સૂચન કર્યું છે એ તપાસ કરીને જોઈશું. આ બાબતે નીતિ બનાવી શકાય છે કેમ એ જોઈશું.’

આદિત્ય ઠાકરેએ આ વિષયે કહ્યું હતું કે ‘ફ્લૅશ પૉલિસીનો ઉલ્લેખ પ્રધાન મહોદયે કર્યો. કેટલાંક સ્થળે ઍશ ડમ્પિંગ કરવામાં આવે છે. આ રાખ ખેડૂતોના ખેતરમાં જાય નહીં એ માટે પ્રયત્ન કરવા જોઈએ. આંદોલન કરનારા કેટલાક ખેડૂતો સામે કેસ દાખલ કરવામાં આવ્યા છે એ પાછા લેવા જોઈએ.’

જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘બચ્ચુ કડુએ આદિત્ય ઠાકરે સામે જોઈને લગ્નની જવાબદારીનો સવાલ કરેલો? સરકારે લગ્ન કરાવવાં જોઈએ. સરકાર જવાબદારી લેવા તૈયાર છે.’

આ સાંભળીને આદિત્ય ઠાકરેએ વિધાનસભામાં ઊભા થઈને કહ્યું હતું કે ‘આ જુદા પ્રકારની રાજકીય ધમકી છે? લગ્ન કરાવી દઈશું અથવા અમારી સાથે બેસો.’

દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘કોઈનું પણ મોઢું બંધ કરાવવાનો ઉત્તમ ઉપાય એટલે લગ્ન. હું અનુભવ પરથી કહું છું. આદિત્ય ઠાકરેએ રજૂ કરેલા મુદ્દા મહત્ત્વના છે. અમે એના પર વિચાર કરીશું. તેમની સૂચના યોગ્ય જ છે. ઍશ મોટા પ્રમાણમાં તૈયાર થાય છે એને વહન કરવાની પરવાનગી અમે આપી છે.’

ચૂંટણી સંબંધી સુનાવણી ૨૮ માર્ચે

ગ્રામપંચાયતથી માંડીને મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજવા સંબંધિત એક અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી છે. એની ગઈ કાલે સુનાવણી થવાની શક્યતા હતી, પરંતુ સૉલિસિટર જનરલ તુષાર મહેતા સુનાવણીમાં હાજર ન રહી શકતાં હવે આ સંબંધે ૨૮ માર્ચે સુનાવણી હાથ ધરવામાં આવશે.

બીજેપી એક લાખ ગૂઢી ઉભારશે

આજે ગૂઢી પડવો છે એટલે હિન્દુ પંચાંગ મુજબ હિન્દુ નવા વર્ષની શરૂઆત થઈ રહી છે ત્યારે મરાઠી મતદારોને આકર્ષવા માટે બીજેપીએ મેગા પ્લાન બનાવ્યો છે. મુંબઈ બીજેપીના અધ્યક્ષ ઍડ્. આશિષ શેલારે ગઈ કાલે કહ્યું હતું કે ‘છેલ્લા કેટલાક સમયથી ઉદ્ધવ ઠાકરે અને તેમના સાથી પક્ષો દ્વારા એક વિશેષ સમાજના મત મેળવવા માટેના પ્રયાસ કરાઈ રહ્યા છે અને મુંબઈમાં લીલું વાદળ લાવવા ઇચ્છી રહ્યા છે. આ લોકોને જવાબ આપવા માટે મુંબઈમાં અમે હિન્દુત્વની ગૂડી ઉભારીશું. સમસ્ત એક લાખ કાર્યકરોના ઘરે હિન્દુત્વની ગૂઢી ઉભારવામાં આવશે.’

mumbai mumbai news maharashtra vidhan bhavan bharatiya janata party shiv sena aaditya thackeray devendra fadnavis