25 June, 2026 12:24 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
વિધાનસભામાં વિવાદાસ્પદ ભાષણ વાંચતા રાહુલ નાર્વેકર.
વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરે સોમવારે વિધાનસભામાં લેજન્ડરી સિંગર આશા ભોસલેના શોકપ્રસ્તાવનું વાંચન કરતી વખતે આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકરને બદલે દીનદયાલ મંગેશકર બોલવા ઉપરાંત એક મરાઠી શબ્દનો ખોટો ઉચ્ચાર કરતાં હોબાળો થયો હતો. ત્યાર બાદ બુધવારે રાહુલ નાર્વેકરે પોતાની ભૂલ બદલ માફી માગી હતી. પોતે ખોટા નામનું ઉચ્ચારણ કર્યું એ બદલ માફી માગતાં તેમણે કહ્યું હતું કે હું જે પ્રિન્ટઆઉટમાંથી શોકપ્રસ્તાવ વાંચી રહ્યો હતો એમાં ફૉન્ટ્સની સાઇઝ નાની હતી અને એ ઝાંખી પ્રિન્ટ હતી. ટેક્નિકલ ભૂલોને કારણે તેમનાથી નામનું ખોટું ઉચ્ચારણ થયું હોવાની સ્પષ્ટતા તેમણે બુધવારે કરી હતી.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના અધ્યક્ષ રાજ ઠાકરેએ કરેલી ટીકા બાદ રાહુલ નાર્વેકરે સ્પષ્ટતા આપી હતી કે ‘જો મારા કારણે રાજ્યના લોકોની કે વિધાનસભામાં કોઈની પણ ભાવનાઓને ઠેસ પહોંચી હોય તો હું એ બદલ માફી માગું છું. મને શોકપ્રસ્તાવ માટે ૧૨ પ્રિન્ટઆઉટ મળી હતી અને એમાં ઘણી ભૂલો હતી.’