મહાલક્ષ્મી રેસકોર્સ પાસે બની રહ્યો છે સાઇકલ-ટ્રૅક અને વૉકવે

14 December, 2021 12:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧.૨૨ કરોડના ખર્ચે તૈયાર થનારો આ પ્રોજેક્ટ બે અઠવાડિયાંમાં ખુલ્લો મૂકવામાં આવશે

મહાલક્ષ્મી રેસકોર્સ

મહાલક્ષ્મીમાં આવેલા રેસકોર્સને લાગીને મુંબઈ મહાનગરપાલિકા ૧.૨૨ કરોડ રૂપિયા ખર્ચી ૫૦૦ મીટરનો સાઇકલ-ટ્રૅક અને વૉકવે બનાવી રહી છે જે બે અઠવાડિયાંમાં ખુલ્લો મૂકવામાં આવશે એ પછી મુંબઈગરા એનો લાભ લઈ શકશે. મુંબઈગરાનું સ્વાસ્થ્ય સુધરે એ માટે પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેની સંકલ્પનાના આધારે આ ટ્રૅકનું નિર્માણ કરવામાં આવ્યું છે. 
આ ટ્રૅક બનાવવા માટે મહાલક્ષ્મી રેલવે બ્રિજથી નીચે રખાંગી ચોક સુધીની જે વર્ષો જૂની દીવાલ છે એ તોડી પાડવામાં આવશે. ત્યાં ગ્રિલ બેસાડવામાં આવશે અને એ ગ્રિલની બહારની બાજુ સાઇકલ-ટ્રૅક અને વૉકવે બનાવવામાં આવશે. એ ઉપરાંત સાંજ પછી એ જગ્યા અસામાજિક તત્ત્વો પચાવી ન પાડે એ માટે ત્યાં લાઇટની વ્યવસ્થા અને સિક્યૉરિટી ગાર્ડની પણ ગોઠવણ કરવામાં આવશે. એટલું જ નહીં, આખા ટ્રૅક પર સીસીટીવી કૅમેરા પણ બેસાડવામાં આવશે. આ જગ્યા પર હાલ ઘણા ગેરકાયદે પાર્કિંગ થાય છે એ પણ નહીં થાય. એ ઉપરાંત અહીં વૉક કરવા આવનારા 
લોકોની સુવિધા માટે ૧૦ સીટનું ટૉઇલેટ પણ ઊભું કરાશે અને ઓપન લાઇબ્રેરી પણ ઊભી કરાશે. એક ઓપન આર્ટ ગૅલરીનું પણ નિર્માણ કરાશે, જ્યાં નવા કલાકારો તેમનાં પેઇન્ટિંગ્સ અને અન્ય કલાકૃતિઓનું મફતમાં પ્રદર્શન કરી એનું વેચાણ કરી શકશે. 

mumbai mumbai news mahalaxmi racecourse