30 September, 2025 11:41 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર લોનાવલા-ખંડાલા ઘાટ બાયપાસ રોડ માટેના મિસિંગ લિન્ક પ્રોજેક્ટનું કામ પૂરું થવામાં છે. આશરે ૬૬૯૫ કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટ મહારાષ્ટ્રનાં બે મુખ્ય શહેરોને જોડતા એક્સપ્રેસવેના સૌથી ભારે ટ્રાફિક અને જોખમી રોડ ધરાવતાં જંક્શન્સને બાયપાસ કરી જશે. આ બાયપાસ શરૂ થતાંની સાથે જ મુંબઈ-પુણે વચ્ચેનો ટ્રાવેલ-ટાઇમ ૩૦ મિનિટ સુધી ઘટશે.
ઘાટનો બાયપાસ રસ્તો બન્યો ન હોવાથી મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર અત્યારે વાહનો ખોપોલી અને સિંહગઢ ઇન્સ્ટિટ્યૂટના રસ્તે ઘાટમાંથી પસાર થઈને જાય છે, જે આશરે ૧૯ કિલોમીટરનો રસ્તો છે. અનેક વાર આ રસ્તા પર બૉટલનેક હોવાને કારણે અને ભેખડો ધસી પડવાને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે. બાયપાસ રોડ તૈયાર થયા પછી અકસ્માતની સમસ્યાઓ પણ ઓછી થશે.
૨૦૦૨માં શરૂ થયેલા આ એક્સપ્રેસવે પર રોજનાં સરેરાશ ૭૫,૦૦૦ વાહનો પસાર થતાં હોય છે. વીક-એન્ડ અને રજાના દિવસોમાં આ આંકડો ૧.૧થી ૧.૨ લાખ સુધી પહોંચે છે. એને લીધે મુંબઈ-પુણે અને મુંબઈ-બૅન્ગલોરના જૂના હાઇવેને જોડતા જંક્શન પર ટ્રાફિક જૅમ સર્જાય છે. આ જગ્યાએ રોડ ૧૦ લેનમાંથી ૬ લેનનો થઈ જતાં અહીં વાહનોની લાંબી કતાર લાગે છે. નવો રોડ બની જતાં આ બધી સમસ્યાનો પણ ઉકેલ આવશે.
મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશન (MSRDC)ના એક અધિકારીએ આપેલી માહિતી મુજબ નવા રોડનું કામ ૯૫ ટકા જેટલું પૂરું થઈ ચૂક્યું છે. ડિસેમ્બર સુધીમાં જરૂરી પરવાનગીઓ મળી જશે તો જાન્યુઆરી મહિનામાં આ રોડ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે.
ટાઇગર વૅલીનો નજારો ૧૦૦ મીટર ઊંચેથી નિહાળી શકાશે
નવા રોડ પર ૮ લેનના વાયડક્ટ્સ સાથે ૧.૭૫ અને ૮.૯૨ કિલોમીટરની બે ટનલ હશે. ૬૪૦ મીટર લાંબો કેબલ બ્રિજ હશે જેના પરથી ટાઇગર વૅલીનો નજારો ૧૦૦ મીટર ઊંચેથી દેખાશે. લોનાવલા લેકની ૧૭૦ ફુટ નીચેથી ટનલ પસાર થશે.