“મહાવિકાસ આઘાડી કસાબનું સમર્થન કરી રહી છે”: વિજય વડ્ડેટીવારની ટીકા પર ફડણવીસનો પ્રહાર

06 May, 2024 01:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Lok Sabha Elections 2024: ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં હાલના સાંસદ પુનમ મહાજનનું ઉમેદવારીનું પત્તું કટ કરીને ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક (Lok Sabha Elections 2024) પરથી વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી.

ઉજ્જવલ નિકમ (ફાઇલ તસવીર)

લોકસભા ચૂંટણીમાં (Lok Sabha Elections 2024) ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક પરથી ઉમેદવારી આપવામાં આવી હતી. ભાજપ તરફથી ઉજ્જવલ નિકમ (Ujjwal Nikam)ને લોકસભાની ટિકિટ મળતા મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ)ના નેતા વિજય વડ્ડેટીવારે (Vijay Wadettiwar) જે નિવેદન આપ્યું હતું તે અંગે હવે રાજ્યમાં રાજકીય વિવાદ સર્જાયો છે.

વિજય વડ્ડેટીવારે ભાજપના ઉમેદવાર ઉજ્જવલ નિકમન સામે કરેલી ટીકા પર હવે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis)એ મોટું નિવેદન આપ્યું છે. દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે “વિપક્ષી દળ અજમલ કસાબને (Ajmal Kasab) લઈને ચિંતિત છે અને ઉજ્જવલ નિકમ પર ટીકા કરીને તેઓ આતંકવાદીઓનું સમર્થન કરી રહ્યા છે.”

દેવેન્દ્ર ફડણવીસે કૉંગ્રેસના નેતા વિજય વડ્ડેટીવાર પર નિશાન સાધતાં કહ્યું હતું કે “મહાવિકાસ આઘાડી મુજબ ઉજ્જવલ નિકમે કસાબનું અપમાન કર્યું હતું. કસાબે શહેરમાં આતંક મચાવ્યો હતો તે બાબતે કૉંગ્રેસ ચિંતિત છે. મહાયુતિ (ભાજપ, શિવસેના એકનાથ શિંદે જૂથ, એનસીપી અજિત પવાર જૂથ) ઉજ્જવલ નિકમને સમર્થન આપી રહી છે અને મહાવિકાસ આઘાડી કસાબને સમર્થન આપી રહી છે, હવે તમે (જનતા)ને નક્કી કરવાનું છે કે મત કોને આપવો જોઈએ?"

ભાજપે 2024ની લોકસભાની ચૂંટણીમાં હાલના સાંસદ પુનમ મહાજનનું ઉમેદવારીનું પત્તું કટ કરીને ઉત્તર-મધ્ય મુંબઈની બેઠક (Lok Sabha Elections 2024) પરથી વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી હતી. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે મુંબઈના 26/11માં થયેલા આતંકવાદી હુમલાના મુખ્ય આરોપી અજમલ કસાબને ફાંસીની સજા અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જોકે ઉજ્જવલ નિકમને ભાજપે ઉમેદવારી પદ આપતા કૉંગ્રેસ દ્વારા આ અંગે ટીકા કરવામાં આવી રહી છે. કૉંગ્રેસના નેતા સુપ્રિયા શ્રીનેતે કહ્યું હતું કે “ભાજપ દ્વારા આતંકવાદી કસાબને જેલમાં બિરિયાની આપવાના જુઠા આરોપો કર્યા હતા, એવા ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે”.

“અજમલ કસાબે પોલીસ અધિકારી હેમંત કરકરેની હત્યા નહોતી કરી, પણ ભાજપના વૈચારિક ગુરુ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ(RSS)થી જોડાયેલા એક પોલીસકર્મીએ કરી હતી. ઉજ્જવલ નિકમ ગદ્દાર છે, જેમણે આ સચ્ચાઈને દબાવીને રાખી છે”, એવું વિવાદાસ્પદ નિવેદન કૉંગ્રેસના નેતા વિજય વડ્ડેટીવારે આપ્યું હતું. કૉંગ્રેસના નેતા વિજય વડ્ડેટીવારે કરેલા આ નિવેદન પર મહાયુતિમાં સામેલ શિવસેના એકનાથ શિંદે જૂથે પણ તેમની ટીકા કરી હતી.

તમને જણાવી દઈએ કે 2008માં મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલામાં 10 પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓમાંથી માત્ર અજમલ કસાબને જ જીવતો પકડવામાં પોલીસને સફળતા મળી હતી. કસાબને લગભગ ચાર વર્ષ સુધી મુંબઈની જેલમાં કેદ રાખવામાં આવ્યો હતો અને તેને નવેમ્બર 2012માં ફાંસી આપવામાં આવી હતી. આ દરમ્યાન સરકારી વકીલે ઉજ્જવલ નિકમે કસાબને જેલમાં બિરિયાની આપવાનો આરોપ કરવામાં આવ્યો હતો, પરંતુ અદાલતના સવાલ બાદ તેમણે આ વાત ખોટી હોવાનું કબૂલ્યું હતું.

Lok Sabha Election 2024 Lok Sabha devendra fadnavis bharatiya janata party congress ujjwal nikam mumbai news maha vikas aghadi