21 January, 2022 09:25 AM IST | Mumbai | Bakulesh Trivedi
બોરીવલી (ઈસ્ટ)ના અશોકવનમાં આવેલા રાજગઢ બિલ્ડિંગમાં વાંદરાઓ અઠવાડિયામાં બે-ત્રણ વખત લોકોના ઘરમાં ઘૂસી જતા હોય છે.
ઘાટકોપર અને મુલુંડની જેમ હવે બોરીવલી-ઈસ્ટના સંજય ગાંધી નૅશનલ પાર્ક અને એના જંગલ વિસ્તારમાં રહેતા વાંદરાઓને ખાવાનું ન મળતાં તેઓ હવે શહેરી વિસ્તારમાં ખાવાનું શોધવા આવી ચડે છે. વળી એક બે નહીં પણ ૧૫-૨૦ના ટોળામાં આ વાંદરાઓ નૅશનલ પાર્કની નજીકના વિસ્તારો જેવા કે કુલુપવાડી, શાંતિવન, કૃષ્ણનગર અને દોઢથી બે કિલોમીટર દૂરના અશોક વન, રાવલપાડા વિસ્તારોમાં આવીને તરખાટ મચાવે છે.
આ વાંદરાઓ જો ઘરની બારી ખુલ્લી રહી ગઈ હોય તો ઘરમાં પણ ઘૂસી જાય છે અને ફ્રૂટ્સ, ડ્રાયફ્રૂટ્સ સહિત બટાટા અને ટમેટાં ખુલ્લાં રહી ગયાં હોય તો એ પણ ઉપાડી જાય છે. આ વાંદરા એટલા સ્માર્ટ છે કે થોડા વખત પહેલાં એક ઘરમાં પર્સ હતું તો એ ખોલીને એમાં ખાંખાંખોળા કર્યા હતા અને એમાં રાખેલી ચૉકલટ પણ ખાઈ ગયા હતા. ચૉકલેટ બહાર કાઢવાના ચક્કરમાં પર્સમાં રાખેલી કેટલીક કરન્સી નોટો પણ તેમણે ફાડી નાખી હતી. થોડા વખત પહેલાં એક દંપતી બારી ખુલ્લી રાખીને કામ પર નીકળી ગયું હતું. એ દિવસે વાંદરાનું ટોળું ત્રાટક્યું હતું અને તેમના ઘરને ખેદાનમેદાન કરી નાખ્યું હતું, રસોડામાં સાકરની બરણી અને અન્ય અનાજ-કરિયાણાંની આઇટમો તથા મસાલાના ડબ્બા ખોલી જમીન પર નાખીને ભાગી ગયા હતા. જે ભાવે એ ખાય અને ન ભાવે એ ઢોળી દે. શાકભાજી અને ફ્રૂટ્સ પણ અડધાં-પડધાં ખાઈને ફેંકી દે છે. આમ ઘણું બધું નુકસાન કરી દીધું હતું. રોજેરોજ વાંદરાઓનાં ટોળાં આવે છે એવું નથી, પણ અઠવાડિયામાં એકાદ-બે વાર આવે છે. ક્યારેક એક અઠવાડિયું શાંત ગયું હોય તો બીજા અઠવાડિયે બો-ત્રણ વાર આવી જાય. એમનું કંઈ નક્કી નહીં.
આ બાબતે સંજય ગાંધી નૅશનલ પાર્કના અસિસ્ટન્ટ કમિશનર ડૉ. શૈલેષ પેઠેનો સંપર્ક કરતાં તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘માનવવસ્તીમાં આ પ્રાણીઓને ઈઝી ફૂડ મળી રહે છે એટલે તેઓ બહાર આવે છે. પ્રાણીઓને બે ચીજમાં રસ હોય છે : ફૂડ અને શેલ્ટર. નૅશનલ પાર્ક એમને શેલ્ટર આપે છે અને એના જંગલમાં એમના કુદરતી ખાવાના સોર્સ અને પાણીની પણ કમી નથી. બહાર શહેરી વિસ્તારમાં પ્રાણીઓને (વાંદરાઓને) ઈઝી ફૂડ મળે છે અને લોકો સામેથી ખવડાવે છે. એમને ખોરાક શોધવાની મહેનત કરવી પડતી નથી. રોજેરોજ વગર મહેનતે ખાવાનું મળતું હોવાથી આદત પડી જાય છે અને અહીં આવી જાય છે. જો લોકો એમને ખાવાનું આપવાનું બંધ કરી દેશે તો એમનું બહાર આવવાનું પણ બંધ થઈ જશે.’
ઍનિમલ ઍક્ટિવિસ્ટ, સર્પમિત્ર અને પ્રાણીઓને રેસ્ક્યુ કરીને એમના માટે સતત કામ કરતાં વાઇલ્ડ વર્લ્ડ વેલ્ફેર ફાઉન્ડેશન (એનજીઓ)નાં અધ્યક્ષ મીતા માલવણકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જંગલોમાં વૃક્ષો કપાઈ રહ્યાં છે, નાનાં થઈ રહ્યાં છે. સામે કૉન્ક્રીટનાં જંગલો વધી રહ્યાં છે. એમની જગ્યામાં માનવી દ્વારા અતિક્રમણ થઈ રહ્યું છે એટલે પ્રાણીઓને રહેવાની અને એમના ખોરાકની જગ્યા ઓછી થતી જાય છે. તેથી તેઓ હવે ખોરાકની શોધમાં માનવવસ્તીમાં આવી રહ્યા છે. ઘણા લોકો એમને ધાર્મિક માન્યતા સાથે પૂજે છે અને એમને ખાવાનું આપે છે. પહેલાં થોડા દિવસ સારું લાગે છે, પણ એનાથી એમને આદત પડી જાય છે. પછી તેઓ જ્યારે અવારનવાર તમારી પાસે ખાવાનું લેવાની આશાએ આવે છે ત્યારે એ ત્રાસરૂપ લાગે છે. આવું ન થવું જોઈએ. વાંદરા કુદરતી રીત ફળ, કુમળાં પાન, પક્ષીઓનાં ઈંડાં અને સમય આવ્યે તળાવમાંની માછલી પણ ખાઈ લેતા હોય છે. ઘણી વાર લોકો તેમને રાંધેલો ખોરાક આપી દે છે જેમાં મીઠું, તેલ, ઘી વગેરે હોય છે. એના કારણે એમના સ્વાસ્થ્ય પર અવળી અસર પડે છે. તેઓ ફિટનેસ, ચપળતા ગુમાવે છે અને અકસ્માતનો ભોગ બને છે. એથી એમને રાંધેલો ખોરાક તો ન જ આપવો જોઈએ.’
કન્ઝર્વેશન ઍક્શન ટ્રસ્ટના દેબી ગોએન્કાએ આ વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જંગલ અને માનવવસ્તી વચ્ચે બફર ઝોન હોવો જોઈએ જે હવે રહ્યો નથી. બીજું, જંગલમાં એમને લિમિટેડ ફૂડ મળે છે. વળી એ સીઝનલ હોય છે. એથી ચૉઇસ પણ લિમિટેડ હોય છે. માનવવસ્તીમાં એમને કેળાં અને અન્ય ફ્રૂટ્સ અને અન્ય આઇટમો આસાનીથી ખાવા મળે છે જે જંગલમાં એમને મળતી નથી. ઘણી વાર લોકો આપે છે તો ઘણી વાર તેઓ ઘરમાં ઘૂસીને ઝૂંટવી લેતા હોય છે. એમના માટે તો આ ઈઝી ફાસ્ટ-ફૂડ કાઉન્ટર છે. વળી ક્લાઇમેટ ચેન્જના કારણે પણ જંગલની પ્રકૃતિ પર અસર થાય છે. ખાવાની આઇટમોનો નાશ થતાં ક્વૉન્ટિટી ઘટી જાય છે. પ્રાણીઓ માટે જીવવા અને પરિવારનો વિસ્તાર કરવા ખાવું જરૂરી છે એટલે એમને જે પણ રીતે ખાવાનું મળશે તેઓ ખાશે.’
જંગલ અને માનવવસ્તી વચ્ચે બફર ઝોન હોવો જોઈએ જે હવે રહ્યો નથી. બીજું, જંગલમાં એમને લિમિટેડ ફૂડ મળે છે. વળી એ સીઝનલ હોય છે. એથી ચૉઇસ પણ લિમિટેડ હોય છે. માનવવસ્તીમાં એમને કેળાં અને અન્ય ફ્રૂટ્સ અને અન્ય આઇટમો આસાનીથી ખાવા મળે છે જે જંગલમાં એમને મળતી નથી.
દેબી ગોએન્કા, કન્ઝર્વેશન ઍક્શન ટ્રસ્ટ