પવઈના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં સાંજે દીપડો લટાર મારતો દેખાયો

29 May, 2020 11:14 AM IST  |  Mumbai | Ranjeet Jadhav

પવઈના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં સાંજે દીપડો લટાર મારતો દેખાયો

રહેવાસીઓએ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ દીપડાને ફરતો જોયો હતો

મુંબઈ તાજેતરમાં પવઈના રેસિડેન્શિયલ બિલ્ડિંગ કૉમ્પ્લેસમાં દીપડો લટાર મારવા નીકળ્યો એ ઘટનાને લૉકડાઉન ઇફેક્ટ ગણવામાં આવે છે, પરંતુ હવે અજવાળામાં પણ જંગલી પશુઓ શહેરની રહેણાક સોસાયટીઓમાં નીકળવાની શક્યતા સપાટી પર આવી છે. થોડા દિવસો પહેલાં પવઈના રાહેજા કૉમ્પ્લેક્સના રહેવાસીઓએ સાંજે પાંચેક વાગ્યાની આસપાસ દીપડાને ફરતો જોયો હતો. જોકે એ બિલ્ડિંગ કૉમ્પ્લેક્સ જોગેશ્વરી-વિક્રોલી લિન્ક રોડના બીજા છેડે છે. એ વિસ્તારમાં દીપડાની ઉપસ્થિતિનાં સગડ મેળવવા જંગલ ખાતાના થાણે વિભાગના અધિકારીઓએ કૅમેરા ટ્રૅપ ગોઠવી છે.

ગયા મંગળવારે પવઈના રાહેજા વિહાર કૉમ્પ્લેક્સના ‘ઈવનિંગ ગ્લોરી’ બિલ્ડિંગના રહેવાસીએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં તેમની સોસાયટીના બગીચાના એક ઝાડ નીચે દીપડો જોયો હોવાનું જણાવ્યું હતું. પોસ્ટમાં લખ્યું હતું કે મારા બિલ્ડિંગની બાજુના બિલ્ડિંગમાં ઝાડ નીચે બેઠેલા દીપડાનો ફોટો એક સ્થાનિક વ્યક્તિએ ક્લિક કર્યો છે. પરંતુ ઝાડવાં વચ્ચે એ પશુને શોધવું મુશ્કેલ છે. સોસાયટીના અન્ય એક રહેવાસીએ દીપડાને કમ્પાઉન્ડ વૉલ પર ચાલતો જોયો હતો. થાણે ફૉરેસ્ટ ડિવિઝનના અધિકારીઓએ એ વિસ્તારનું નિરીક્ષણ કરીને ત્યાં કૅમેરા ટ્રૅપ ગોઠવ્યો હતો.

કળવામાં જંગલ ખાતાના કર્મચારીઓ પર સ્થાનિક લોકોએ હુમલો કર્યો

થાણેના કળવા ઉપનગરના ગોલાઈનગર વિસ્તારના આરક્ષિત જંગલમાં ફૉરેસ્ટ ડિપાર્ટમેન્ટની પૅટ્રોલિંગ ટીમ પર સ્થાનિક લોકોએ હુમલો કરતાં ત્રણ કર્મચારીઓ અને બે સ્થાનિક ઘાયલ થયા હતા. જંગલ ખાતાના કર્મચારીઓએ ગેરકાયદે બાંધકામ સામે વાંધો ઉઠાવતાં સ્થાનિક લોકો છંછેડાયા હતા. ઈંટો અને પથ્થર ફેંકીને કરવામાં આવેલા હુમલામાં બે ફૉરેસ્ટ ગાર્ડ્સ સહિત જંગલ ખાતાના સાત કર્મચારીઓ પર હુમલાના આરોપસર કળવા પોલીસ-સ્ટેશનમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધાવવામાં આવ્યો છે.

mumbai mumbai news aarey colony powai ranjeet jadhav