સોસાયટીની લાડલી બિલાડીને પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને લઈ જવાઈ

18 June, 2026 12:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ખારઘરની સોસાયટીમાં અબોલ પ્રાણી સાથે અત્યાચારનો આરોપ, બિલાડીને મારી નાખી કે પછી ક્યાંક ફેંકી દીધી એ અસ્પષ્ટ

બિલાડીને કોથળીમાં નાખતાં મહિલા અને પુરુષ.

ખારઘરની એક સોસાયટીમાં બિલાડીને પ્લાસ્ટિકની કોથળીમાં નાખીને લઈ જવાતી હોવાનો વિડિયો વાઇરલ થયો છે. બુધવારે સોશ્યલ મીડિયા પર મુકાયેલા આ વિડિયોમાં એક બિલાડીને મહિલા અને એક પુરુષ પ્લાસ્ટિકની થેલીમાં ક્યાંક લઈ જતાં હોવાનું દેખાય છે. બિલ્ડિંગના CCTV કૅમેરાનાં ફુટેજમાં આખી ઘટના રેકૉર્ડ થઈ હતી. આર્યન નામના એક માણસે આ વિડિયો શૅર કર્યો હતો અને આ મામલે હવે ખારઘર પોલીસ-સ્ટેશનમાં પોલીસ-ફરિયાદ દાખલ કરવામાં આવી છે. 

એ બિલાડીને કોઈ બીજા સ્થળે ફેંકી દેવામાં ‍આવી છે કે પછી એને મારી નાખવામાં આવી છે એ સ્પષ્ટ નથી. પ્રાણીઓ વિરુદ્ધ અત્યાચારનો વધુ એક કિસ્સો સામે આવતાં પ્રાણીપ્રેમીઓએ અવાજ ઉઠાવી દોષીઓ વિરુદ્ધ કાર્યવાહીની માગણી કરી છે. 

વિડિયો શૅર કરનારાએ તેની પોસ્ટમાં લખ્યું હતું કે આ એક ચેતવણી છે અને ન્યાયની પોકાર પણ છે, અમારી સોસાયટીની પ્રિય બિલાડીને ફ્લૅટ નંબર ૯૦૧માં રહેતા માણસે ક્રૂરતાપૂર્વક પકડીને થેલીમાં નાખી દીધી હતી. 

આ સાથે જ લખ્યું હતું કે આ બિલાડી સોસાયટીના બધા જ રહેવાસીઓની પ્રિય હતી અને હજી સુધી એ ક્યાં છે એ જાણી શકાયું નથી. 

mumbai news mumbai kharghar Crime News mumbai crime news