29 June, 2026 07:34 AM IST | Pune | Gujarati Mid-day Correspondent
એક્ઝૅક્ટ્લી કઈ રીતે કેતનની હત્યા કરવામાં આવી એ સિયાએ પોલીસને ડમી પૂતળાને ધક્કો મારીને દેખાડ્યું હતું.
પુણેના ૨૬ વર્ષના બિઝનેસમૅન કેતન અગ્રવાલની હત્યાના કેસમાં પકડાયેલી તેની મંગેતર સિયા ગોયલને ગઈ કાલે પુણે ગ્રામીણ પોલીસ લોહગઢ લઈ ગઈ હતી અને ૧૮ જૂને એક્ઝૅક્ટ્લી કેતનની હત્યા કઈ રીતે કરવામાં આવી એ ક્રાઇમ સીન રીક્રીએટ કરીને ઘટનાને સમજવાની કોશિશ કરી હતી. પોલીસે આ ક્રાઇમ સીન રીક્રીએટ કરવા ડમી (પૂતળું)ની મદદ લીધી હતી. પુણે ગ્રામીણ પોલીસના ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ગજાનન ટોમ્પેએ કહ્યું હતું કે ‘અમે સિયાને હત્યાના સ્થળે લઈ ગયા હતા. સિયાએ તપાસ દરમ્યાન જે ઇન્ફર્મેશન આપી હતી એ વખતે શું અને કઈ રીતે બન્યું હતું એ ડિસ્કવરી ઑફ ફૅક્ટ્સ માટે અમે તેણે કહ્યા મુજબ એ ક્રાઇમ સીન રીક્રીએટ કર્યો હતો.’
એ ચોક્કસ સ્પૉટ પર સિયાને લઈ જવાઈ હતી અને કઈ રીતે કેતનને ધક્કો માર્યો એ ડમી પર કરી દેખાડવા જણાવ્યું હતું. વળી સિયાએ તેમને હત્યાના દિવસે જે રૂટથી તે ઉપર ગઈ હતી એ રૂટ પણ બતાવ્યો હતો. આ કેસના અન્ય આરોપી ચેતન ચૌધરીને હવે સેપરેટલી લાવીને આ જ ક્રાઇમ સીન ફરી રીક્રીએટ કરવામાં આવશે એમ પોલીસ-ઑફિસરે વધુમાં જણાવ્યું હતું.
ક્રાઇમ સીન કઈ રીતે રીક્રીએટ કરવામાં આવ્યો?
પુણે ગ્રામીણ પોલીસ સિયા અને ચેતનને લઈને સવારના ૬.૩૦ વાગ્યે લોહગઢ પહોંચી.
સાથે કેતનના વજન જેટલું જ એક ડમી પૂતળું લાવવામાં આવ્યું હતું.
૧૮ જૂને લોહગઢ પર ૭૫ મિનિટમાં શું બન્યું એ પોલીસ જાણવા માગતી હતી.
હત્યાના દિવસે સવારે ૯.૨૦ વાગ્યે કેતને તેની આલીશાન કાર અને તેમની પાછળથી આવેલા ચેતને તેનું ટૂ-વ્હીલર ક્યાં પાર્ક કર્યાં હતાં?
ટિકિટ કઢાવતી વખતે એકબીજા સાથે વાત કરી એ વખતે હાવભાવમાં તેમણે એકબીજાને શું કહ્યું? CCTVમાં એ વખતે શું ઝિલાયું?
તેઓ ૧૦.૦૫ વાગ્યે કિલ્લા પર પહોંચ્યા. એ પછી આગળની ૧૫-૨૦ મિનિટ ક્યાં-ક્યાં ફર્યા? ચેતને તેમનો કઈ રીતે પીછો કર્યો?
કેતનને જ્યાંથી ધક્કો મારવામાં આવ્યો એ સ્પૉટ પર તેઓ સવારના ૧૦.૨૫ વાગ્યે પહોંચ્યા હતા. એ પછી કેતન અને સિયાને વચ્ચે શું થયું? ત્યારે ચેતન ક્યાં છુપાયો હતો?
૧૦.૩૫ વાગ્યે સિયા અને ચેતને કઈ રીતે કેતનને ધક્કો માર્યો?
સવારે સાડાછ વાગ્યે શરૂ થયેલું એ ક્રાઇમ સીન રેક્રીએશન ૩ કલાક બાદ ૯.૩૦ વાગ્યે પૂરું થયું હતું.
પુણે મર્ડર કેસના આરોપી ચેતન ચૌધરી અને સિયાને પોલીસ સામસામે બેસાડીને પૂછપરછ કરી રહી હતી જેમાં તેમણે લોહગડ પર અગાઉ જઈને પ્રૅક્ટિસ પણ કરી હોવાનું કબૂલ્યું હતું. સ્કૂટર પર કિલ્લા સુધી પહોંચ્યો હતો. યોજના મુજબ સિયા ગોયલ નીચે બેસીને તેને ઇશારો કરવાની હતી ત્યાર બાદ ચેતન ચૌધરીએ ઉપર આવીને ઘટનાને અંજામ આપવાનો હતો. બન્નેએ નક્કી કર્યું હતું કે સિયા પાણી પીવા માટે અથવા તેનાં જૂતાંની દોરી બાંધવાના બહાને નીચે બેસી જશે. આ સંકેત જાણીજોઈને પસંદ કરવામાં આવ્યો હતો જેથી જીવલેણ ધક્કો મારતી વખતે સિયા ગોયલે કેતનને બચાવ્યો કેમ નહીં એવો પ્રશ્ન ન આવે તેમ જ જો કેતન પડતી વખતે સિયાને પકડે તો બન્ને ખીણમાં પડી જાય, આ ટાળવા સિયા નીચે બેસી ગઈ હતી. આ ઉપરાંત ચેતન હૂડી પહેરીને કિલ્લા પર ચડ્યો. બાદમાં, તેણે હૂડી કાઢી નાખ્યું અને કાળું ટી-શર્ટ પહેર્યું. જતી વખતે તેણે ફરીથી હૂડી પહેર્યું એટલે તેની ઓળખ છુપાવી શકે.
કેતન અગ્રવાલના પપ્પા વિશાલ અગ્રવાલે ૧૮ જૂને લોહગડ કિલ્લા પર હાજર હોય એવી કોઈ પણ વ્યક્તિને તેમના પુત્રની કથિત હત્યાની પોલીસતપાસમાં મદદ કરવા માટે આગળ આવવા અપીલ કરી છે. એક કૅન્ડલમાર્ચ દરમ્યાન આ ઇમોશનલ અપીલ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે કિલ્લામાં બનેલી ઘટના જોનારા ઘણા લોકોએ પરિવારનો સંપર્ક કર્યો છે, પરંતુ હજી સુધી પોલીસ સાથે વાત કરી નથી. તેમણે ખાતરી આપી છે કે જો તેઓ આગળ આવશે તો તેમને કોઈ મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
એવું પણ કહેવાઈ રહ્યું છે કે સિયા અને ચેતને કેતનની હત્યા કરવા એવું સ્પૉટ પસંદ કર્યું હતું કે જ્યાં લોકોની અવરજવર ઓછી હોય. એમ છતાં એ દિવસે ત્યાં કોઈએ શંકાસ્પદ મૂવમેન્ટ જોઈ હોય તો તે પોલીસને મદદરૂપ થઈ શકે એવી આશાએ વિશાલ અગ્રવાલે આ અપીલ કરી છે.
સિયા ગોયલે તેના મંગેતર કેતન અગ્રવાલની તેના પ્રેમી ચેતન ચૌધરી સાથે મળીને હત્યા કર્યાના ચકચારભર્યા કેસમાં રોજેરોજ નવા ચોંકાવનારા ખુલાસા આવી રહ્યા છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હવે તપાસમાં એવું જાણવા મળ્યું છે કે ચેતને કેતનને ધક્કો મારી દીધા બાદ સિયા શાંતિથી બેસી રહી હતી અને ચેતન ત્યાંથી નીકળી ગયો હતો. ચેતન વ્યવસ્થિત નીકળી ગયો હોવાની ખાતરી થયા બાદ અંદાજે ૧૫ મિનિટ પછી સિયાએ બૂમાબૂમ કરી મૂકી હતી કે કોઈ મારા મંગેતરને બચાવો, તે ખીણમાં પડી ગયો. તેની બૂમાબૂમ સાંભળીને લોહગઢ પર ફરવા આવેલા સહેલાણીઓ તેની મદદ કરવા દોડી આવ્યા હતા. તેઓ સિયાની વાત સાચી માનીને તેના પર તરસ ખાઈ રહ્યા હતા. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર તપાસમાં એવુ જાણવા મળ્યું છે કે કેતનને લોહગઢ પરથી ધક્કો મારીને હત્યા કરવા પહેલાં તેમણે ઇન્ટરનેટ પર કઈ-કઈ રીતે હત્યા થઈ શકે એ પણ સર્ચ કર્યું હતું. ઑનલાઇન સર્ચમાં પૉઇઝનથી કઈ રીતે હત્યા કરી શકાય અને કઈ રીતે તપાસમાંથી છટકી શકાય એ પણ સર્ચ કરવામાં આવ્યું હતું. કેસની તપાસ કરી રહેલી પોલીસને શંકા છે કે પોલીસતપાસમાં કઈ રીતે સવાલોના જવાબ આપવા અને કઈ રીતે એ હત્યાને અકસ્માતમાં ખપાવવી એની પણ તૈયારી કરી હોવી જોઈએ.
સિયા અને કેતને લગ્ન પહેલાંના શૂટિંગ માટે બાલી જવાનું નક્કી કર્યું હતું અને તેમણે પુણેથી કાર બુક કરાવી હતી. એ કારના ડ્રાઇવર વૈભવ જાધવે પોલીસને એ દિવસની હકીકત જણાવી હતી. તેના કહેવા મુજબ સિયા બાલી જવા માટે તૈયાર નહોતી. તે કારમાં બેસવા પણ તૈયાર નહોતી એટલે તેના ભાઈ સાહિલે તેનો હાથ પકડીને એને અંદર ખેંચીને કારમાં બેસાડી હતી. વૈભવ જાધવે જણાવ્યું કે પુણેથી રવેત (પિંપરી-ચિંચવડ) જતા સમયે સિયા અને તેના ભાઈ સાહિલ વચ્ચે કારની અંદર ઝઘડો થયો હતો.ત્યાર બાદ ડ્રાઇવર કેતન અગ્રવાલ અને તેના પરિવારના કેટલાક સભ્યોને મુંબઈ લઈ ગયો. આ બધા રસ્તામાં ચા અને નાસ્તા માટે ફૂડ-કોર્ટમાં રોકાયા. આ સ્ટૉપ પર સિયાએ કોઈ બહાનું કાઢીને કારમાંથી એક વસ્તુ કાઢી અને તેના ખિસ્સામાં મૂકી. ડ્રાઇવરે મુંબઈ ઍરપોર્ટ પર બધાને ઉતાર્યા પછી તેને કેતનનો ફોન આવ્યો કે કારમાં કશું રહી ગયું છે એ તપાસવું પડશે, કારણ કે તેનો પાસપોર્ટ ગુમ થઈ ગયો છે. આ કડીઓ જોડતાં ડ્રાઇવરે સિયાએ
ફૂડ-કોર્ટમાં કેતનનો પાસપોર્ટ કાઢી લીધો હોવાની બાતમી પોલીસને આપી હતી.