30 April, 2026 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કલ્યાણ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર બનેલી ઘટના
કલ્યાણ રેલવે-સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના એક અસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર (ASI)ની સતર્કતાને કારણે મા-દીકરાનો જીવ બચ્યો હતો. ચાલુ ટ્રેનમાંથી ઊતરવા જતી વખતે પ્લૅટફૉર્મ પર પટકાયેલી ૨૦ વર્ષની મહિલા અને તેના એક વર્ષના પુત્રને RPFના અધિકારીએ સમયસૂચકતા વાપરીને ટ્રક પર સરકી જતાં પહેલાં બહાર ખેંચી લીધાં હતાં. આ ઘટનાના CCTV કૅમેરાનાં ફુટેજ સોશ્યલ મીડિયા પર વાઇરલ થતાં ASI હેમંત બરગુડેની લોકોએ પ્રશંસા કરી હતી.
આ ઘટના મંગળવારે સાંજે કલ્યાણ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર પાંચ પર બની હતી. પ્રયાગરાજ-મુંબઈ સ્પેશ્યલ ટ્રેન સ્ટેશન પર પ્રવેશી રહી હતી ત્યારે મુસાફર અંતિમા શુક્લા તેના એક વર્ષના દીકરા સાથે મુસાફરી કરી રહી હતી. ટ્રેન હજી ચાલતી હતી ત્યારે તેણે પ્લૅટફૉર્મ પર ઊતરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સંતુલન ગુમાવતાં તે જોરદાર પટકાઈ હતી. મહિલા ટ્રેન અને પ્લૅટફૉર્મ વચ્ચેની જોખમી જગ્યામાં ખેંચાઈ જાય એવી જ ક્ષણે ત્યાં હાજર RPFના ઇન્સ્પેક્ટર અને અન્ય મુસાફરો દોડી આવ્યા હતા.
લોકોની મદદથી ઇન્સ્પેક્ટરે મહિલા અને તેના બાળકને પકડીને પ્લૅટફૉર્મ તરફ ખેંચી લીધાં હતાં અને બન્નેનો જીવ બચાવ્યો હતો. મહિલાને માત્ર સામાન્ય ઈજાઓ થઈ હતી.