કલ્યાણ મટકા પર વર્ચસ્વ જમાવવા હત્યાની સુપારી

07 January, 2021 09:33 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

કલ્યાણ મટકા પર વર્ચસ્વ જમાવવા હત્યાની સુપારી

જયા છેડા, સુરેશ ભગત, વિનોદ ભગત

કલ્યાણ મટકાનો કરોડો રૂપિયાનો ધંધો ચલાવી રહેલી કચ્છી જયા છેડા અને તેની બહેન આશાના મર્ડરની ૬૦ લાખ રૂપિયાની સુપારી કલ્યાણ ભગતના દીકરા વિનોદ ભગતે આપી હતી, પણ ક્રાઇમ બ્રાન્ચે એ હત્યાઓ કરાય એ પહેલાં જ કૉન્ટ્રૅક્ટ કિલરોને ઝડપી લીધા હતા. મૂળ કચ્છના કલ્યાણજી ભગતે કલ્યાણ મટકા ચાલુ કર્યો હતો. એવું ચર્ચાતું હતું કે વિનોદ ભગતે તેના ભાઈ સુરેશ ભગતની હત્યાનો બદલો લેવા અને કચ્છની પ્રૉપર્ટીના વિવાદને લઈને જયા અને તેની બહેન આશાને મારવાનો પ્લાન બનાવ્યો હતો, પણ હવે પોલીસે કરેલી ઝીણવટભરી તપાસમાં એવું બહાર આવ્યું છે કે મટકાના ધંધામાં અઢળક પૈસો હોવાથી માત્ર અને માત્ર કલ્યાણ મટકા ચલાવી રહેલી જયા પાસેથી એ ધંધો પોતાને હસ્તક કરવા વિનોદ ભગતે આ સુપારી આપી હતી. સુરેશ ભગતની હત્યા તેની જ પત્ની જયા છેડાએ કરી હતી. તેણે સુરેશ ભગતથી છૂટાછેડા લીધા હતા. હાલમાં જયા છેડા જામીન પર બહાર છે.   

ચેમ્બુરના લગ્નના એક હૉલમાં ૧૦ ડિસેમ્બરે જયાની બહેન આશાના દીકરાનાં લગ્નનું રિસેપ્શન હતું. એ રિસ્પેશનમાં તો જયા હશે જ એમ ધારી વિનોદ ભગતે જયા અને તેની બહેન આશા જે મટકાના ધંધામાં તેને મદદ કરી હતી તે બન્નેની હત્યા કરવા સુપારી આપી હતી, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની બાંદરા યુનિટના સિનિયર પીઆઇ નંદકુમાર ગોપાલે અને તેમની ટીમે ખાર દાંડામાંથી કૉન્ટ્રૅક્ટ કિલરોને બે ગન અને બુલેટ્સ સાથે ઝડપી લીધાં હતાં. તેમની પાસેથી જયા અને આશાનો ફોટો પણ મળ્યો હતો. આરોપીઓએ તેમનો ગુનો કબૂલી લીધો હતો અને તેમની પૂછપરછમાં એ સુપારી વિનોદ ભગતે આપી હોવાનું જણાવી દેતાં પોલીસે એ કેસમાં અન્ય આરોપીઓ સાથે વિનોદ ભગતની પણ ધરપકડ કરી હતી.     

નંદકુમાર ગોપાલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે વિનોદ ભગતની ઝીણવટભરી પૂછપરછ કરી એમાં એવું જણાઈ આવ્યું છે કે તેને મટકાનો ધંધો પોતાને હસ્તક કરવો હતો એથી તેણે જયા છેડા અને આશાને મારવાનો પ્લાન બનાવ્યો હતો. વિનોદ ભગતની અન્ય પ્રૉપર્ટી છે જે તેણે ભાડે આપેલી છે અને એમાંથી તેને આવક થાય છે, પણ તેનું મુખ્ય લક્ષ્ય મટકાના ધંધા પર વર્ચસ્વ જમાવવાનું હતું.’

જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે કચ્છની ગામની પ્રૉપર્ટીનો પણ કોઈ વિવાદ છે જેના કારણે તેણે આવું પગલું લીધું હોય તો તેમણે જવાબમાં કહ્યું હતું કે ગામની પ્રૉપર્ટી વિશે અમને કશી જાણ નથી, પણ અમારી તપાસમાં મટકાનો ધંધો જ મેઇન કારણ હોવાનું જણાઈ આવ્યું છે.’

mumbai mumbai news kalyan