નવાબ મલિકની જ્યુડિશિયલ કસ્ટડી 18 એપ્રિલ સુધી લંબાવાઈ, મળી આ છૂટ

04 April, 2022 05:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મલિકને તેમના પોર્ટફોલિયોમાંથી અને બે જિલ્લાના પાલક મંત્રી તરીકે મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો

ફાઇલ તસવીર

વિશેષ PMLA કોર્ટે સોમવારે મહારાષ્ટ્રના કેબિનેટ પ્રધાન નવાબ મલિકની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે વધારી દીધી છે. નવાબ મલિક હવે 18 એપ્રિલ સુધી જેલમાં રહેશે. જોકે, કોર્ટે ઘરના ભોજન અને દવાઓ માટે પરવાનગી આપી છે. અગાઉ, ન્યાયિક કસ્ટડી દરમિયાન તેમને બેડ, ગાદલું અને ખુરશી પ્રદાન કરવાની તેમની અરજી સ્વીકારવામાં આવી હતી.

62 વર્ષીય મલિકની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ માફિયા ડોન દાઉદ ઈબ્રાહિમ કાસકરને સંડોવતા કલંકિત જમીન સોદામાંથી ઉદ્ભવતા કથિત મની લોન્ડરિંગ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી સતત કસ્ટડીમાં રહેતા મલિકે ગયા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટમાં EDના કેસને રદ કરવા માટે અરજી કરી હતી, પરંતુ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.

પાછળથી, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ મલિકને તેમના પોર્ટફોલિયોમાંથી અને બે જિલ્લાના પાલક મંત્રી તરીકે મુક્ત કરવાનો નિર્ણય કર્યો હતો, જે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે દ્વારા અન્ય કેબિનેટ સાથીદારોને ફાળવવામાં આવશે.

મલિકે બોમ્બે હાઈકોર્ટના નિર્ણયને પડકારતા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. મલિકે દાવો કર્યો છે કે તેમની ધરપકડ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. 15 માર્ચના રોજ, બોમ્બે હાઈકોર્ટે મલિકની વચગાળાની અરજીને ફગાવી દીધી હતી, જેમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેમની સામે નોંધાયેલા મની લોન્ડરિંગ કેસમાં તેમની તાત્કાલિક મુક્તિની માગ કરવામાં આવી હતી.

mumbai mumbai news nawab malik