ભૂતપૂર્વ ગૃહરાજ્યપ્રધાન આજે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ભગવો ખેસ ધારણ કરશે
વરિષ્ઠ ઉત્તર ભારતીય નેતા કૃપાશંકર સિંહ.
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહરાજ્યપ્રધાન અને ઉત્તર ભારતીય કૉન્ગ્રેસી નેતા કૃપાશંકર સિંહ આજે બીજેપીમાં પ્રવેશ કરશે. તેઓ બપોરે બીજેપીની નરીમાન પૉઇન્ટ ખાતેની ઑફિસમાં દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં પક્ષપ્રવેશ કરશે. મુંબઈમાં ઉત્તર ભારતીયોની મોટી સંખ્યા હોવાથી ઉત્તર ભારતીયોના આ વરિષ્ઠ નેતાના બીજેપીમાં પ્રવેશથી મુંબઈ મહાનગરપાલિકામાં સમીકરણો બદલાવાની શક્યતા છે.
મહારાષ્ટ્રની કૉન્ગ્રેસ-એનસીપીની સરકારમાં ગૃહરાજ્યપ્રધાન રહી ચૂકેલા ઉત્તર ભારતીય નેતા કૃપાશંકર સિંહે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ ૩૭૦ અને ૩૫એ હટાવાયા બાદ કૉન્ગ્રેસે અપનાવેલા વલણથી નારાજ થઈને પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. એ સમયે જ તેઓ બીજેપીમાં જોડાવાની અટકળો લગાવાઈ રહી હતી. જોકે તેમણે ત્યારે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં ફરીને ઉત્તર ભારતીયોનું મન જાણવા માટે સંપર્ક બેઠકો યોજી હતી.
કૃપાશંકર સિંહનો બાદમાં બીજેપીના નેતાઓ સાથે ઘરોબો વધ્યો હતો. તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરે તેઓ ગણપતિનાં દર્શને ગયા હતા ત્યારથી તેમના બીજેપીના નેતાઓ સાથેના સંબંધો સામે આવ્યા હતા. આથી તેઓ ગમે ત્યારે બીજેપીમાં જોડાવાની અટકળો લગાવાતી હતી.
બીજેપી ઑફિસના સેક્રેટરી મુકુંદ કુલકર્ણીના જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યે બીજેપીની નરીમાન પૉઇન્ટ ખાતેની ઑફિસમાં એક બેઠક બોલાવાઈ છે, જેમાં પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ અને વિરોધ પક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિતના નેતાઓ હાજર રહેશે. આ બેઠક બાદ કૃપાશંકર સિંહ તેમના કેટલાક શુભેચ્છકો સાથે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં બીજેપીમાં પ્રવેશ કરશે. તેમની સાથે નિફાડ વિધાનસભા મતદાર સંઘના સ્વર્ગસ્થ વિધાનસભ્ય રાવસાહેબ કદમના પુત્ર યતીન કદમ પણ બીજેપીમાં પ્રવેશ કરશે.
કોણ છે કૃપાશંકર સિંહ?
કૃપાશંકર સિંહ કૉન્ગ્રેસના મુંબઈના વરિષ્ઠ નેતા છે, પણ છેલ્લા થોડા સમયથી તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા છે. ઉત્તર ભારતીયોના મત કૉન્ગ્રેસ તરફ વાળવામાં તેમની મોટી ભૂમિકા રહી છે. વર્ષ ૨૦૦૦માં કૉન્ગ્રેસની સરકારમાં તેઓ ગૃહરાજ્યપ્રધાન બન્યા હતા. ૨૦૦૯માં વિધાનસભા ચૂંટણીમાં કૉન્ગ્રેસને મળેલી સફળતા પાછળ કૃપાશંકર જ હોવાનું મનાય છે. તેઓ મુંબઈ કૉન્ગ્રેસના અધ્યક્ષ, વિધાનસભ્ય, રાજ્યપ્રધાન વગેરે પદ પર રહી ચૂક્યા છે.