22 January, 2022 09:46 AM IST | Mumbai | Alpa Nirmal
ગવર્નર ભગતસિંહ કોશ્યારીએ સાહેબજીની મુલાકાત લઈ તેમના અાશીર્વાદ લીધા હતા
સાહેબજીનો આજે ૧૭૪મો ઉપવાસ છે અને ૨૯ જાન્યુઆરીએ આ દીર્ઘ તપનું પારણું છે. તેમની ઇચ્છા હવે ૧૦૮ માસક્ષમણ પૂર્ણ કરવાની છે
જેમ એવરેસ્ટ દુનિયાનો સૌથી ઊંચો પર્વત છે એ રીતે ૧૮૦ ઉપવાસ જૈન ધર્મનું હાઇએસ્ટ તપ છે. જૈન ધર્મના ૨૪મા અને અંતિમ તીર્થંકર મહાવીરસ્વામી ભગવાને મૅક્સિમમ ૧૮૦ ઉપવાસ સળંગ કર્યા છે. એ અન્વયે આ તપ જૈન ધર્મનું શિખર સમાન તપ છે. આ ભૌતિકવાદના સમયમાં પણ ઘણાં સાધુ-સાધ્વી ભગવંતો અને શ્રાવકો-શ્રાવિકાઓ આ તપ કરે છે. જોકે પંચાવન વર્ષના આચાર્યશ્રી હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબે પરાક્રમની પરાકાષ્ઠા કરી છે. તેમણે એક નહીં, બે નહીં, પાંચમી વખત ૧૮૦ ઉપવાસનું મંડાણ કર્યું છે જેનો આજે ૧૭૪મો ઉપવાસ છે.
આ શક્તિ, આ મનોબળ ક્યાંથી પ્રગટે છે? એના જવાબમાં પૂ. તપસ્વી ગુરુદેવ ‘મિડ-ડે’ને કહે છે, ‘સતત સાધના અને દેવગુરુના આશીર્વાદથી આ સામર્થ્ય કેળવી શકાય છે. એવું નથી કે એક વખત ૧૮૦ ઉપવાસ કર્યા તો બીજી વખત સહેલાઈથી જ થશે. મારી પણ કસોટી થાય છે. તબિયતમાં તકલીફ પણ થાય છે, પરંતુ ગુરુદેવ અને જિનેશ્વર પ્રભુ પ્રત્યેની શ્રદ્ધા મારી નૌકા પાર કરાવી દે છે,’
આ ૧૮૦ ઉપવાસ શરૂ કર્યાના ૧૫ દિવસ પહેલાં જ સાહેબે ૩૨ ઉપવાસ કર્યા અને એના પહેલાં એક મહિનાના ઉપવાસ કર્યા ત્યારે શરૂઆતના ૧૭ ઉપવાસ ખૂબ આકરા થયા. બેસવાની પણ તાકાત નહોતી છતાં તપસ્વી મહારાજસાહેબે દરેક આવશ્યક ક્રિયા, સાધના, જાપ વગેરે કોઈ આળસ કે અસ્વસ્થતા દાખવ્યા વગર કર્યાં. ૩૦ ઉપવાસ પૂર્ણ થયા બાદ જ એનું પારણું કર્યું.
૧૮૦ ઉપવાસ કરવા છે એનું કોઈ આગોતરું પ્લાનિંગ કરો? એના ઉત્તરમાં તપસ્વીશ્રમણ કહે છે, ‘હું નથી કોઈ મુહૂર્ત જોતો, નથી કોઈ પ્લાનિંગ કરતો. તમારો ઉત્સાહ એ જ શુભ મુહૂર્ત. પહેલા દિવસે એકસાથે ૧૬ ઉપવાસના પચ્ચકખાણ લઉં. હા, એ વખતે મગજમાં ખરું કે માસક્ષમણ એટલે મિનિમમ ૩૦ ઉપવાસ તો કરવા જ છે. ઍક્ચ્યુઅલી, મારા ગુરુમહારાજ આચાર્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે ૧૦૮ વર્ધમાન તપની ઓળી કરી હતી. એ ઉપલક્ષે મને પણ ૧૦૮ માસક્ષમણ કરવાની ભાવના છે. અત્યાર સુધી મારા ૩૦ ઉપવાસના હિસાબે ૮૮ માસક્ષમણ થયા છે. હજી ૨૦ બાકી છે. ઉંમર વધતી જાય છે. આગળ જતાં તબિયત સાથ ન આપે તો? આથી બની શકે એટલા ટૂંક સમયમાં ૧૦૮ માસક્ષમણ પૂર્ણ કરવા છે.’
૨૦ વર્ષ પહેલાં આઠ વર્ષના એક બાળમુનિએ કરેલા ૩૦ ઉપવાસથી પ્રેરણા લઈને પૂજ્ય હંસરત્નસૂરીશ્વરજી મ.સા.એ તપોયાત્રાનાં મંડાણ કર્યાં હતાં. એ પહેલાં તો શરીરની પ્રતિકૂળતાને કારણે વર્ષીતપ પણ અધૂરું મૂકી દેવું પડ્યું હતું. જોકે એ બાળમુનિની પ્રેરણા પૂજ્યશ્રીને એવી ફળી કે હવે સાહેબજી એક વખત ૩૦, ૩૨ ઉપવાસ કરે ત્યાર બાદ ૧૫-૨૦ દિવસમાં જ બીજી વખત માસક્ષમણની શરૂઆત કરી દે છે.
આ વખતના ૧૮૦ ઉપવાસ તેમણે ગચ્છાધિપતિ આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબને સમર્પિત કર્યા છે. તેમનું સ્વાસ્થ્ય અનુકૂળ રહે, તેમનું સંયમ જીવન હજી વધુ દીર્ઘ બની રહે એ ભાવનાથી આ યુગપુરુષે આવું દિવ્ય અને દીર્ઘ તપ કર્યું છે. ૨૯ જાન્યુઆરીએ ચોપાટી ખાતે આવેલા બિરલા માતુશ્રી હૉલમાં તેમનું પારણું થશે. આ નિમિત્તે અનેક આચાર્ય ભગવંતો અને સાધ્વીજી ભગવંતો પધારશે.
જૈન ધર્મમાં તપ કરતાં ત્યાગની મહત્તા વધુ છે
આચાર્ય હંસરત્નસૂરીશ્વરજી મહારાજસાહેબ કહે છે, ‘તપસ્વી થવા પહેલાં ત્યાગી થવાનું છે. એ જ જૈન ધર્મનું હાર્દ છે. અમારી પાસે ઘણાં શ્રાવકો-શ્રાવિકાઓ આવે. સાહેબજી, અમારાથી એક ઉપવાસ નથી થતો, અમને માસક્ષમણના આશીર્વાદ આપો. ત્યારે તેમને અને જૈન સમાજના લોકોને કહું છું કે પહેલાં ત્યાગ કરવાનું શરૂ કરો. ૧૦ વસ્તુ ખાવ છો એમાંથી બે વસ્તુ ઓછી ખાવ. ચાર ટાઇમ ખાવ છો તો બે ટાઇમ ખાવ. એ જ રીતે દરેક ભૌતિક સુખનો ભોગવટો ઓછો કરો, એનો ત્યાગ કરો. પહેલાં ત્યાગી થવાનું છે, એમાંથી જ તપસ્વી થવાશે. દરેક તપનો હેતુ છે ખોરાક પરથી મોહ છોડવાનો. જોકે આજે સિનારિયો એવો થયો છે કે તપ થઈ જાય; પણ ખોરાક, સ્વાદ પરનો રાગ છૂટતો નથી.’
શ્રમણ ભગવંત આ વાતને આગળ વધારતાં કહે છે, ‘સાદગી અપનાવો ખાવા-પીવામાં, પહેરવા-ઓઢવામાં, રહેણી-કરણીમાં અને એ પૈસાથી સમાજના નબળા વર્ગની મદદ કરો. તેમના પડખે ઊભા રહો. આ આજના સમયની માગ તો છે જ, સાથે દરેક ધર્મનું મુખ્ય હાર્દ છે.’