ભાઈંદરના જૈન અગ્રણીનું થયું અકસ્માતમાં નિધન

06 January, 2023 08:19 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

અનેક જૈન સંસ્થાઓ સાથે જોડાયેલા પરેશ શાહ વિલે પાર્લે સ્ટેશનથી ચાલીને ઘરે જતા હતા ત્યારે સામેથી આવી રહેલા ઍક્ટિવાએ ટક્કર મારતાં ગંભીર ઈજા થવાથી જીવ ગુમાવ્યો: પંદરેક દિવસ પહેલાં જ પરિવાર સાથે વિલે પાર્લે રહેવા ગયા હતા

અકસ્માતમાં મૃત્યુ પામેલા પરેશ શાહ (ડાબે). ગઈ કાલે મોટી સંખ્યામાં લોકો તેમની અંતિમયાત્રામાં જોડાયા હતા.

મુંબઈ : ભાઈંદર-વેસ્ટમાં સ્ટેશન રોડ પર આવેલા શશિકાંતનગરમાં માતૃઆશિષ નામના બંગલામાં રહેતા ૪૯ વર્ષના પરેશ શશિકાંત શાહ (સિરોયા) બુધવારે રાતે સવાઅગિયાર વાગ્યાની આસપાસ વિલે પાર્લે સ્ટેશનની પાસે ઍક્ટિવાની ટક્કર લાગતાં ગંભીર જખમી થતાં જીવ ગુમાવી બેઠા હતા. તેઓ જૈન સમાજમાં અગ્રણી હોવાને સાથે અનેક સામાજિક સંસ્થાઓથી લઈને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા હતા. પરેશભાઈનું અચાનક આ રીતે મૃત્યુ થતાં જૈન સમાજમાં દુઃખની લહેર છવાઈ ગઈ હતી. પંદરેક દિવસ પહેલાં જ તેઓ પરિવાર સાથે વિલે પાર્લે રહેવા આવ્યા હતા. હાલમાં ભાઈંદરમાં તીર્થ બચાવ રૅલીમાં જોડાવા પણ પરેશભાઈ આવ્યા હતા. ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યે ભાઈંદરમાં તેમના પહેલાંના નિવાસસ્થાનેથી તેમની અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. એમાં ભાઈંદર સહિત મુંબઈમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભાઈંદરની જે. એચ. પોદાર હાઈ સ્કૂલમાં રવિવારે સવારે ૧૦થી ૧૨ વાગ્યા દરમ્યાન તેમની પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

કરબટિયા ગામના અને શ્રી બેતાલીસ વીસા શ્રીમાળી સમાજના અગ્રણી, ટ્રસ્ટી, ભાઈંદરના બાવન જિનાલયના સેક્રેટરી, જે. એચ. પોદાર હાઈ સ્કૂલના ટ્રસ્ટી, કરબટિયા ગામના ટ્રસ્ટી, બેતાલીસ વીસા શ્રીમાળી સમાજ કેળવણી મંડળના ટ્રસ્ટી જેવી અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા અને સ્વભાવે એકદમ શાંત, સરળ, ક્યારેય ગુસ્સો ન કરનારા પરેશભાઈને ત્રણ બાળકો વિશ્રુત, આગમ અને અંશુલ છે. તેમનાં પત્ની શિલ્પાબહેન પણ સ્વભાવે ખૂબ સરળ છે. તેઓ ભાઈંદરમાં એ. એ. ડેવલપર્સ નામનો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા હતા. તેમની અંતિમયાત્રા વખતે ‘દેખો દેખો કૌન આયા, બાવન જિનાલય કા શેર આયા’ અને ‘જબ-તક સૂરજ-ચાંદ રહેગા, તબ તક પરેશભાઈ કા નામ રહેગા’ એવા નારા લગાવવામાં આવ્યા હતા.

પરેશભાઈના સંબંધી હરેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરેશભાઈ કોઈ કામસર મુંબઈ ગયા હતા. કામ પૂરું કરીને તેઓ ચર્ચગેટથી અંધેરી ફાસ્ટ ટ્રેન અને ત્યાંથી સ્લો ટ્રેન પકડીને વિલે પાર્લે આવ્યા હતા. સ્ટેશનની બહાર આવીને તેઓ રસ્તો ક્રૉસ કરી રહ્યા હતા ત્યારે એક બાજુથી આવી રહેલા ટૂ-વ્હીલરે તેમને અડફેટમાં લીધા હતા. આ અકસ્માતમાં પરેશભાઈને માથા સહિત અનેક ઠેકાણે ઈજા થઈ હતી. તેમને પાસે આવેલી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ટૂ-વ્હીલર પર સવાર દંપતી પણ અકસ્માત બાદ નીચે પડ્યું હતું અને તેમને પણ માર લાગ્યો હતો. તેમને પણ કૂપર હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે અમને ઘટનાસ્થળનું સીસીટીવી કૅમેરાનું ફુટેજ દેખાડ્યું હતું.’

પરેશભાઈ શ્રી બાવન જિનાલય જૈન સંઘના સક્રિય સેવક હતા. તેમના પિતા શશિકાંતભાઇ સમાજરત્ન અને સંઘરત્ન તરીકે ઓળખાતા હતા. તેમની વિદાય વખતે પાલખીયાત્રા કાઢવામાં આવી હતી. શ્રી બાવન જિનાલયના જૉઇન્ટ સેક્રેટરી યોગેશ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ દુઃખદ ઘટનાને સ્વીકારવી અમારા કોઈ માટે શક્ય નથી. શશિકાંતભાઈ બાદ પરેશભાઈનો ધર્મસેવા, સમાજસેવા બધા ક્ષેત્રે જે અમૂલ્ય ફાળો રહ્યો છે એ અવિસ્મરણીય છે. આવી રીતે તેમની વિદાય થશે એ વિશ્વાસ બેસી રહ્યો નથી. ભાઈંદર સહિત તમામ જૈન સમાજ, તેમનો મિત્રવર્ગ, સંબંધીઓ વગેરે આઘાતમાં છે.’

પોલીસનું શું કહેવું છે?

જુહુ પોલીસ સ્ટેશનના અસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ પ્રભુએ ‘મિડે-ડે’ને આ બનાવ વિશે જણાવ્યું હતું કે ‘સ્ટેશન પાસે રહેતા હોવાથી પરેશ શાહ ચાલીને ઘરે જઈ રહ્યા હતા ત્યારે રસ્તો ક્રૉસ કરી રહ્યા હતા. એ વખતે ત્યાંથી પસાર થતા ઍક્ટિવાની અડફેટમાં આવી ગયા હતા. ઍક્ટિવા પર દંપતી સવાર હતું અને સ્પીડ પણ વધુ નહોતી, પરંતુ પરેશ શાહ રસ્તો ક્રૉસ કરતા હોવાથી ઍક્ટિવાએ બ્રેક મારતાં એ કન્ટ્રોલમાં રહ્યું નહોતું. આરોપી હાલમાં હૉસ્પિટલમાં દાખલ છે અને ડિસ્ચાર્જ મળ્યા બાદ તેની ધરપકડ કરવામાં આવશે.’

mumbai mumbai news bhayander