મહારાષ્ટ્ર : જેલમાં બંધ ગેંગસ્ટર અરુણ ગવલી કરે છે બીએનો અભ્યાસ

07 September, 2021 07:04 PM IST  |  Nagpur | Gujarati Mid-day Online Correspondent

જેલ સુપરિન્ટેન્ડન્ટ અનુપ કુમરેએ જણાવ્યું હતું કે, ગવલીએ 2017માં એક એનજીઓ દ્વારા `ગાંધી વિચારો` પર લેવાયેલી પરીક્ષામાં ટોપ કર્યું હતું.

અરુણ ગવલી. ફાઇલ ફોટો

ગેંગસ્ટરથી રાજકારણી બનેલા અરુણ ગવલી, જે હાલમાં હત્યાના કેસમાં નાગપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, તેણે મહારાષ્ટ્રની એક ઓપન યુનિવર્સિટીમાંથી આર્ટ્સની ડિગ્રીનો  અભ્યાસ કરી રહ્યો છે. તેવી જાણકારી એક અધિકારીએ આપી હતી.

જેલ સુપરિન્ટેન્ડન્ટ અનુપ કુમરેએ જણાવ્યું હતું કે, ગવલીએ 2017માં એક એનજીઓ દ્વારા `ગાંધી વિચારો` પર લેવાયેલી પરીક્ષામાં ટોપ કર્યા બાદ નાસિક સ્થિત યશવંતરાવ ચવ્હાણ મહારાષ્ટ્ર ઓપન યુનિવર્સિટી (YCMOU)માં વર્ષ 2019 દરમિયાન બેચલર ઓફ આર્ટસ (BA) કોર્સ માટે નોંધણી કરાવી હતી.

જોકે, બીએ કોર્સમાં ગવલી પ્રથમ અને બીજા વર્ષમાં એક-એક વિષયમાં નાપાસ થયો હતો. અધિકારીએ જણાવ્યું હતું કે, તે ATKT જોગવાઈ અંતર્ગત અભ્યાસક્રમના અંતિમ વર્ષમાં અભ્યાસ કરવામાં સફળ રહ્યો હતો.

કુમરે જણાવ્યું હતું કે, કેદીઓને YCMOU અને ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)માંથી વિવિધ અભ્યાસક્રમો માટે નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવી હતી. ગવલી શિવસેનાના કોર્પોરેટર કમલાકર જામસાંડેકરની હત્યા માટે આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે અને 2008થી જેલમાં છે.

અન્ય અધિકારીએ જણાવ્યું કે, ગવલી સહિત નાગપુર સેન્ટ્રલ જેલમાં કુલ 229 દોષિત કેદીઓ હાલમાં બીએથી માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (એમબીએ) સુધીના વિવિધ અભ્યાસક્રમમાં અભ્યાસ કરી રહ્યા છે. તેમાંથી 14 મહિલાઓ સહિત 157 કેદીઓ YCMOU માંથી BA કરી રહ્યા હતા, જ્યારે બે મહિલાઓ સહિત 72 કેદીઓએ IGNOUમાં નોંધણી કરાવી હતી.

અધિકારીએ જણાવ્યું કે, જેલમાં હત્યાના કેસમાં દોષિત પણ MBA કરી રહ્યો છે. તેમણે કહ્યું કે કેદીઓ યુનિવર્સિટીઓમાંથી પોસ્ટ દ્વારા પુસ્તકો મેળવે છે. અધિકારીએ ઉમેર્યું કે, કેદીઓની પરીક્ષા નાગપુર સેન્ટ્રલ જેલમાં લેવામાં આવે છે, જેને બે યુનિવર્સિટીઓ દ્વારા પરીક્ષા કેન્દ્ર તરીકે સૂચિત કરવામાં આવ્યું છે.

arun gawli maharashtra