શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કોંગ્રેસ માટે વિનાશકારી પગલું : નિરુપમ

11 November, 2019 02:30 PM IST  |  Mumbai

શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કોંગ્રેસ માટે વિનાશકારી પગલું : નિરુપમ

સંજય નિરૂપમ

(જી.એન.એસ.) મહારાષ્ટ્રમાં હવે સરકાર બનાવવા માટેનાં સમીકરણો ફરી બદલાય તેવા સંકેત મળી રહ્યા છે. જોકે સંજય નિરુપમે ચેતવણી આપી છે અને મહારાષ્ટ્રમાં કૉન્ગ્રેસની શિવસેના સાથે મળીને સરકાર બનાવવાની રણનીતિને વિનાશકારી પગલું ગણાવ્યું છે. સંજયે પોતાની ટ્‌વીટમાં લખ્યું છે કે મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય અંકગણિતમાં કૉન્ગ્રેસ-એનસીપીની સરકાર બનવી અશક્ય છે. તેના માટે શિવસેનાનો ટેકો જોઈએ. આપણે કોઈ પણ પરિસ્થિતિમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કરવા અંગે ન વિચારવું જોઈએ. આ બાબત પાર્ટી માટે વિનાશકારી પગલું ગણાશે.


મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની ખેંચતાણ ચાલી રહી છે. રાજ્યપાલ ભગત સિંહ કોશિયારીએ શનિવારે વિધાનસભા ચૂંટણીમાં સૌથી મોટી પાર્ટી બીજેપીને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમ્યાન રાષ્ટ્રીય કૉન્ગ્રેસ પાર્ટી (એનસીપી)એ પણ શિવસેના સાથે સરકાર બનાવવાના સંકેત આપ્યા છે. એનસીપીના મુંબઈ એકમના અધ્યક્ષ નવાબ મલિકે જણાવ્યું છે કે જો શિવસેના ગૃહમાં બીજેપીની વિરુદ્ધ વોટ કરે છે તો અમે પાર્ટીને સમર્થન આપવા અંગે વિચાર કરી શકીએ છીએ. નવાબ મલિકે જણાવ્યું હતું કે જો બીજેપી સરકાર રચવાનો દાવો રજૂ કરે છે તો ગૃહમાં ફ્લોર ટેસ્ટિંટ દરમ્યાન એનસીપી તેની વિરુદ્ધ મત નાખશે. અમે જોઈશું કે શિવસેના પણ સરકાર પાડવા માટે બીજેપીની વિરુદ્ધ મત નાખે છે કે નહીં. ત્યારબાદ અમે શિવસેનાના નેતૃત્વમાં વૈકલ્પિક સરકારના સમર્થન અંગે વિચાર કરીશું.

mumbai news sanjay nirupam